________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
“હે મંત્રી ! આમાં મારી પુત્રીનો જ દોષ છે, તારા પુત્રનો દોષ નથી.” એવી રીતે રાજાએ આશ્વાસન આપેલો મંત્રી પોતાને ઘેર ગયો. રાજાએ પુત્રીના દોષને લીધે ક્રોધથી તેને પોતાની પાસે આવવાનો નિષેધ કર્યો.
૨૯૬
એકદા પિતાનો ક્રોધ શાંત થયો, ત્યારે તે પિતાની પાસે જઈને બોલી કે “હે પિતા ! મને પુરુષનો વેષ આપો. હું ઉજ્જયિની ગયેલા મારા પતિને મળીને મારું કલંક દૂર કરીશ.” રાજાએ તેને અનુમતિ આપી, એટલે તે કેટલાક સૈન્ય સહિત સિંહ નામના સામંતની સાથે ઉજ્જયિની ગઈ. ઉજ્જયિનીના રાજાએ ચંપાપુરીનો રાજપુત્ર આવ્યાના સમાચાર જાણી તેને રહેવા માટે મહેલ વગેરે આપી તેનો સત્કાર કર્યો. એકદા પોતાના ઉતારા પાસેથી પાણી પીવા જતા પોતાના પિતાના નામાંકિત અશ્વો જોઈને તેણે પોતાના સેવકોને તેની પાછળ મોકલી તે અશ્વના સ્વામીનું નામ ઠામ વગેરે પૂછાવ્યું. તે માણસોના મુખથી તેને હજુ જ્ઞાનનો અભ્યાસી જાણીને તેણે સર્વ છાત્રો સહિત તેના અધ્યાપકને જમવાનું નિયંત્રણ કર્યું, એટલે અધ્યાપક સર્વ છાત્રોને લઈને જમવા આવ્યા. તેની અંદર પોતાના ભત્તરને જોઈને તે રાજપુત્રી બહુ હર્ષ પામી.
પછી સર્વનું અશન-વસનાદિ વડે સન્માન કરીને તે કુમા૨રૂપ રાજપુત્રીએ અધ્યાપકને કહ્યું કે “આ છાત્રોમાંથી કોઈ પણ મારું વૃત્તાંત જાણતો હોય તે તમારી આજ્ઞાથી કહી બતાવે તેમ કરો.” તે સાંભળીને અધ્યાપકે તેનું વૃત્તાંત જે જાણતો હોય તેને કહેવાની આજ્ઞા આપી; એટલે મંગળકુંભે તે પુરુષવેષને ધારણ કરનાર પોતાની પ્રિયા છે, એમ ઓળખીને સિંહસામંત વગેરે સર્વના સાંભળતાં પોતાના વિવાહ વગેરેનું પૂર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને રાજપુત્રીએ સિંહસામંતને કહ્યું કે “આ જ મારો પતિ છે, અને તેને શોધવા માટે જ હું પુરુષનો વેષ ધારણ કરીને અહીં આવી છું.” સિંહસામંતે કહ્યું કે “જો તે જ તારો પતિ હોય તો તું નિઃશંકપણે તેની સેવા કર.” પછી એ વાત રાજાને જણાવીને તેની આજ્ઞાથી ત્રૈલોક્યસુંદરી સ્ત્રીનો વેષ ધારણ કરી પોતાને સાસરે ગઈ, અને તેની સાથે મંગળકુંભ વિલાસ કરવા લાગ્યો.
એકદા ત્રૈલોક્યસુંદરીની પ્રેરણાથી મંગળકળશ રાજાની આજ્ઞા લઈને ચંપાનગરીએ ગયો. ત્યાંનો રાજા પણ પોતાની પુત્રીના મુખથી તેનું સર્વ વૃત્તાંત સાંભળીને હર્ષિત થઈ બોલ્યો કે ‘હે પુત્રી ! તેં તારું કલંક દૂર કર્યું.' પછી રાજાએ પેલા દુષ્ટ કાર્ય કરનાર મંત્રીને મારવાનો હુકમ કર્યો. તે વખતે મંગળકળશે વિનંતી કરીને તેને છોડાવ્યો. પછી પુત્રરહિત એવા તે રાજાએ મંગળકળશને રાજ્ય પર બેસાડી પોતે યશોભદ્રસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી.
મંગળકળશને રાજ્યનું પ્રતિપાલન કરતાં જયશેખર નામનો પુત્ર થયો. એકદા જયસિંહ નામના આચાર્યને ઉદ્યાનમાં આવેલા સાંભળીને મંગળકળશે પ્રિયા સહિત ગુરુ પાસે જઈ તેમને વંદના કરી. તેમની દેશના સાંભળ્યા પછી મંગળકળશે પૂછ્યું કે “ગુરુ ! હું કયા કર્મથી આવાં પ્રકારની વિવાહવિડંબના પામ્યો ? તથા કયા કર્મથી મારી પ્રિયાને દૂષણ પ્રાપ્ત થયું ?”