________________
૨૧૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ શાખાઓ વૃદ્ધિ પામેલી છે એવા નન્દરૂપી મહાવૃક્ષને ઉગ્ર વેગવાળા વાયુની જેમ હું મૂળથી ઉખેડીને ભમાવીશ.”
તે સાંભળીને “આ ભિક્ષુક બ્રાહ્મણથી શું થવાનું છે.” એમ ધારી રાજાએ પણ તેની ઉપેક્ષા કરી. એટલે તે ચાણાક્ય ત્યાંથી નીકળીને ભમતો ભમતો નંદરાજાના મયૂર-પોષકના ગામમાં આવ્યો. ત્યાં તે પરિવ્રાજકનો વેષ ધારણ કરીને રહ્યો. તે ગામના ગ્રામણી (ગામેતી)ની પુત્રીને ચંદ્ર પીવાનો દોહદ થયો હતો, તે દોહદને પૂર્ણ કરવા કોઈ સમર્થ થયું નહોતું, તેથી તેના પિતાએ ચાણાક્યને કહ્યું, ત્યારે તે બોલ્યો કે “જો તે પુત્રીના ગર્ભમાં રહેલો પુત્ર મને આપવાનું કબૂલ કરો તો હું તેનો દોહદ પૂર્ણ કરું” તે સાંભળીને ‘ગર્ભવતી પુત્રી દોહદ પૂર્ણ ન થવાથી મરી ન જાઓ.” એમ ધારી તેઓએ ચાણાક્યનું વચન કબૂલ કર્યું. પછી ચાણાક્ય એક છિદ્રવાળો વસ્રનો મંડપ કરાવ્યો, તે મંડપની ઉપર છાની રીતે તે છિદ્રને ધીરે ધીરે ઢાંકવા માટે એક ગુપ્ત માણસને રાખ્યો ને તે છિદ્રની નીચે મંડપમાં દૂધથી ભરેલો એક થાળ મૂક્યો.
કાર્તિકી પૂર્ણિમાની રાત્રે ચંદ્રનું પ્રતિબિંબ તે થાળમાં પડ્યું. તે પ્રતિબિંબ તે ગર્ભિણીને બતાવીને ચાણાક્ય બોલ્યો કે “આ ચંદ્રનું પાન કર.” પછી પ્રસન્ન થયેલી તે સ્ત્રીએ ચંદ્રપાનની બુદ્ધિથી થાળમાં દૂધ પીવાનો આરંભ કર્યો. જેમ જેમ સ્ત્રી થાળમાંથી દૂધ પીતી ગઈ, તેમ તેમ મંડપ ઉપર ગુપ્ત રહેલા પુરુષે ધીરે ધીરે તે છિદ્ર ઢાંકવા માંડ્યું. એવી રીતે બધું દૂધ પૂર્ણ થયું ત્યારે તે આખું છિદ્ર ઢાંકી દીધું. એ પ્રમાણે તેનો દોહદ ચાણાક્યે પૂર્ણ કર્યો. પૂર્ણ સમયે તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો. તેનું ચંદ્રગુપ્ત એવું નામ પાડ્યું.
ચાણાક્ય તો અનેક પ્રયત્નો કરીને દ્રવ્ય ઉપાર્જન કરવા લાગ્યો. અહીં ચંદ્રગુપ્ત પ્રૌઢ વયનો થયો, એટલે સમાન વયવાળા બાળકોની સાથે રાજાની જેમ ક્રીડા કરવા લાગ્યો. તેમાં દેશ, પુર, ગોકુળ, હાથી, ઘોડા અને અમાત્ય વગેરેની સ્થાપના કરતો હતો અને તેમાંથી અનેક પ્રકારનું દાન આપતો હતો. તેવામાં ભમતો-ભમતો ચાણાક્ય ત્યાં આવ્યો. તે બોલ્યો કે “હે બાળક ! મને પણ કાંઈક આપ.” ચંદ્રગુપ્તે કહ્યું કે “આ ગાયો લઈ લે.” ચાણાક્યે કહ્યું કે “એ ગાયો લેતાં મને બીક લાગે છે.” ત્યારે ચંદ્રગુપ્ત બોલ્યો કે “બીશ નહીં, આ પૃથ્વી વી૨ પુરુષને જ ભોગવવા લાયક છે.” તે સાંભળીને હર્ષ પામેલા ચાણાક્યું બીજા બાળક પાસેથી તેનું નામ તથા ગોત્રાદિક જાણીને એ પોતાનો જ બાળક છે, એમ નિશ્ચય કરી તેને કહ્યું કે “હે વત્સ ! ચાલ, હું તને સાચું રાજ્ય આપું.” તે સાંભળીને તરત જ તે તેની સાથે જવા તૈયાર થયો, એટલે તેને લઈને ચાણાક્ય નાસી ગયો.
પછી તેણે સૈન્ય તૈયાર કરીને પ્રથમ પાટલીપુત્રને જ ઘેરો ઘાલ્યો. નંદરાજાએ ક્ષણવારમાં તેના થોડા સૈન્યને જીતી લીધું. એટલે ચાણાક્ય ચંદ્રગુપ્તને લઈને નાસી ગયો. તેની પાછળ નંદરાજાના સ્વારો દોડ્યા. તેમાંથી એક સ્વાર દૂરથી ચાણાક્ય અને ચંદ્રગુપ્તના જોવામાં આવ્યો.