________________
૩૧૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ તે કલ્પવૃક્ષના પર્ણની કરેલી પેટીને તું ઉઘાડીશ નહીં, તેને તેવી ને તેવી સ્થિતિમાં દ્વીપ (દીવ) બંદરે લઈ જજે. ત્યાં દિયાત્રાને માટે આવેલા અજય નામના રાજાને તે પેટી આપજે.” તે મૂર્તિના સ્નાત્રજળથી તે રાજાને થયેલા એકસો ને સાત રોગો નાશ પામશે. આ પ્રમાણે દેવીની વાણી સાંભળીને તે શ્રેષ્ઠિએ પોતાના માણસો પાસે તે પેટી બહાર કઢાવી અને વહાણમાં સ્થાપન કરી, તેથી સર્વ ઉપદ્રવો નાશ પામ્યા. અત્યારે પણ સમુદ્રમાં પ્રતિકૂળ વાયુને લીધે કાંઈ ઉપદ્રવ થયો હોય તે વખતે જો અજય પાર્શ્વનાથનું ધ્યાન કર્યું હોય તો તે વહાણની જેમ મનુષ્યોને પણ નિર્વિઘ્ન રીતે સમુદ્રને કિનારે પહોંચાડે છે.
પછી તે શ્રેષ્ઠિએ દીવ બંદરે જઈને ત્યાં આવેલા અજયરાજાને પેટ સંબંધી સર્વ વૃત્તાંત કહી તે પેટી તેની પાસે મૂકી, એટલે રાજાએ ત્યાં અજય નામનું નગર વસાવી વિનયપૂર્વક તે બિંબને પેટીમાંથી બહાર કાઢી તે પુરમાં મોટું ચૈત્ય કરાવીને તેમાં તે સ્થાપન કર્યું અને તેના સ્નાત્રજળથી તે રાજા વ્યાધિમુક્ત થયો. પૂર્વે તેનું અજય પાર્શ્વનાથ એવું નામ હતું, હાલમાં ત્યાં અજાર નામે ગામ વસવાથી અજાર પાર્શ્વનાથ એવું નામ થયું છે. આ હકીકતનો વિસ્તાર શત્રુંજય માહાભ્યમાંથી જાણવો.
શ્રી હીરવિજયસૂરિએ દીક્ષાથી આરંભીને જે તપ કર્યું તે આ પ્રમાણે – જેમ રાજા ન્યાયને ન તજે, તેમ સૂરિએ જીવનપર્યત એકાસણું છોડ્યું નહોતું. જાણે કામદેવના પાંચે બાણો તજ્યાં હોય તેમ પાંચ વિકૃતિ (વિગઈ)નો ત્યાગ કર્યો હતો. જાણે કે ભવસાગરને પાર પમાડનારી બાર ભાવનાઓને વિશેષ કરીને પુષ્ટ કરતા હોય તેમ હંમેશા ભોજન સમયે નામગ્રહણપૂર્વક અન્ન, જળ, શાક વગેરે મળીને બાર જ દ્રવ્ય (પદાર્થો) વાપરતા હતા. પોતાના પાપની આલોચના માટે તે સૂરિએ ત્રણસો ઉપવાસ અને સવા બસો છઠ્ઠ કર્યા. ત્રણ ચોવીશીનું ધ્યાન કરવાની ઈચ્છાથી બોતેર અટ્ટમ કર્યા. બે હજાર આયંબિલ કર્યા, ને ફરીને વીશસ્થાનકોના આરાધના માટે વીશ આયંબિલ કર્યા. બે હજાર નવી કરી. વળી એકદત્તી એટલે પાત્રમાં એક જ વખતે જેટલું અન્ન જળ અવિચ્છિન્ન પડે તેટલો આહાર કરવો તે, તથા એક જ દાણો ખાવો તે એકસિત્ય કહેવાય છે, ઈત્યાદિ અનેક તીવ્ર તપો કર્યા. ફરીથી ત્રણ હજાર ને છસો ઉપવાસ કર્યા. પછી પ્રથમ ઉપવાસ, તે ઉપર એકાસણું, તે ઉપર આયંબિલ, તે ઉપર પાછો ઉપવાસ એવી રીતે તેર માસ સુધી વિજયદાન ગુરુ સંબંધી તપ કર્યું. પછી બાવીશ માસ સુધી યોગ વહન કરીને તીવ્ર તપ કર્યું. પછી ત્રણ માસ સુધી સૂરિમંત્રની વિધિપૂર્વક આરાધના કરીને ચાર કરોડ શ્લોક પ્રમાણ સઝાયધ્યાન કર્યું. તે સૂરિએ પાંચસો જિનબિંબની પ્રતિષ્ઠા કરી. ઈત્યાદિ બહુ પ્રકારના ધર્મકાર્યો કરીને તે સૂરિ ઉનાયા (ઉના) નગરમાં સંવત ૧૬૫ર ના ભાદ્રપદ શુદિ ૧૧ને દિવસે મહામંત્ર (નવકાર)નું સ્મરણ કરતા સતા સ્વર્ગલોકને પામ્યા.
એ પ્રમાણે અમૃતના ઓઘ સરખા ઉજજ્વળ ધ્યાનને ધારણ કરતા સતા સૂરિએ ભગવંતે કહેલા મહાનંદપુરે જવાના માર્ગને ત્યાં જવાની ઈચ્છાથી જાતે જોવાને માટે દેવલોકનો આશ્રય કર્યો.”