________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
ભાવાર્થ :- “દધિવાહનરાજાના પુત્ર કરકંડુરાજાએ વાટધાનકના રહીશ ચાંડાળોને બ્રાહ્મણ કર્યા.”
૨૬૦
એકદા પેલા બ્રાહ્મણે આવીને કરકંડુને કહ્યું કે “હે રાજા ! તમે મને પૂર્વે એક ગામ આપવાનું વચન આપ્યું છે તે ગામ આપો.” રાજાએ કહ્યું કે “બોલ, તને કયું ગામ આપું ?” ત્યારે તે બોલ્યો કે “મને ચંપાનગરીની નજીકમાં એક ગામ આપો.” તે સાંભળીને કકુંડુરાજાએ ચંપાપુરીના રાજા દધિવાહન ઉપર લેખ લખી આપ્યો કે, “આ બ્રાહ્મણને એક ગામ આપજો’ તે બ્રાહ્મણે ચંપાપુરી જઇને દધિવાહન રાજાને તે કાગળ આપ્યો. તે વાંચીને ક્રોધથી રક્ત નેત્રવાળો થયેલો દધિવાહન રાજા બોલ્યો કે “અરે બ્રાહ્મણ ! ચાંડાળના હાથે લખેલા કાગળના સ્પર્શ કરવાથી હું મલીન થયો છું; માટે તું સત્વર ચાલ્યો જા, નહિ તો તું પણ હમણાં મારા કોપાગ્નિમાં પતંગરૂપ થઈ જઈશ.” તે સાંભળીને બ્રાહ્મણે ત્યાંથી શીઘ્રપણે કરકંડ પાસે જઈને તે વૃત્તાંત કહ્યું; તેથી ક્રોધ પામેલા કરકંડુએ મોટું સૈન્ય લઈને ચંપાપુરી ઘેરી લીધી. બન્ને રાજાના સૈન્યોનું પરસ્પર મહાયુદ્ધ થયું. તે વાત દધિવાહનની રાણી જે સાધ્વી થયેલા હતા તેમણે સાંભળી, તેથી તે પ્રથમ કરઠંડુ પાસે આવ્યા; એટલે કરકંઠુ ઉઠીને સામો જઈ તેમને નમ્યો.
પછી સાધ્વીએ તેને એકાંતમાં લઈ જઈને પૂર્વની સર્વ હકીકત કહીને કહ્યું કે “હે પુત્ર ! પોતાના પિતા સાથે યુદ્ધ કરવું તે યોગ્ય નથી. કદાચ તને આ વાતનો વિશ્વાસ ન આવતો હોય તો જન્મ વખતે તારા હાથમાં મેં પહેરાવેલી તારા પિતાના નામવાળી મુદ્રિકા જો.” કરકંડુ તે જોઈને શંકારહિત થયો સતો બોલ્યો કે “હે માતા ! તમે મારા પિતાની પાસે જઈને આ વાતનો બોધ કરો.” એટલે તે સાધ્વી ત્યાંથી દધિવાહન પાસે ગયા, અને તેને પણ પૂર્વનું સર્વ વૃત્તાંત કહ્યું. રાજાએ પૂછ્યું કે “તે ગર્ભ ક્યાં ગયો ?' સાધ્વી બોલ્યા કે “હે રાજા ! જેણે તમારું નગર ઘેર્યું છે તે જ તે ગર્ભ છે.’’ ઈત્યાદિ સર્વ વૃત્તાંત સાંભળીને આનંદ પામેલો રાજા પુત્રને મળવા ઉત્કંઠિત થઈ તેની સામો ચાલ્યો. તેમને આવતા જોઈ કરકંડ પણ પગે ચાલતો સન્મુખ ગયો, અને પિતાના ચરણમાં પડ્યો. પિતાએ તેને બે હાથે પકડી લઈને આલિંગન કર્યું, પછી અનુક્રમે દધિવાહનરાજાએ તેને રાજ્ય સોંપીને દીક્ષા ગ્રહણ કરી. કરકંડુરાજા ન્યાયથી બન્ને રાજ્ય ચલાવવા લાગ્યો.
એકદા કરકંડુરાજા ગોકુળ (ગાયોનો વાડો) જોવા ગયો. ત્યાં તેણે રૂપા જેવો અતિ શ્વેત એક વાછરડો જોયો. તેને જોતાં જ તેના પર અતિપ્રેમ આવવાથી તેમણે ગાયો દોનારને કહ્યું કે “આ વાછરડાને માત્ર તેની માનું જ દૂધ પાવું એમ નહીં, પણ બીજી ગાયોનું દૂધ પણ તેને હમેશાં પાવું.” તે સાંભળીને તે ગોપાલક પણ તે પ્રમાણે કરવા લાગ્યો; એટલે તે વાછરડો ચંદ્રની કાંતિ સાથે પણ સ્પર્ધા કરે તેવો અને અત્યંત પુષ્ટ થયો. રાજા તેને બીજા વૃષભો સાથે યુદ્ધ કરાવતો, પણ કોઈ સાંઢ તેને જીતી શકતો નહીં. પછી કેટલોક કાળ વ્યતીત થયા પછી એકદા રાજા ગોકુળ જોવા ગયો. ત્યાં નાના વાછરડાઓ જેને લાત પ્રહાર કરે છે એવો એક વૃષભ જોઈને રાજાએ ગોપાળને પૂછ્યું કે “પેલો મહાવીર્યવાળો પુષ્ટ વૃષભ ક્યાં છે ?’” ગોપાળે કહ્યું કે “હે દેવ ! તે જ આ વૃષભ છે, પણ તે વૃદ્ધાવસ્થાથી વ્યાપ્ત થયેલો છે.”