________________
૨૨૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ * પછી રોહક સૂઈ ગયો. રાજાએ ત્રીજા પ્રહરે રોહકને બોલાવ્યો કે “અરે જાગે છે કે ઊંધે છે?” તે બોલ્યો કે “જાગુ છું.” રાજાએ પૂછ્યું કે “શું વિચાર કરે છે?” તે બોલ્યો કે “હે દેવ! ખીસકોલીનું જેટલું મોટું પૂંછડું છે તેટલું જ તેનું શરીર પણ હશે કે કાંઈ ન્યૂનાધિક હશે? રાજાએ તેનો નિર્ણય તેને જ પૂછ્યો, ત્યારે તે બોલ્યો કે “હે દેવ ! બન્ને સરખા હોય છે.”
પછી રોહક સૂઈ ગયો. રાજા પ્રાતઃકાળે જાગ્યો, ત્યારે રોહકને બોલાવ્યો, પણ નિદ્રાવશ હોવાથી તેણે જવાબ આપ્યો નહીં. ત્યારે રાજાએ ક્રીડાથી રોહકને જરાક સોટી લગાડી. એટલે રોહક જાગી ગયો. રાજાએ પૂછ્યું કે “અરે કેમ ઊંધે છે કે?” તે બોલ્યો કે “દેવ જાગું છું.રાજાએ કહ્યું કે “ત્યારે કેમ ઘણીવારે બોલ્યો?” રોહકે જવાબ આપ્યો કે “હે દેવ! હું વિચાર કરતો હતો કે રાજા કેટલા પુરુષથી ઉત્પન્ન થયો હશે? (રાજાને કેટલા બાપ હશે ?)” તે સાંભળીને રાજા લજા પામીને જરાવાર મૌન રહ્યો. પછી થોડીવારે પૂછ્યું કે “અરે, બોલ ! હું કેટલા પુરુષથી ઉત્પન્ન થયો છું?” રોહક બોલ્યો કે “પાંચ પુરુષથી.” ફરીથી રાજાએ પૂછ્યું કે “કયા કયા પાંચથી?” તે બોલ્યો કે “એક તો કુબેર ભંડારીથી, કેમકે કુબેરભંડારીના જેવી તમારામાં દાનશક્તિ છે. બીજા ચંડાળથી, કેમકે શત્રુના સમૂહ પ્રત્યે તમે ચંડાળની જેવો કોપ કરો છો. ત્રીજા ધોબીથી, કેમકે જેમ ધોબી વસ્ત્ર નીચોવીને પાણી કાઢી નાંખે છે તેમ તમે પણ માણસોને નીચોવીને તેનું ધન લઈ લ્યો છો. ચોથા વીંછીથી, કેમકે તમે ભરનિદ્રામાં સૂતેલા બાળકને પણ નિર્દય વીંછીની જેમ સોટી મારીને પીડા ઉપજાવો છો અને પાંચમા તમારા પિતાથી તમે ઉત્પન્ન થયા છો, કે જેણે રાજયમાં અને ન્યાયમાં તમને સ્થાપન કર્યા છો.” તે સાંભળીને રાજા બહુ આશ્ચર્ય પામ્યો.
પછી રાજાએ પોતાની મા પાસે એકાંતમાં જઈને નમન કરી પૂછ્યું કે “હે માતા કહો, હું કેટલા પુરુષથી ઉત્પન્ન થયો છું?” માતાએ કહ્યું કે “હે વત્સ! એ તું શું પૂછે છે? તારા પિતાથી જ તું ઉત્પન્ન થયો છે.” ત્યારે રાજાએ રોહકે કહેલી વાત કરીને કહ્યું કે “હે માતા ! તે રોહક પ્રાય ખોટી બુદ્ધિવાળો નથી, માટે સત્ય કહો.” એમ બહુ આગ્રહથી રાજાએ પૂછ્યું, ત્યારે તેની માતાએ કહ્યું કે “હે વત્સ જ્યારે તું ગર્ભમાં હતો ત્યારે એક દિવસ હું ગામ બહાર ઉદ્યાનમાં કુબેરદેવની પૂજા કરવા ગઈ હતી. તે પ્રતિમાનું અત્યંત સ્વરૂપ જોઈને મેં તેનો હાથ વડે સ્પર્શ કર્યો, તેથી મને કામ વ્યાપ્ત થવાથી ભોગની ઈચ્છા થઈ હતી. ત્યાંથી પાછા આવતાં માર્ગમાં એક સ્વરૂપવાન ચંડાળને જોઈને તેની સાથે ભોગની ઈચ્છા થઈ હતી. આગળ ચાલતાં એક રૂપવંત ધોબીને જોઈને પણ તેવી જ ઈચ્છા થઈ હતી. પછી ઘેર આવી ત્યારે ઉત્સવ હોવાથી ખાવાને માટે લોટનો વીંછી કર્યો હતો, મેં તેને હાથમાં લીધો. તેના સ્પર્શથી કામોદ્દીપન થવાને લીધે તેની સાથે પણ ભોગની ઈચ્છા થઈ હતી. એ પ્રમાણે ઈચ્છા માત્રથી તારે બીજા ચાર પિતા થયા હતા. બાકી પરમાર્થથી તો એક તારો પિતા જ સત્ય પિતા છે,” તે સાંભળીને રાજા માતાને નમન કરીને રોહકની બુદ્ધિથી વિસ્મય પામ્યો, અને તેને સર્વ મંત્રીઓમાં પ્રથમ પદ આપ્યું.