________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫
૨૧૫ જાણીને ચંદ્રગુપ્ત પાસે તેને પુરના અધ્યક્ષની જગ્યા અપાવી, એટલે મૌર્ય વંશનું સામ્રાજ્ય કંટક (શત્રુ) રહિત થયું.
એકદા “ચંદ્રગુપ્ત પાસે ધન નથી.' એમ જાણીને ચાણાક્ય પુરના લોકોની સાથે મદ્યપાનની ગોષ્ઠી કરી. મદિરાના આવેશથી પુરના લોકો ઉન્મત્ત થઈને નાચ કરવા લાગ્યા અને પડવા લાગ્યા. તે વખતે અવસરને જાણનાર ચાણાક્ય પણ ગાંડો બનીને બોલ્યો કે “મારે ધાતુના રંગેલા બે વસ્ત્રો છે, ત્રિદંડ છે અને સુવર્ણની કુંડી છે, તેમજ રાજા મારે આધીન છે, માટે મારા નામની ઝાઝ પખાજ વગાડો.” તે સાંભળીને ઝાઝ વગાડનારાઓએ ચાણાક્ય મંત્રીના નામની ઝાઝા વગાડી. તે સાંભળીને એક ગૃહસ્થ પુરુષે મદિરાના ઉન્મત્તપણાથી હાથ ઊંચો કરીને કોઈને પણ નહીં કહેલી એવી પોતાની લક્ષ્મીનું વર્ણન કરતાં કહ્યું કે “અરે ! એક હજાર યોજન સુધી કોઈ શેઠ ચાલે તેને પગલે પગલે લાખ-લાખ દ્રવ્ય આપું, તેટલા ધનનો હું સ્વામી છું, માટે મારા નામનું ઢોલકું વગાડો.”
તે સાંભળીને હું પહેલો બોલું “હું પહેલો બોલું એવી ચડસાચડસીથી બીજો બોલ્યો કે “એક આઢક તલને વાવીએ અને તે સારી રીતે પાળીને તેમાંથી જેટલા તલ નીપજે તેટલા લક્ષ દિનાર મારા ઘરમાં છે, તેથી મારા નામનું ઢોલકું વગાડો.”
ત્રીજો બોલ્યો કે “વર્ષાઋતુની પહેલી વૃષ્ટિથી ગિરિની નદીમાં જેટલું પૂર આવે, તે પૂરને એક દિવસના માખણથી પાળ બાંધીને હું રોકી શકું તેટલું માખણ દરરોજ મારે ત્યાં થાય છે, માટે મારા નામનું ઢોલકું વગાડો.”
ચોથો બોલ્યો કે “મારે ઘેર એટલા બધા અશ્વો છે કે એક દિવસે જ ઉત્પન્ન થયેલા વછેરાની કેશવાળીથી આખું નગર વીંટાઈ જાય, માટે મારા નામનું ઢોલકું વગાડો.”
પાંચમો બોલ્યો કે “મારા ઘરમાં એક શાલી (ડાંગર)નો દાણો એવો છે કે તે જુદી જુદી જાતની શાલીના બીજને ઉત્પન્ન કરે છે અને બીજો શાલીનો દાણો એવો છે, કે તેને વારંવાર લણીએ છતાં વારંવાર ઉગ્યા જ કરે છે. આ બે રત્નો મારે ઘેર છે, માટે મારા નામનું ઢોલકું વગાડો.” આ પ્રમાણે મઘના આવેશથી સર્વ જનોએ પોતાની સમૃદ્ધિ પ્રગટ કરી. કહ્યું છે કે -
कुविअस्स आउरस्स य, वस्सणपत्तस्स रागरत्तस्स ।
मत्तस्स मरंतस्स य, सभावा पायडा हुंति ॥१॥ ભાવાર્થ :- “કોપમાં આવેલો, મહાવ્યાધિવાળો (આતુર), દુઃખમાં પડેલો, રાગમાં આસક્ત થયેલો, ઉન્મત્ત થયેલો અને મરવા તૈયાર થયેલો-આટલા માણસો પોતાની સત્ય વાત પ્રગટ કરે છે.”
ઉ.ભા.-૫-૧૫.