________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
જ્ઞાનને યથાસમયે પૂર્ણ ઉપયોગમાં લ્યો અને બાકીના કાળે કોરી પાટી જેવા બની રહો. જ્ઞાનને બોઝરૂપ ન બનાવો. જ્ઞાન સ્વભાવને વિસરાવનારૂંન બનવું ઘટે.– જો કે સ્વભાવનું વિસ્મરણ વધારે એ જ્ઞાન, જ્ઞાન જ નથી.
ઓછું-વતું જે કાંઈ છે એમાં જ સંતોષ માની જીવવામાં સાર છે. માણસને કદીય મળ્યું એટલામાં સંતોષ માની જીવવાની આદત નથી. જેવી પણ સ્થિતિ કે જેવા પણ સંયોગો છે એમાં તૃપ્તિ માની સંતુષ્ટ રહેવું એ અધ્યાત્મની પાયાની શરત છે.
કશું પણ મેળવવાની ધૂન અંતરની સંતુષ્ટ સ્થિતિને હણી નાખે છે. પરિણામે અંદરમાં ઠરવું દુર્ઘટ થઈ જાય છે. માટે નાહકની વાંછાઓ બધીજ નિર્મળ કરી દેવી... જેટલું બની શકે એટલું વાંછારહિત બની રહેવું.
જDOES જગતની સ્થિતિ જોઈ જોઈને પારાવાર કરુણા ઉપજી આવે છે – ઠીક છે – પણ અંધ જીવ દેખી શકતો નથી કે પોતાના આત્માની જ સ્થિતિ કેટલી નિઃસીમ કરુણા પાત્ર છે. આત્મદશાનું ભાન જ નથી ત્યાં મહાન આત્મદયાનો ઉદ્દભવ જ ક્યાંથી થાય?
જીવ બોલે છે કે મને તે પૂર્ણ વીતરાગ થવું છે – મહાન વીતરાગ દશાનો જ મને ખપ છે– પણ. રાગની રંગત એને છોડવી નથી ! ધર્મના મિષે ય, રાગના રસ સેવવાનું તો એ બંદ કરતો જ નથી. વીતરાગતા” શું વસ્તુ છે એ જ મુગ્ધજીવને ખબર નથી !
જેમાં માલ નથી એવા વિષયોમાં જીવ ધ્યાન જોડે છે અને પરિણામે વ્યગ્રતા-વ્યાકૂળતા પામે છે. જીવ એવા વ્યર્થ ઠેકાણે ધ્યાન શાં માટે જોડતો હશે ? જ્યાં ત્યાં માથું મારવાની ટેવ નાબૂદ ન થાય ત્યાં સુધી સ્થિતપ્રજ્ઞતાનું સ્વપ્ન પણ દુર્લભ છે.
પામરતાનો પાર નથી; તો ય પાપી જીવ અંતરમાં મદ સેવે છે કે મને સત્યનો રાહ જ્ઞાત છે ! ‘હું કદાચ રાહ ભૂલ્યો પણ હોઉ” – એવો અવકાશ પણ એ નથી રાખતો ! આમાં સાચા રાહની કે સાચા રાહબરની ખોજ ક્યાંથી સંભવે ?