________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૩૭.
ભાઈ, હાલત ગમે તેવી હો–અમીર હો કે ગરીબ હો, મોટો પરિવાર હો કે એકલતા હો, રોગી હો કે નિરોગ હો –ચિત્રવિચિત્ર ગમે તે પ્રકારની હો–ખરે જ એ સુખ દુઃખનું વસ્તુતઃ કારણ નથી. સર્વદુઃખનું મૂળ કારણ પોતાના ‘આત્માનું-અજ્ઞાન' જ છે.
આત્મા વિશેનું અજ્ઞાન છે ત્યાં સુધી ભવભ્રમણ ઉભું જ છે, ને ભવભ્રમણ છે ત્યાં સુધી તમામ દુઃખ ઉભા જ છે. સંસારમાં વસીયે ને દુઃખ ન આવે એવું તો કેમ બને ? દેહ છે ત્યાં સુધી અગણિત ઉપાધિ છે...ને ઉપાધિજન્ય—આધિ-વ્યાધિજન્ય સર્વ દુઃખ નિયમથી રહેવાના જ.
સાધકે પોતાના મનને ખૂબ ખૂબ સમજાવવું ઘટે કે તું મન, હવે તો આધિવ્યાધિ-ઉપાધિમય સંસારથી ઉદાસીન થા. અતીન્દ્રિય સુખનો તને પરિચય લાધ્યાં છતાં તું આધિ-વ્યાધિ-ઉપાધિયુક્ત તુચ્છ ઇન્દ્રિય સુખોની અભિલાષા ધરે છો ? હે મન, હવે તો સંસારથી ઉદાસીન થા. -
પોતાના મનને જે મનાવતા શીખ્યો છે એ ભવસાગર તરી ગયો છે. આત્મામાં વિવેકની જાગૃતિ હોય - અને - મન સંપૂર્ણ કહ્યામાં હોય તો ભવસાગર તરવા બીજું શું જોઈએ ? થોડું મનને ‘કરીને મનાવી લેવાની જરૂર છે – મન અવશ્ય માની જશે.
વારંવાર મનાવતા મન ટાઢું પડે છે – એનો સ્વછંદ મોળો પડે છે. જેમ જેમ મનાવતા જઈએ તેમ તેમ મન સ્વાધીન થતું જાય છે. આત્માના કાર્યમાં એ બાધક બનવાનાં બદલે ઉત્સુ સહયોગી બની રહે છે. આખરે એ આત્મામાં લય પામવા પણ તૈયાર થઈ જાય છે.
મનને મનાવવું એ ઘણી ધગશ અને ધીરજનું કામ છે. ક્યારે ખેંચવું – ક્યારે ઢીલું મૂકવું એ આવડવું જોઈએ. મનની સાથે ક્યારે ક્યા પ્રકારે કામ લેવું એ જેને આવડતું નથી એ આંતર સાધનામાં ઉતરી શકતા નથી. મનને વશ કરવું એ જ સર્વોત્કૃષ્ટ પુરુષાર્થનું કાર્ય છે.
મનને જીતવાનું કામ કરૂં છે પણ એના લાભો પણ કલ્પનાતીત છે. ભલા, મનને જીતવાથી શ્રેષ્ઠ એવી સિદ્ધિ બીજી કઈ હોઈ શકે ? કામ કપરૂં છે તો સામે કમાણી પણ એવી જ અદ્દભુતમાં અદ્ભુત છે. ભાવી અનંતકાળ પર્યત એના સુખદાયી પરિણામો છે.