________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
જગત આખું તારું મિત્ર થશે પણ તારું અંતઃકરણ જ જો તારૂ મિત્ર નહીં હોય તો તું કેમેય સુખ-ચેનશાંતિ-તોષ પામી શકનાર નથી, પણ જો તારૂં એક અંતઃકરણ જ તારો પરમ મિત્ર બની રહેતું હોય તો જગત આખું કદાચ અ-મિત્ર બની રહે તોય હરકત નથી.
જીવે સ્વાથ્ય અને સમાધિના ભોગે પણ જગતશિરતાજ થવા પ્રચંડ પ્રયત્ન કર્યા. શિરતાજ તો કાંઈ થવાયું નહીં પણ આંતરિક સંપત્તિ પણ ગુમાવી ! ખેર, હજું પણ સ્વસ્થ અર્થાત્ સ્વમાં સ્થિત થવા પ્રયત્ન કરે તો બાજી નિલે સુધરી શકે છે.
સ્વની સાચો સાચ જરૂરિયાત કેટલી છે એ સમજી; એટલી જ મર્યાદામાં ઉપાધિ રાખવી એ સમાધિ પામવાનો પરમ ઉપાય છે. ઉપાધિ જોઈએ છે કે સમાધિ – એના પર સાધકની કસોટી થાય છે. - સમાધિ જચે તો ઉપાધિ ખૂંચે – ખેંચ્યા વિના રહે જ નહીં.
પ્રાર્થના એટલે કોઈ દુન્યવી આકાંક્ષા નહીં પણ આધ્યાત્મિક ઝંખના. પ્રભુએ જે જે છોડવાનું કહ્યું છે એ માંગે તેનું નામ પ્રાર્થના નથી. વીતરાગને પીછાણે અને કેવળ વીતરાગતા જ માંગે – પૂર્ણ વીતરાગ થવાનું યાચે – એ જ ખરો મુમુક્ષુ છે.
વાંછા કરતાં નથી આવડતું એથી જ જીવ અનંતકાળથી બેહાલી ભોગવી રહ્યો છે. અહાહા...જીવની વાંછામાં વિમળતા ક્યાં ? – નકરો મેલ જ ભર્યો છે...ત્યાં કોઈ અલૌકિક આત્મોન્નતિ સાકાર થાય એવી સંભાવના જ ક્યાં છે?
બરે જ વાંછાઓનું વિશોધન ખૂબ જ આવશ્યક છે. વાંછા વિમળ થાય તો જીવમાં અલૌકિક વિભુતા પ્રગટી રહે એ સ્વાભાવિક છે. પરમ વિમળ વાંછા કરતાં ન આવડે તો બહેતર છે કે જીવ કોઈ વાંછા જન સેવે – વાંછા રહિત થઈ રહે.
જીવને સંસારમાં ભમાવનાર તેની પામર વાંછાઓ જ છે. જીવની અનંત અવનતિ અને અવગતિમાં જવાબદાર તો જીવ વડે અજ્ઞાન-મોહ-પ્રમાદવશ ભવાયેલી અનંત વિષમ વાંછનાઓ જ છે...બીજું કશું નહીં.