________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૩૫
જ્ઞાની પોતાના અંતરપુરુષાર્થની વાત પ્રાયઃ કોઈને કરતા નથી. જોકે એમના અમિતવિક્રમ અંતરપુરુષાર્થને સમજી શકવા કૂપમંડુક જેવા અન્ય વ્યક્તિઓ સમર્થ પણ નથી...જ્ઞાનીને પોતાના પ્રષ્ટિ-પુરુષાર્થની અલ્ય પણ કથા કરવાનું મન જ નથી હોતું.
જઈOS સ્વરૂપમાં સમાતા જે આનંદસમાધિની અભૂતપૂર્વ ઉપલબ્ધિ થાય છે એ જ્ઞાનીને સુપેઠે અભિજ્ઞાત હોય એને સંપૂર્ણતયા સ્વરૂપમાં સમાય જવાની અદમ્ય અભીપ્સા હોય છે. - એ અભીપ્સા પાસે બીજી તમામ ઈચ્છા-કામનાઓ સ્વતઃ અત્યંત મોળી પડી જાય છે.
જ્ઞાની બને ત્યાં સુધી સામાની ઈચ્છાને માન આપી ચાલે છે. કારણ કે, તેમને પોતાની ખાસ ઈચ્છા જેવું હોતું નથી. આત્મહિતની અદમ્ય અભીપ્સાને બાદ કરતાં અવાંતર કોઈ ઈચ્છા-અભિલાષા જેવું બચવા જ નથી પામ્યું હોતું...તેથી જ્ઞાની સ્વભાવતઃ પરેચ્છાનુસારી હોય છે.
જ્ઞાની સ્વભાવતઃ નિરહંકારી બની ગયા હોય, એમને માન ઘવાવા જેવું કશું હોતું જ નથી. આથી પોતાનું કહ્યું કોઈએ ન માન્યું તો એનો લગીર રંજ જ્ઞાનીને હોતો નથી. કોઈ માને તો પણ ઠીક ન માને તો ય ઠીક - જ્ઞાનીને જીદ કે ખેંચાતાણી કરવાની હોતી જ નથી.
જ્ઞાનીને સર્વ જીવોની સ્વતંત્રતા પ્રીય છે...એથી જ્ઞાની કોઈ ઉપર પોતાની માન્યતા લાદી દેવા ઉત્સુક થતા નથી. સમજાવવાનો બનતો પ્રયાસ કરે છે, છતાં હૃદયમાં રહે છે કે હોય; સહુ જીવ સ્વતંત્ર છે. જેને જે રૂચે તે કરે...ખરે જ જ્ઞાની તો સ્વનું આત્મકાર્ય કરવામાં જ ગળાબૂડ ડૂબેલા છે.
જ્ઞાનીનું એક ગરવું લક્ષણ એ પણ છે કે એમનામાં ઉત્સુકતાનો અભાવ હોય છે. કોઈ બાબતની એમને ઉત્સુકતા હોતી નથી. જ્યારે જે બનવાનું હોય તે બને–જ્ઞાની તો શુદ્ધ વર્તમાનમાં જીવે છે. પોતાનું ચૈતન્યજીવન માણવાનું મૂકીને બીજા કશામાં ઉત્સુકતા દાખવવી એમને કેમ પરવડે ?
જ્ઞાનીઓ જાણે છે કે વિચિત્રતા એ સંસારનો સ્વભાવ છે. અહીં ગમે ત્યારે ગમે તે વિચિત્ર ઘટના બની શકે છે; જ્ઞાનીને મન એનું કોઈ અચરજ કોઈ કુતુહલ કે કોઈ હર્ષ-ખેદ પણ હોતા નથી. જ્ઞાની કદી દુન્યવી નાની-મોટી ઘટનાના કારણે વલોપાત કરતા જ નથી.