________________
પર
સાધનાપથ અને આત્મજ્ઞાન
ખરે જ જેને ત્રણભુવનના કોઈપણ પદાર્થમાં રાગ ન હોય – આખા જગતથી ઉદાસીનવૃત્તિ હોય – ખૂદ પોતાના તન-મનથી પણ ઉદાસ હોય અને બ્રહ્મલીન હોય અર્થાત્ સ્વરૂપમાં સમાયેલા હોય, એવા ગુરુ ખોજ્યા પણ મળવા અત્યંત દુર્લભ છે.
ભ્રાંતિ અને વિરતી સામે સાધકે ઘણો લાંબો જંગ ખેલવો પડે છે. એ માટે ઘણા ઠરેલ-ચિત્તની જરૂર રહે છે. સાધકને દેખાય એટલો વિજય નજદિક નથી હોતો. ધીમે ધીમે જંગમાં જેમ જેમ ફાવટ આવતી જાય છે તેમ તેમ ભવરતી ઓસરતી જાય છે.
આત્મસ્થિરતા' શબ્દ તો ઘણો પ્યારો લાગે...પણ અનાદિની ચંચળ પરિણતિને સ્થિર કરવા ઘણું સત્વ જોઈએ છે. – ઘણાં દીર્ઘકાળના અભ્યાસ પછી સ્વરૂપસ્થિરતા આત્માને ઉપલબ્ધ થાય છે અને ટકી રહે છે. અધીરા નરનું આમાં કામ નથી.
સ્વભાવસ્થિરતા એ જ તત્વતઃ ચારિત્ર છે...એના વિના અતીન્દ્રિય આનંદની ધારા માણવા મળતી નથી. બસ સ્વભાવને ઓળખવો – પરખવો અને એના ચહેરા આનંદમાં ડૂબી જવું એ જ ચરમ પરમ કર્તવ્ય છે – બાકી બધું અસાર છે.
વારીવારીને અમારે તો એ જ કહેવું છે કે... હે જીવ, વિભાવથી પાછો વળી જા. એક સ્વભાવ સિવાયના તમામ ભાવો વિભાવ છે. – સાધકે વિભાવ પરથી લક્ષ ઉઠાવી દઈ સ્વભાવ બાજું લક્ષ લગાવવાનું છે. આ સ્વલક્ષ જ તમામ ઉન્નતિનું પ્રબળ કારણ છે.
પર બાજું લક્ષ કરતાં મનને સમજાવી સમજાવીને પાછું વાળવાનું છે – આ પ્રતિક્રમણ છે. અનાદિ અધ્યાયવશ મન છટકીને વારેવારે પર તરફ ચાલ્યું જશે. પણ સાધકે નારાજ થયા વિના વારેવારે એને ‘સ્વ' તરફ વાળવું પડશે...નાસીપાસ થયે નહીં ચાલે.
ટીપુંટીપું કરીને સરોવરને ભરવાનું હોય તો કેવી ધીરજ અને કેવી ખંત જોઈએ ? ચમચીએ ચમચીએ સાગર ઊલેચવાનો હોય તો કેવી અનંત પ્રતીક્ષા જોઈએ ? - એમ મનને વશ કરવાના આ અભિયાનમાં અનંત ધીરજ – અનંત ખંત અને અનંત પ્રતીક્ષા ધરવાની છે.