________________
૪૨
સાધનાપથ અને આત્મજ્ઞાન
બદલાતા રંગો ઉપર જે મુસ્તાક થવા જાય છે એ ગ્લાનિ અને નિરાશા પામે છે. એ રંગો પર મુસ્તાકન, થતાં, પોતાના ધ્રુવ-સ્વભાવ પર મુસ્તાક રહી, હરપળ પલટાતા પ્રવાહનો જે તટસ્થ પ્રેક્ષક બની રહે છે એ ચીર સુખ-શાંતિ-સંતોષ-તૃપ્તિને પામે છે.
પતિ આશા ધરે કે પત્નિએ મારા પર સદાકાળ એકસરખો ઉમળકો ધારી રાખવો જોઈએ કે પત્નિ એવી આશા ધરે, પુત્રો એવી આશા ધરે, મા-બાપ એવી આશા ઘરે, પણ મનના પરિણામ તો પલટાતા જ રહે છે – વસ્તુનું વિજ્ઞાન જ એવું છે કે અહીં કશુંય ચીરસ્થાયી રહેનાર નથી.
પલટાતા તમામ રંગો અનુત્તેજીતપણે નિહાળતા રહી, તમામ પરિસ્થિતિમાં એક સમાન મનોભાવ ધારી રાખવો અને ઉત્તેજીત કે ઉદ્વિગ્ન થવું નહીં. કોઈ રંગ પકડી રાખવાનો બાલિશ પ્રયત્ન ન કરતા. સર્વ રંગોમાં સમભાવ ધારી રાખવો એ જ સુખનો માર્ગ છે.
તમામ પરિવર્તનજન્ય અસરથી અલાયદા રહેવું હોય તો ધ્રુવને પોતાના ત્રિકાળ એકરૂપ રહેનારા મૂળ સ્વભાવને વળગી રહેવું ઘટે. કોઈ વ્યક્તિ પદાર્થ કે પરિસ્થિતિથી મહોબ્બત ન જોડતાં– પોતાના અવિચલ સ્વભાવથી જ મહોબ્બત રાખવી ઘટે.
દુનિયા આખી પલટો ખાય જાય...અને દુશ્મન થઈ જાય, સામગ્રી માત્ર લુંટાઈ જાય, જીવનસાથી પણ બેવફા માલુમ પડે, ચાહે તેવી ગજબની ઉથલપાથલ થઈ જાય; પણ જે ધ્રુવ સ્વભાવને વળગી રહ્યો છે એના પેટનું પાણી પણ નહીં હલે. એ સ્થિતપ્રજ્ઞ બની રહેશે.
કોઈ બેવફા નથી: કોઈ કસૂરવાર નથી કોઈ અપરાધી નથીઃ કોઈ દુર્જન નથી આપણું પ્રારબ્ધ ફરે તે અનુસાર સહુ બદલી જાય છે. માટે કોઈનો દોષ નથી; આપણા કર્મનો જ દોષ છે, એમ વિચારી – સમભાવ ધારી – સ્વભાવમાં કરવું...એ જ પરમસુખનો માર્ગ છે.
પરમાત્મા મહાવીરદેવે અશરણભાવના ઉપદેશી છે. એનું તાત્પર્ય એ છે કે આ સંસારમાં જીવને – પોતાના આત્મા સિવાય, – કોઈ શરણ નથી. કોઈ શરણ ભાસતું હોય તો પણ એ આભાસ છે. – પોતાની નિયતિ અનુસાર કે કર્મ-કાળ પુરૂષાર્થસ્વભાવ અનુસાર બનવા યોગ્ય બને છે.