________________
ગુણસુંદરીનો વિવાદ
-: ઢાળ-ર :
ભાવાર્થ
મહસેન રાજાનો બાલ ચંદ્રકુમાર શાસ્ત્રાભ્યાસ ઉમંગથી કરે છે. પુન્યશાળી કુમારને તો પંડિત સાક્ષીભૂત છે. ભણવામાં ઘણા હોંશિયાર છે. બધા જ બાલવિદ્યાર્થીઓમાં કુમાર ભણવામાં મોખરે છે.
આજ નગરમાં વ્યવહાર કુશળ ધનસાગર નામનો ધનાઢય શ્રેષ્ઠી રહેતો હતો. પતિના રાહે ચાલનારી પ્રીતિમતી નામે સતી સ્ત્રી હતી. સંસાર સુખી હતો. સંસારના સુખો ભોગવતાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. તે પછી પતિ-પત્ની ઈચ્છતાં હતા પુત્રી. તો નસીબ થકી રૂપલાવણ્યથી યુકત પુત્રીરત્ન પણ પ્રાપ્ત થયું. દીકરીનું રૂપ અને ગુણને અનુસાર ગુણસુંદરી નામ રાખ્યું.
સાત વરસની બાળા થતાં માતા-પિતાએ ભણવા માટે, નગર બહાર ગુરૂકુળવાસમાં મૂકી. જે ગુરુ પાસે ચંદ્રરાજકુમાર ભણે છે તે જ પંડિત પાસે આ બાળા પણ ભણવા લાગી. બીજા પણ છાત્રો ભણતાં હતાં. બુધ્ધિશાળી રાજકુમાર અને શ્રેષ્ઠી કન્યા બંને બુદ્ધિ, ઉદ્યમ અને ગુરુજનની અસીમ કૃપાના ત્રિવેણી યોગથી શાસ્ત્રોનો અભ્યાસ થઈ ગયો. શેષ રહેલો અભ્યાસ હવે પૂરો થવા આવ્યો હતો. વિનય-વિવેકી બંને વિદ્યાર્થી ગુરુની કૃપાપાત્ર બની ચૂક્યા હતા.
એક દિવસ મધ્યાહ્ન સમયે વિદ્યાર્થીઓ સહુ પોતાના સ્થાને ચાલ્યા ગયા. મઠમાં શ્રેષ્ઠીસુતા અને ચંદ્રકુમાર બંને પાછળ રહૃા. કથારસમાં ડુબેલા બંને વિદ્યાર્થીઓ શાસ્ત્ર વિનોદ કરવા લાગ્યા. જ્ઞાનગોષ્ઠીમાં આગળ વધતાં કુમારીએ કુમારને પૂછયું -
“હે રાજકુમાર!કૈલાશ શિખરે વસતા શિવજીના માથે ગંગા જોઈને, ગૌરી શા માટે ખેદ કરવા લાગી ? વળી સ્વામીના કંઠે વળગી ચુંબન શા માટે કરવા લાગી?”
- કુમાર - હે શ્રેષ્ઠી પુત્રી!કૈલાશ શિખરે શિવજી બેઠા હતા. સ્વર્ગથકી ગંગા પૃથ્વી પર ઉતરી. શિવજીએ પોતાના માથા ઉપર ધરી. ગૌરીએ ગંગાને જોઈ. પોતાની પત્ની જોતાં જ ગૌરી ખેદ કરવા લાગી. શૌકયના દુઃખથી છૂટવા માટે આપઘાત કરવાની બુધ્ધિથી ઝેર ખાવા તૈયાર થઈ પણ તે ઝેર કયાં લેવા જાય? શિવજીના કંઠે ઝેર હતું. તે ઝેર ચૂસવા માટે તરત જ શિવજીના કંઠે વળગીને ચુંબન કરવા લાગી. ચૂંબનમાં ઝેર ચૂસવા લાગી. કુમારનો જવાબ સાંભળી સુંદરીના હૈયામાં કુમાર પ્રત્યે અત્યંત પ્રેમ પ્રગટ થયો. કુમારને કહેવા લાગી.
સુંદરી - હે રાજકુમાર ! જવાબ સાચો છે. મને આનંદ થયો. સંસારમાં ચતુરની સાથે ચતુરનો યોગ થાય તો જ્ઞાનગોષ્ઠી વધે. જીવાતા જીવનમાં આનંદ રહે. જો ચતુરને મૂર્ધનો યોગ થાય તો શી દશા થાય? જિંદગી ઝૂરીને પૂરી કરવી પડે. બોલો ! કુમાર? આપનું શું કહેવું છે?
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)