________________
૨૭૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ જંબૂએ જવાબ આપ્યો કે “હે પ્રિયા ! ક્ષુધા, તૃષા, મૂત્ર, પુરીષ અને યોગાદિકથી પીડા પામતા આ મનુષ્યદેહમાં ઈષ્ટ વસ્તુના સમાગમથી પણ શું સુખ છે ? કાંઈ નથી.”
પછી છઠ્ઠી કનકશ્રી બોલી કે “પ્રત્યક્ષ સુખ પામ્યા છતાં તેને તજીને પરોક્ષ સુખની વાતો કરવી તે ફોગટ છે. ભોગની પ્રાપ્તિ માટે વ્રત ગ્રહણ કરવું, તો જ્યારે તે ભોગ જ પ્રાપ્ત થયા હોય ત્યારે વ્રતના આચરણથી શું ? ખેતરમાં વૃષ્ટિથી જ અન્ન પાક્યું હોય તો પછી કૂવામાંથી પાણી ખેંચીને પાવાનો પ્રયાસ કોણ કરે ?” કુમારે તેને જવાબ આપ્યો કે “હે પ્રિયા ! તારી બુદ્ધિ બરોબર રૂડી રીતે ચાલતી નથી. વળી આવું બોલવાથી તારું અદીર્ઘદર્શીપણું પ્રગટ થાય છે, અને તે અન્ય જનને હિતકારી થતું નથી, કેમકે સ્વર્ગ તથા મોક્ષને આપનાર એવા આ મનુષ્યદેહને જે માણસો ભોગસુખમાં ગુમાવે છે, તેઓ મૂલધન ખાનારાની જેમ પરિણામે અતિશય દુઃખને પ્રાપ્ત થાય છે, માટે હે પ્રિયા ! જલદીથી નાશ પામનારા એવા આ મનુષ્યજન્મને પામીને હું એવી રીતે કરીશ કે જેથી કોઈ પણ વખત પશ્ચાત્તાપ કરવો ન પડે.”
પછી સાતમી કનકવતી બોલી કે “હે નાથ ! ‘હાથમાં રહેલા રસને ઢોળી નાખીને પાત્રના કાંઠા ચાટવા' એ કહેવતને તમે સત્ય કરી બતાવો છો.” જંબૂએ કહ્યું કે “હે ગૌર અંગવાળી પ્રિયા ! ભોગો હાથમાં આવ્યા છતાં પણ નાશ પામી જાય છે, તેથી તેમાં મનુષ્યોનું સ્વાધીનપણું છે જ નહીં; છતાં તેને હાથમાં આવેલા માને છે તેઓને ભૂતની જેવો ભ્રમ થયેલ છે એમ સમજવું. વિવેકી પુરુષો પોતે જ ભોગના સંયોગોનો ત્યાગ કરે છે અને જે અવિવેકી પુરુષો તેનો ત્યાગ કરતા નથી તેઓનો તે ભોગો જ ત્યાગ કરે છે.”
પછી છેલ્લી (આઠમી) જયશ્રી બોલી કે “હે સ્વામી ! તમે સત્ય કહો છો, પરંતુ તમે પરોપકારરૂપ ઉત્તમ ધર્મને અંગીકાર કરનારા છો; માટે ભોગને ઈછ્યા વિના પણ અમારા પર ઉ૫કા૨ ક૨વા માટે અમને સેવો. વૃક્ષો મનુષ્યોના તાપને દૂર કરવારૂપ ઉપકારને માટે પોતે તાપને સહન કરે છે, વળી ક્ષીરસમુદ્રનું પાણી પણ મેઘના સંયોગથી અમૃત સમાન થાય છે, તેવી રીતે તમારા સંયોગથી પ્રાપ્ત થયેલા ભોગ પણ અમને સુખને માટે થશે... કુમારે કહ્યું કે “હે પ્રિયા ! ‘ભોગથી ક્ષણ માત્ર સુખ થાય છે, પણ ચિરકાળ સુધી દુ:ખ થાય છે' એવા પરમાત્માના વચનથી મારું મન તેનાથી નિવૃત્તિ પામ્યું છે, અને તેમાં તમારું પણ કાંઈ કલ્યાણ હોય એમ મને ભાસતું નથી. માટે હે કમળના જેવા નેત્રવાળી પ્રિયા ! તેવા પ્રાંતે અહિતકારી ભોગમાં આગ્રહ કરવો તે કલ્યાણને માટે નથી. કુમનુષ્યોમાં, કુદેવોમાં, તિર્યંચોમાં અને નરકમાં ભોગી જનો જે દુઃખ પામે છે તે સર્વ જ્ઞાની જ જાણે છે.”
આ પ્રમાણેની કુમારની વાણી સાંભળીને તે આઠે સ્રીઓ વૈરાગ્ય પામી, એટલે તત્કાળ હાથ જોડીને બોલી કે “હે પ્રાણનાથ ! તમે જે માર્ગનો આશ્રય કરો તે જ માર્ગ અમારે પણ સેવ્ય છે.”