________________
૨૯૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
છે ? તે કહો.” ત્યારે શેઠે પુત્રચિંતાની વાત કહી. તે સાંભળીને તે બોલી કે “હે સ્વામી ! સુખને ઈચ્છનાર માણસે એવી ચિંતા શા માટે કરવી ? તેણે તો આ લોકમાં તથા પરલોકમાં સુખને આપનાર ધર્મની જ સેવા કરવી.” આ પ્રમાણેનો પ્રિયાનો ઉપદેશ સાંભળીને તેને સત્ય માનીને હર્ષ પામેલો શ્રેષ્ઠિ પુષ્પાદિક વડે દેવપૂજા કરવા વગેરે અનેક ધર્મકાર્યો કરવા લાગ્યો. ધર્મના પ્રભાવથી તુષ્ટમાન થયેલી શાસનદેવીએ તેને ઈચ્છિત વરદાન આપ્યું; તેથી સત્યભામાએ ગર્ભ ધારણ કર્યો, અનુક્રમે સમય પૂર્ણ થતાં તેણે એક પુત્રને જન્મ આપ્યો. તે પુત્રનું સ્વપ્નને અનુસારે મંગળકુંભ એવું નામ પાડ્યું. તે પુત્ર અનુક્રમે વૃદ્ધિ પામી કળાભ્યાસ કરવામાં તત્પર થયો. તેના પિતા હંમેશા દેવપૂજાને માટે પુષ્પાદિક લેવા ઉદ્યાનમાં જતા, તેનો નિષેધ કરીને મંગળકુંભ હંમેશા પુષ્પો લાવીને પિતાને આપવા લાગ્યો. તે પુષ્પોથી પિતા અને પુત્ર બન્ને પૂજા કરતા હતા. આ પ્રમાણે ધર્માભ્યાસ કરતા હતા તેવામાં જે બન્યું તે સાંભળો -
“ચંપાપુરીમાં મહાબાહુ નામે રાજા હતો. તેને ગુણાવલી નામે રાણી હતી. તે રાણીથી ઉત્પન્ન થયેલી લાવણ્યના રસની જાણે પેટી હોય તેવી સ્વરૂપવાન ત્રૈલોક્યસુંદરી નામે તેને પુત્રી હતી. તે યુવાવસ્થા પામી ત્યારે રાજાએ વિચાર્યું કે “મારી પુત્રીને યોગ્ય વર કોણ મળશે ?’” પછી રાજાએ પોતાના સુબુદ્ધિ નામના પ્રધાનને બોલાવીને કહ્યું કે “મેં તારા પુત્રને મારી ત્રૈલોક્યસુંદરી આપી છે તેમાં તારે કાંઈ પણ બોલવું નહિ.' તે સાંભળી પ્રધાને ઘેર જઈ વિચાર કર્યો કે “રાજાની પુત્રી તો સાક્ષાત્ તિ જેવી છે, અને મારો પુત્ર તો કુષ્ટના વ્યાધિવાળો છે. તે જાણતાં છતાં હું તે બન્નેનો યોગ શી રીતે કરું ?” પછી પોતાની બુદ્ધિથી જ ઉપાય શોધીને પ્રધાને ગોત્રદેવીની આરાધના કરી. ત્યારે દેવી પણ પ્રત્યક્ષ થઈને બોલી કે “હે પ્રધાન ! તારા પુત્રને કર્મના વિપાકથી કુષ્ટ રોગ થયો છે, તેથી તે મટી શકે તેમ નથી; કેમકે ભોગ્ય કર્મ અવશ્ય ભોગવવું જ પડે છે; તો પણ તારા કાર્યની સિદ્ધિ માટે તારી ભક્તિથી પ્રસન્ન થયેલી હું આ પુરીને દરવાજે રહેનાર અશ્વરક્ષકની પાસે ટાઢથી પીડા પામતો અને અગ્નિની ઈચ્છાવાળો કોઈક બાળક લાવીને મૂકીશ. તે બાળકને તારે ગ્રહણ કરવો.” એમ કહીને દેવી અન્તર્ધ્યાન થઈ. પછી મંત્રીએ વિવાહની સામગ્રી તૈયાર કરવા માંડી, અને તે અશ્વરક્ષકને બોલાવીને કહ્યું કે “અમુક દિવસે જે બાળક તારી પાસે આવે તેને ગુપ્ત રીતે મારી પાસે લાવજે.” એમ કહીને અશ્વરક્ષકને રજા આપી.
હવે તે ગોત્રદેવીએ પણ ઉજ્જયિની નગરીમાં જઈને પુષ્પો લઈને ઘર તરફ જતા તે મંગળકુંભને ઉદ્દેશીને આકાશવાણીથી કહ્યું કે “આ બાળક રાજાની કન્યાને ભાડે પરણશે.” તે સાંભળીને મંગળકુંભ વિસ્મય પામી ઘેર આવ્યો. બીજે દિવસે પણ તે જ પ્રમાણે સાંભળ્યું. ત્યારે તેણે વિચાર કર્યો કે “આજે ઘેર જઈને આ આકાશવાણીની વાત પિતાને કહીશ.' આમ વિચાર કરે છે તેટલામાં તો તેને તે દેવીએ ચંપાપુરી પાસેના વનમાં મૂક્યો, એટલે તે ભમતો ભમતો અશ્વપાળની પાસે ગયો. અશ્વપાળે તેને ગુપ્ત રીતે લઈને મંત્રીને સોંપ્યો. મંત્રીએ તેને દેવકુમાર જેવો રૂપવાન જોઈને હર્ષ પામી એકાંતમાં રાખ્યો. એકદા મંગળકુંભે સચિવને પૂછ્યું કે “હે