________________
૨૧૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ કે “હે પિતા ! મને બહુ ભૂખ લાગી છે, તેથી ભોજન કરવા માટે ઘેર ચાલો.” ભરત બોલ્યો કે “હે વત્સ! તું તો નિશ્ચિત છે, ગામના કષ્ટને તું કાંઈ જાણતો નથી.” રોહક બોલ્યો કે “શું કષ્ટ છે ?”
ત્યારે ભારતે રાજાની આજ્ઞા કરી દેખાડી. તે સાંભળીને રોહક બોલ્યો કે “ચિંતા ન કરો, તમે રાજાને યોગ્ય મંડપ કરવા માટે તે શિલાની નીચે ખોદો. પછી જ્યાં જ્યાં ઘટે ત્યાં ત્યાં તેની નીચે થાંભલાઓ ગોઠવો અને તે શિલાને ઉપાડ્યા વિના જ ભોયરાની જેમ ફરતી ભીંત વગેરે કરો.” તે સાંભળીને સર્વ લોકો હર્ષ પામી જમવા ઉઠ્યા. પછી ભોજન કરીને રોહકના કહેવા પ્રમાણે મંડપ તૈયાર કર્યો. રાજા પણ તે મંડપને જોઈને પ્રસન્ન થયો. પછી તેણે ગામના લોકોને પૂછ્યું કે “આ કોની બુદ્ધિથી મંડપ કર્યો?” લોકો બોલ્યા કે “ભરતના પુત્ર રોહકની બુદ્ધિથી.”
એકદા રાજાએ તે ગામમાં એક મેંઢો મોકલીને હુકમ કર્યો કે “આ મેંઢો અત્યારે જેટલો તોલમાં છે તેટલો જ પંદર દિવસે પાછો આપવો. તોલમાં જરા પણ ન્યૂનાધિક થવો ન જોઈએ.” એ પ્રમાણે રાજાનો નિર્દેશ સાંભળીને સર્વે જનો ગામ બહાર સભા કરી એકઠા થયા. પછી રોહકને બોલાવીને રાજાનો હુકમ કહી બતાવ્યો. ત્યારે રોહક બોલ્યો કે “એક વરૂ પકડી લાવીને તેની પાસે આ મેંઢાને બાંધવો અને તેને સારો ખોરાક આપી પુષ્ટ કરવો.” તે સાંભળીને લોકોએ તે પ્રમાણે કર્યું. પંદર દિવસે તે મેંઢો રાજાને પાછો સોંપ્યો. રાજાએ તેને તોળ્યો તો તેટલો જ તોલમાં થયો.
પછી રાજાએ એક કૂકડો મોકલ્યો અને કહેવરાવ્યું કે “બીજા કૂકડા વિના આ કૂકડાને યુદ્ધ કરાવવું.” તે સાંભળીને લોકોએ રોહકના કહેવાથી તે કૂકડાની સામે એક અરીસો મૂક્યો. તેમાં તે કૂકડાએ પોતાનું પ્રતિબિંબ જોઈને બીજો કૂકડો છે એમ જાણી તે પ્રતિબિંબ સાથે અહંકારથી યુદ્ધ કરવા માંડ્યું. તે વાત રાજાને ચરપુરુષોએ કહી. તે સાંભળી રાજા ખુશી થયો. *
પછી રાજાએ આજ્ઞા કરી કે “નદીની રેતીના દોરડાં વણીને અહીં મોકલાવો.” ત્યારે રોહકના કહેવાથી લોકોએ પ્રત્યુત્તર કહેવરાવ્યો કે “હે રાજા ! તમારા ભંડારમાં રેતીનાં જૂનાં દોરડાં પડ્યાં હશે, તેમાંથી એક દોરડું નમુના માટે મોકલો કે જેથી તેને અનુસાર અમે દોરડાં વણીને મોકલીએ.” તે સાંભળીને રાજા મૌન થઈ ગયો.
એકદા રાજાએ મરવાની તૈયારીવાળો, રોગી અને વૃદ્ધ હાથી નટ ગામમાં મોકલાવીને કહેવરાવ્યું કે “આ હાથી મરી ગયો એમ કહ્યા વિના હંમેશા તેના ખબર મને મોકલવા.” અહીં તો તે જ રાત્રે હાથી મૃત્યુ પામ્યો. પ્રાત:કાળે રાજાને કેવી રીતે ખબર આપવા તેનો વિચાર ન સૂઝવાથી લોકોએ રોહકને પૂછ્યું. એટલે તેના કહેવા પ્રમાણે ગામના અધિપતિએ રાજા પાસે જઈ નિવેદન કર્યું કે “હે દેવ ! આજે હાથી બેસતો નથી, ઉઠતો નથી, આહાર કે નિહાર કરતો નથી અને બીજી કોઈ પણ ચેષ્ટા કરતો નથી.” રાજાએ પૂછ્યું કે “અરે, શું હાથી મરી ગયો? તેણે કહ્યું કે “હે રાજા ! આપ એવું બોલો છો, અમે એમ બોલતા નથી.” તે સાંભળીને રાજા મૌન થયો.