________________
૬૪
સાધનાપથ અને આત્મજ્ઞાન
શ્રેયના માર્ગે ચાલવાનો સંકલ્પ કર્યા પછી પણ મન હજારો વાર પ્રેયના રાહે આવવા પોકાર કરશે...જીવે હજારોવાર મનને સમજાવવાનું છે. સમજણ ઘણી ઉંડી ઉતરી, અસ્તિત્વની ખૂબ ગહેરાઈ સુધી પહોચશે પછી મન ધીમે ધીમે શાંત પડશે અને શ્રેય પંથમાં સ્થિર થશે.
હિતાહિતનો ગહન વિવેક જેઓ કરી શકતા નથી; જેણે ચિંતન – મનન – મંથન કરી કરી વિવેકબળ વધાર્યું નથી; સમયે વિવેકને જાગૃત કરવા જે શ્રમ કરતાં નથી – એ તો – પ્રેય પ્રવાહમાં તણાય જ જવાના...એ રૂચિને શ્રેય માર્ગ કદી સ્થિર કરી શકવાના નહીં.
નાથ! માનવ માનવ વચ્ચેના સંબંધો આજ કેટલાં કથળી ચૂક્યા છે ? આદર, પ્રેમ, સદ્દભાવ સહયોગ જેવું કશું રહ્યું નથી. આત્મા અન્ય આત્માનો આત્મભાવે આદર કરતાં ન શીખે – પોતાના અહંકારને કોઈ અળગો કરતાં ન શીખે, તો સ્થિતિ અનિવાર્યતઃ આવી જ રહેવાની.
સૌ જીવોને સમદષ્ટિથી જોતા શીખવું – કોઈને ઉચ્ચ કે કોઈને હીન ને સમજવા – કોઈને પ્રિય કે કોઈને અપ્રિય ન સમજવા – સમાન દષ્ટિએ સર્વ કોઈને નિહાળવા; એ ઘણી મોટી સિદ્ધિ છે. આત્માનુભવ થયા વિના એવી સમદષ્ટિ પ્રાય પાંગરતી નથી.
એક વાત એ પણ નોંધપાત્ર છે કે આજે કોઈનો પોતાના દિલ ઉપર કાબૂ નથી – જેનો પોતાના દિલ ઉપર જ કાબૂ ન હોય એવી વ્યક્તિની બોલી ચાલીના ધડાં શું લેવાના હોય ? આખું જગત એમ જોતા ક્ષમાપાત્ર જ છે. – કોઈના કોઈયેય આચરણનો ઘડો લઈ ખેદખિન્ન થવા જેવું નથી.
આજે પ્રેમ કરનારા કાલે દ્વેષ પણ કરે - દુનિયા પાગલોની છે. જેનું ખુદનું મન પોતાના કહ્યામાં નથી એ પાગલ નહીં તો શું છે ? ભાઈ ખરે જ દુનિયા અર્ધ પાગલ અવસ્થામાં જીવે છે. માટે કોઈના બોલનો ખાસ તોલ કરવા જેવો નથી: કોઈના પ્રમાણપત્ર પર રાચવા જેવું નથી.
જગતના માનવો બધા ઉપેક્ષાપાત્ર છે...સૌ આત્મભાન વિના પ્રગાઢ બેહોશીમાં જીવે છે. આજનો માનવ કેટકેટલાં તણાવમાં જીવે છે ? કોઈનું સાચું મુલ્યાંકન કરવા કોને ફુરસદ છે ? સંસાર ગાંડાઓનો સમૂહ હોય એ બેકદર હોય એમાં અચરજ જેવું કશું નથી.