________________
૩૧૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫
પ્રશસ્તિ જેના પ્રભાવથી શુભ સાધ્યને સાધી આપનાર આ પ્રાસાદનું નિર્વિઘ્નપણે નિર્માપણ કરી શકાયું તે અનંત કલ્યાણના સ્થાનરૂપ ચિંતામણિ પાર્શ્વનાથને હું વંદન કરું છું. સ્થંભતીર્થમાં સૂરિમંત્ર આરાધનના ઉદ્યમથી જેમને સૂરિમંત્રના અધિષ્ઠાયિક દેવનો આદેશ પ્રાપ્ત થયો તે ગુરુનું હું સ્મરણ કરું છું. ઘણા ગુણવાળા અને એકાગ્ર ચિત્તે નમસ્કારમંત્રનું ધ્યાન કરનારા શ્રીમાન્ વિજયસૌભાગ્યસૂરિ નામના ગુરુની હું સ્તુતિ કરું છું. તે ગુરુના શિષ્ય શ્રી વિજયલક્ષ્મી નામના સૂરિએ આ ઉપદેશપ્રાસાદ ગ્રંથ શાસ્ત્રોમાં દીઠેલા અક્ષરોને અનુસારે રચેલો છે, અને શ્રી પ્રેમવિજયાદિક મુનિઓને અભ્યાસ કરવા માટે તેની ઉપદેશસંગ્રહા નામની વૃત્તિ પણ કરેલી છે. આ ગ્રંથ સંવત ૧૮૪૩ ના કાર્તિક શુદિ પૂર્ણિમાને દિવસે સંપૂર્ણ થયો છે. જયાં સુધી જગતમાં મેરુપર્વત રહેલો છે, જ્યાં સુધી જગતમાં જૈનશાસન પ્રવર્તે છે, જ્યાં સુધી
જ્યોતિષચક્ર આકાશમાં વિરાજમાન છે, અને જ્યાં સુધી સુરનદી (ગંગા)નો પ્રવાહ જગતમાં પ્રવર્તે છે, ત્યાં સુધી માનસરોવરના હંસ જેવા વિદ્વાનોથી વંચાતો સતો આ ગ્રંથ વિજયને પામો.
આ ગ્રંથમાં કાંઈક અજ્ઞાનતાથી, બુદ્ધિના કાંઈક વિકલ્પરૂપ દોષથી, કાંઈક ઉત્સુકતાના વશથી અને કાંઈક સ્મૃતિના દોષથી જે કાંઈ રભસવૃત્તિ વડે ઉસૂત્રપ્રરૂપણા થઈ હોય તેની પંડિતજનોએ ક્ષમા કરવી.
આ શાસ્ત્રમાં મતિની મંદતાને લીધે કાંઈક શાસ્ત્રવિરુદ્ધ દષ્ટાંતાદિક કહેવામાં આવ્યું હોય તો ઈર્ષ્યા નહિ રાખતાં મારા પર કરુણા લાવીને શુદ્ધ ચિત્તવાળા પંડિતોએ તેને શુદ્ધ કરવું (સુધારવું). આ ગ્રંથ રચવાના પ્રયત્નથી જે કાંઈ સુકૃત થયું હોય તે સુકૃતથી આ ગ્રંથના વાંચનાર, ઉદ્ધરનાર તથા સાંભળનારને જૈનધર્મની પ્રાપ્તિ થાઓ.
सर्वकल्याणकारणं, सर्वश्रेयस्कसाधनम् ।
प्रशस्यं पुण्यकृत्यानां, जयत्यार्हतशासनम् ॥१॥ ભાવાર્થ :- “સર્વ કલ્યાણનું કારણ, સર્વ શ્રેયનું સાધન અને પુણ્યકૃત્યો વડે પ્રશંસા કરવા લાયક એવું શ્રી જૈનશાસન (જગતમાં) જય પામે છે.”
ને રૂત્યુપવેશપ્રાસાદ છે
સમાતોડ્યું : .