________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૩૧૧
૩૬૧
સિદ્ધાચલ પર રહેલા પ્રાસાદનું વર્ણન श्रीसिद्धाचलप्रासादं, सोपानादिस्फुरत्प्रभम् । कुंभशृंगध्वजायुक्त - मार्हन्तं तं स्तवाम्यहम् ॥१॥
ભાવાર્થ :- “સોપાન (પગથિયાં) વગેરેથી જેની પ્રભા સ્ફુરણાયમાન છે અને જેમનો શૃંગ વિભાગ (શિખર) કૂંભ તથા ધ્વજાથી યુક્ત છે એવા સિદ્ધાચલ પર રહેલા શ્રી અર્હત્તા પ્રાસાદની હું સ્તુતિ કરું છું.”
આ શ્લોકમાં શ્રી સિદ્ધાચલ, પ્રાસાદ, સોપાન વગેરે, કુંભ, શૃંગ અને ધ્વજા આટલા શબ્દો કહ્યા છે, તે દરેકની નીચે પ્રમાણે ભાવના કરવી.
શ્રી સિદ્ધાચલ સમાન પવિત્ર બીજો કોઈ પર્વત નથી. કહ્યું છે કે - तावल्लीलाविलासं कलयति मलयो विन्ध्यशैलोऽपि तावद्धत्ते मत्तेभगर्वं तुहिनधरणिभृत्तावदेवाभिरामः । तावन्मेरुमहत्त्वं वहति हरिगिरिर्गाहते तावदाभां, यावत्तीर्थाधिराजो न नयनपुटैः पीयते पर्वतेन्द्रः ॥ १ ॥
ભાવાર્થ :- “જ્યાં સુધી સર્વ તીર્થોના અધિરાજ શ્રી સિદ્ધાચલ નામના ગિરીન્દ્રનું નેત્રપુટ વડે પાન કર્યું નથી, ત્યાં સુધી મલયાચળ પર્વત લીલાનો વિલાસ વિસ્તારે છે, ત્યાં સુધી જ વિન્ધ્યાચળ પર્વત મદોન્મત્ત હાથીની જેમ ગર્વને ધારણ કરે છે, ત્યાં સુધી જ હિમાલય પર્વત સુંદર લાગે છે, ત્યાં સુધી જ મેરુગિરિ મહત્ત્વને વહન કરે છે, અને ત્યાં સુધી જ શક્રશૈલ (હિરિગિર) તેજને ધારણ કરે છે.’
તે સિદ્ધાચલ ઉપર ભરતચક્રીએ કરાવેલો પ્રાસાદ અલૌકિક મહિમાવાળો છે. તારાઓ વડે જેમ ચંદ્ર શોભે છે, ગ્રહો વડે જેમ ગ્રહપતિ (સૂર્ય) શોભે છે, અસુરો વડે અસુરેન્દ્ર શોભે છે, સુરો વડે (દેવો વડે) જેમ સુરેન્દ્ર શોભે છે, અને મનુષ્યો વડે જેમ નરેન્દ્ર શોભે છે, તેમ બીજા નાનાં નાનાં જિનચૈત્યો વડે ચોતરફથી અલંકૃત થયેલું શ્રી ઋષભદેવસ્વામીનું ચૈત્ય શોભે છે.
તે પ્રાસાદ સોપાનાદિકથી દીપ્તિમાન છે, તેમાં આદિ શબ્દના ગ્રહણથી તોરણ, મંડપ, સ્થંભ, ગર્ભાગાર વગેરેથી પણ સુશોભિત છે એમ જાણવું. તે આ પ્રમાણે - તે ચૈત્યના અગ્ર ભાગે જાણે મોક્ષલક્ષ્મીનું કામણ હોય તેવું અત્યંત સૂક્ષ્મ નક્શી કામવાળું સુવર્ણમણિનું તોરણ બાંધેલું શોભે છે. અપવર્ગપુરે પહોંચવાને ઈચ્છતા મુનિઓને માટે તે આશ્રયસ્થાન જેવું છે, અને તેની નીચે જવાથી અમે આ મુક્તિગૃહમાં પ્રવેશ કરીએ છીએ કે શું એમ ભાસ થાય છે.