________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
મન ક્યારેક એવું આળવીતરું પણ બને છે કે એના ઉદ્દામ ખેલ આત્મદેવ જોતા જ રહી જાય. ક્યારેક પકડવા જતાં એ પારાની માફક વધુ છટકી જાય છે. સુધારવા મથીએ એમ એ તો સામો શોરબકોર કરી વધુ ઉન્મત થાય છે. આવી વેળા ખેલને સાક્ષીભાવે' જોવો જ હિતાવહ છે.
ક્યારેક મન સહેજ ઉદાસીન – સહજ શાંત હોય છે. પ્રાયઃ સવારે ઉઠીએ કે તુરત મન હજું ગતિશીલ થયું નથી હોતું. આવા વખતે કેવળ મનની શાંતતા જ અનુભવવી અને હાથે કરીને મનને કોઈ વિષયમાં ન વાળવું. – પણ થોડી પળો સાવ સ્તબ્ધ બની જવું...
મનને છૂટો દોર આપણે જ આપ્યો છેએને ઉદ્દામ બનાવનાર પણ આપણે જ છીએ. અને આપણે જ ફરીયાદ કરીએ છીએ કે મન આજ્ઞામાં નથી ! ભાઈ મનને ઉદ્દામ આપણે જ બનાવ્યું છે. એ એકાએક નહીં પલટી શકેઃ ધીરે ધીરે કામ પાર પાડવું પડશે.
મનોનિગ્રહ આવશ્યક છે – પરમ આવશ્યક છે – એમાં અમારે કોઈ પ્રકારે બે મત નથી. પણ મનનો નિગ્રહ હઠથી વા જોર-જૂલમથી કરવો કે મનને વારી - સમજાવી - મનાવીને કરવો: મનની સાથે મંત્રણાઓ - મસલતો કરી કરીને કરવો, એ જ શોચનીય છે.
અહાહામનને કાબૂમાં લેવા જેવું પરમ સૌભાગ્યનું કામ બીજું એકપણ નથી. જેનું મન નિશ્ચલશાંત થયું એની સમાધિ ખંડીત કરનાર કોઈ નથી. જગતનું કોઈ પરિબળ એની સમાધિ નષ્ટ કરવા સમર્થ નથી. મન સાધ્યું તેણે ખરે જ સઘળું સાધ્યું છે.
તમે મનોજનીત ભાવાવેગમાં રસપૂર્વક ભળો નહીં – એમાં લાંબો રસ દાખવો નહીં; બસ, એમ મનોજનીત તમામ ભાવોની ઉપેક્ષા કરો . અને . મનથી તમારી અસ્તિ જુદી છે એને જૂદી જાણોમાણો તો ઉપેક્ષિત મન કાળાનુક્રમે સ્વતઃ શાંત પડતું જશે...નિશ્વલ થશે.
તનથી પોતાની અસ્તિ જેમ સાવ જૂદી છે એમ મનથી પણ પોતાની અતિ સાવ જૂદી છે. પોતે તો મનના પ્રવાહોનો જોનાર - જાણનાર છે. પોતે મન નથી: પોતે મનથી ઘણું મહાન એવું ચેતન્ય-તત્ત્વ છે. જે મનને જોવે છે માત્ર... સાલી માત્ર'.