________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ ધનેશ્વરસૂરિની કથા શ્રીપુર નામના નગરમાં ધનેશ્વર નામના સૂરિ ચાતુર્માસ રહ્યા હતા. તેમનામાં ઉપવાસ કરવાની શક્તિ નહોતી. અન્યદા પર્યુષણ પર્વ આવતાં બીજા સાધુઓ તથા શ્રાવકો છ૪ અક્રમ વગેરે તપ કરવા લાગ્યા. તે વખતે સૂરિએ વિચાર્યું કે “હું ઉપવાસ કરી શકતો નથી, તો પણ આજે તો ઉપવાસ કરું.” એમ વિચારીને તેમણે પ્રથમ પોરસીનું પચ્ચખાણ કર્યું પછી પુરિમષ્ઠનું કર્યું, પછી અવઢનું કર્યું એમ વધતું વધતું પચ્ચકખાણ કરવા લાગ્યા. બીજા સાધુઓએ ગુરુને કહ્યું કે - “અમે આહાર લઈ આવીએ, તમે પચ્ચકખાણ પારો.” ગુરુ બોલ્યા કે “આજે તો ઉપવાસ જ છે.” પછી સાયંકાળનું પ્રતિક્રમણ કર્યું. સંથારાની વિધિ ભણીને સંથારો કર્યો, પણ ભૂખને લીધે તેમને નિદ્રા આવી નહીં. મધ્યરાત્રિએ બોલ્યા કે – “હે મુનિઓ! અસુર થયું છે, માટે અન્ન લઈ આવો.” સાધુઓ બોલ્યા કે - “હજુ તો મધ્યરાત્રિનો સમય છે, સૂર્યોદય થયો નથી, શંખ વગાડનારે હજુ શંખ પણ વગાડ્યો નથી, કૂકડાઓ પણ બોલતા નથી. આપે જ અમોને શીખવ્યું છે કે રાત્રિભોજનથી મૂળગુણની હાનિ થાય છે માટે આ વખતે ભિક્ષા લેવા જવું યોગ્ય નથી. લોકો પણ હજુ સૂતા છે.”
તે સાંભળીને સૂરિ બોલ્યા કે – “હે શિષ્યો ! શંખ પોતાના પિતા સમુદ્રને મળવા ગયો છે, સૂર્યનો રથ ભાંગી ગયો છે અને કૂકડા પણ ઉડીને બીજે ઠેકાણે આકાશમાં ગયા છે. કહ્યું
"उयहिं सरेविण शंख गय, कुक्कुड गया नहंसि ।
रह भग्गो सूरय तणो, तेण न विहाइ रत्ति ॥१॥" ભાવાર્થ - શંખ સમુદ્રને મળવા ગયો છે, કુકડા આકાશમાં ગયા છે અને સૂર્યનો રથ ભાંગી ગયો છે, તેથી રાત્રિ વીતી ગઈ જણાતી નથી.”
આ પ્રમાણે સાંભળીને સાધુઓ બોલ્યા કે “આપ જે કહો છો તે સત્ય છે, પણ સુધાતુર માણસો શું શું કરતા નથી? જુઓ !”
पंच नश्यन्ति पद्माक्षि, क्षुधार्तम्य न संशयः ।
तेजो लज्जा मतिर्ज्ञानं, मदनश्चापि पंचमः ॥१॥ ભાવાર્થ - કમળના સરખા નેત્રવાળી સ્ત્રી! ક્ષુધાતુર માણસનું તેજ, લજ્જા, બુદ્ધિ, જ્ઞાન અને પાંચમો કામદેવ-એ પાંચે વાનાં નાશ પામે છે, એમાં કોઈ સંદેહ નથી.”
તે સાંભળીને સૂરિ બોલ્યા કે “મેં સુધાની પીડાથી આવું જલ્પન કર્યું છે, તેથી મને તેનો મિથ્યાદુકૃત હો.” એ પ્રમાણે નિષ્કપટપણે સર્વની સમક્ષ પોતાનું પાપ આલોચીને સૂરિએ ચિત્ત દઢ કર્યું. પછી પ્રાતઃકાળે પણ પોરિસીનું પચ્ચકખાણ કરીને ત્યારપછી પારણું કર્યું.