________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
જીવનના પથને પાવન રમણીય બનાવવા જેટલી એક સુજન સાથીની આવશ્યકતા છે – એટલી જ અસીમ આવશ્યકતા સાધના પથમાં વિશુદ્ધ અંત:કરણની છે.અહાહા...અંત:કરણ જો પાવન અને ભવ્ય હોય તો સાધના કેવી સુગમ-સરળ-સહજ બની જાય !?
પ્રભુ મને અનેકાંત દષ્ટિ આપજે વસ્તુસ્થિતિના સર્વ પાસાઓ હું સપ્રમાણ નિહાળી યોગ્ય નિર્ણય કરી શકું એવી સંપ્રજ્ઞા અને ધીરજ મને આપજે.કોઈ વસ્તુ માટે કે વ્યક્તિ માટે હું ઉતાવળો નિર્ણય અભિપ્રાય ન આપું પણ સર્વ પાસાઓથી સારાસાર ગવેષી નિર્ણય કરું.
સંસારનું કોઈ એક પાસુ જોઈ તમે નિર્ણય બાંધો કે સંસાર મીઠો છે અથવા સંસાર કડવો છે; તો એ વાત બરાબર નથી. સંસારના અનેક અનેક પાસા નિહાળવા ઘટે – ગુણદોષ તમામ ગવેષવા ઘટે – પછી જે નિર્ણય આવે તે ખરો નિર્ણય છે.
કોઈપણ વિષયનું એક જ પડખું જોતાં જ્ઞાન અવાસ્તવિક થાય છેઃ અધુરૂં થાય છે.અને અધુરૂં જ્ઞાન
ક્યારેક અજ્ઞાન કરતાં પણ વધુ ખતરનાક સિદ્ધ થાય છે. માટે પ્રત્યેક વિષયને એના સર્વ પાસાથી નિહાળીને પ્રમાણિક નિર્ણય પેદા કરવા શ્રમ કરવો ઘટે.
અધીરાં થઈ કોઈ ઉતાવળો નિર્ણય બાંધી લેવા કરતાં અનિર્મીત સ્થિતિમાં રહેવું સારું છે. ભલે કદાચ દિર્ઘકાળ પણ નિર્ણય બાંધ્યા વિના રહેવું પડે; પણ ઉતાવળો કોઈ ગમેતેમ નિર્ણય બાંધી લેવો એનાં જેવું બદતર કામ બીજું નથી. દુનીયા એમ જ ભૂલી છે.
જ્ઞાનની સ્પષ્ટતા ના સથવારે આચરણ સાધવાનું છે. ભાવનાનો ઘણો મદાર જ્ઞાનની સ્પષ્ટતા પર છે. જ્ઞાન જેટલું ચોખ્ખું એટલું આચરણ પણ ઉજ્જવળ અને ઉત્કૃષ્ટ ફળદાયી.આચરણ સાથે ભવ્યભાવનાનો સુમેળ સાધવો હોય તો અંર્તજ્ઞાન સ્પષ્ટ હોવું ઘટે.
જ્ઞાનની સ્પષ્ટતા ખરે જ ઘણી દુર્લભ વસ્તુ છે. એના વિના આચરણમાં મચ્યા રહેનાર લાખો છે. પણ જ્ઞાનની સ્પષ્ટતા-સ્વચ્છતા સાધીને યથાર્થ બોધપૂર્વક આચરણ કરનારા વિરલા છે. કહેવાની જરૂર નથી કે એવું અલ્પ પણ આચરણ પરમ ફળદાયી છે.