________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૪૫.
આત્માને ખૂબખૂબ જાગૃત કરવો ઘટે. પ્રત્યેક કાર્ય આત્મ-જાગૃતિ પૂર્વક થવા ઘટે; કર્ય નાનું હોય કે મોટું હોય–આત્મિક હોય કે સંસારિક હોય; પ્રત્યેક કાર્ય પૂર્ણ જાગૃતિથી થવું ઘટે. તો જ મુક્તિ સંભવ છે–તો જ નવા કર્મબંધન અટકી શકે છે...જૂના ખરી જાય છે.
જડ ન બનો...ભાઈ જડ ન બનો...તમે ચેતનાના પંજ છો. ચેતનામય જીવન જીવવું એનું જ નામ જીવતર છે. મૂઢપણે જીવ્યા એ તો ન જીવ્યા બરોબર જ છે– એમાં જીવનનો કોઈ આનંદ નથી. અંત:પ્રજ્ઞા ખીલેલી જ રાખો: હૃદયને ખીલેલું જ રાખો. સ્વસંવેદનમય જીવન જીવો.
હૃદયને હરપળ પ્રાર્થનાભીનું રાખવા જેવું છે. પ્રાર્થના સાંભળનાર કોઈ પરમસત્તા છે વા નથી–એ વિવાદમાં ઉતરવા જેવું નથી. આપણી હૃદયસ્થિતિ પ્રાર્થનાભીની ભીંજાયેલી હોય તો એથી ચૈતન્યનો વિકાસ નિચે ખૂબખૂબ સારી રીતે થાય છે. ભાવમયી બની રહેવું.
સાધક પોતાની ઘણી અસમર્થતા પણ દેખે છે...પરમધ્યેયને આંબવા પોતે હજુ કેટલો અસમર્થ છે એનું સાધકને હૃદયદ્રાવક ભાન છે...આથી સહજપણે એ પ્રાર્થનામાં સરી પડે છે. પ્રાર્થના ખરે જ સાધકની જીવનસંગાથીની છે–સાધકને એનો જ મહાન આશરો છે.
પ્રાર્થનાભીના થતા જ આપણી નિગૂઢમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગવાનો અવસર મળે છે. પ્રાર્થનાભીના થતા અહંકાર સહજમાત્રમાં ઓગળી જાય છે. બીજા પણ પાર વિનાના અવરોધોઅંતરાયો પ્રાર્થના વડે દૂર થઈ જાય છે. પ્રાર્થના સાંધનાનો પ્રાણ છે.
પ્રાર્થના વડે પાર વિનાના દોષો દૂર થાય છે. અલબત્ત, પ્રાર્થના કરીને જ પર્યાપ્તતા ન માનતા...ગુણો ખિલવવા અને દોષ નિવારવા અર્થે વિવકજ્યોત ઝળકાવવાનો પ્રકૃષ્ટ પ્રયત્ન પણ અવશ્ય કરવો ઘટે. અંતર્બોધનો ઉદય પ્રાર્થના વડે ખૂબ ખૂબ થાય છે.
પ્રાર્થના વડે ચેતનાની જે ભાવગંભીર સ્થિતિ સર્જાય છે એ અનુભવી જ જાણી શકે છે...ચેતના કેવી અમાપ–ભાવપૂર્ણ બની જાય છે – એથી ચેતના પરમાત્માને આંબવા કેવી સહજ – સમર્થ બની જાય છે – એનું વર્ણન શબ્દોથી શું થઈ શકે ?