________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
८७
અંદરમાંથી અનુભવ પુકારે એને જગતના પ્રમાણપત્રની શું આવશ્યકતા ? અંતસમાંથી ઉઠતો નિઃશંક નાદ જ ખરૂં પ્રમાણપત્ર છે. અગણિત જ્ઞાનીઓની ભીતરની અલૌકિક દશા જગત નથી પિછાણી શક્યુ ને એ પણ પરમનપણે મસ્તીમાં ડૂબી ગયા છે.
અનુભવ વિદ્યમાન હોય એ કાળે કોઈ સંશય ઉદ્ભવી શકતો નથી. જો આંશિક પણ સંશય હોય કે આ આત્માનુભવ હશે કે કેમ – તો હજું અનુભવ પ્રગટ્યો નથી. ઝાંખી પશ્વાતું કદાચ સંશય ઊભો થાય પણ પ્રચુર અનુભવન પછી સંશયને કોઈ અવકાશ નથી રહેતો.
સંભવ છે. કેટલાય જુગોથી...કેટકેટલાય જન્મોથી તમે અધ્યાત્મમાં ઉતરેલા હો. - પણ, કોઈ એવી બુનિયાદી ભૂલ રહી જવા પામતી હોય એના કારણે તમારું આમૂલ રૂપાંતરણ અટકી રહ્યું હોય; અને એ જ ભૂલ અગણિતવાર સેવાય રહી હોય છે.
માનવીનો અંતર્યામિ જ એનો ખરો ગુરુ છે – ભીતરના ભેદ બધા એ જ જાણે છે. એ અંતર્યામિ ગુરુ જો જાગૃત હોય તો કોઈ પરીબળ જીવને ક્યાંય ભટકાવી શકે નહીં. નિઃશંક “જાગૃત અંત:કરણ' જ જીવનો પરમગુરુ અને પરમબેલી છે.
અજ્ઞાન, મોહ કે પ્રમાદજનિત લવલેશ ભૂલ સંભવે કે તત્સણ વ્યાકુળ વ્યાકુળ બની રહે અને ભૂલમાંથી ઉગર્યા વિના લવલેશ ચેન ન પામે એવું અંતઃકરણ, “જાગૃત અંતઃકરણ' કહેવાય. ખરે જ જાગરૂક અંત:કરણ આત્માનો પરમગુરુ છે.
સાચા સાધકનું જાગૃત અંત:કરણ કેવો અદ્દભુત ગુરુ બનીને...પળે પળે કેવી અદ્દભુત પ્રેરણા અને સજાગતા આપી રહે છે એનો ખ્યાલ અનભિજ્ઞને બિલકુલ આવતો નથી. અંતઃકરણને અહોરાત્ર જાગૃત રાખવું એ જ સાધકનું પરમ કર્તવ્ય છે.
મૃતવત અંતઃકરણને પરમ જીવંત બનાવવું હોય તો છીછરાપણું ત્યજી, અંતરની ગહેરાઈમાં જેમ બને તેમ ઊંડા ઉતરવું. બને તેટલાં વધુ ને વધુ અંતર્મુખ થઈ જવું ને અંત:કરણનો ધીમો ધ્વનિ પણ સૂણીસમજી એને અનુરૂપ વર્તવું.