________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫
૩૦૭ અકબર બાદશાહને બોધ પમાડજો, આપની જેવા મહાત્મા પુરુષો વિશ્વના ઉપકાર માટે જ યત્ન કરે છે. શું મેઘ સર્વ જગતને જીવાડતો નથી ? વળી જેમ પારધી વનમાંહેના અનેક પ્રાણીઓને હણીને વનને નિ:સત્વ (પ્રાણી રહિત) કરી નાખે છે, વળી સર્વ દ્રષીવર્ગને જીતી લઈને નિ:સત્વ (સત્વ રહિત) કરી નાખનાર શ્રી હેમચંદ્રસૂરિએ જેમ કુમારપાળ રાજાને બોધ પમાડ્યો હતો, તેમ આપ અકબર રાજાને બોધ પમાડજો.”
આ પ્રમાણેની શ્રી સંઘની વિનંતી સાંભળીને ગુરુત્યાંથી વિહાર કરી રાજનગર (અમદાવાદ) સમીપ આવ્યા; એટલે ત્યાંના અધિકારી સાહિબખાને અત્યંત આદર અને ભક્તિપૂર્વક ગુરુને પોતાની રાજધાનીમાં લઈ જઈને તેમની પાસે ઘણા ઘોડાઓ, હસ્તીઓ, રથો, મ્યાનાઓ, પાલખીઓ વગેરે ભેટ કરી. પછી વિનંતી કરી કે “હે સ્વામી! અકબર બાદશાહના હુકમથી આ ભેટ હું આપને કરું છું માટે તે ગ્રહણ કરો. બાદશાહે મને કહેવરાવ્યું છે કે સૂરીશ્વર શ્રી હીરવિજય ગુરુને ધન, રથ, અશ્વ, હસ્તી વગેરે આપીને તેમના મનોરથ પૂર્ણ કરી તેમને મારા તરફ મોકલવા માટે તે સ્વામી ! આ આપને માટે આવેલી થાપણની જેમ મારાથી અપાતું ગ્રહણ કરો.” તે સાંભળીને સૂરિ બોલ્યા કે
અમે નિષ્પરિગ્રહી છીએ, અમે હંમેશા ઉપાનહ પણ પહેર્યા વિના પગે ચાલવાને જ યોગ્ય છીએ, તેથી એ સર્વ અમારે કાંઈ કામનું નથી.” એમ કહી સૂરિ વિહાર કરતા આબુગિરિ આવ્યા.
ત્યાં ગુરુએ વિમલમંત્રીએ કરાવેલી વિમલવસહી જોઈ તે વસહી (જિનચૈત્ય) આરસ પત્થરની હોવાથી શ્વેત હતી, તેમાં અનેક શ્વેત હાથીઓ અને શ્વેત અશ્વો હતા, તથા સુધા સરખી શોભાયમાન હતી, અને તે વસહીનો મધ્ય ભાગ શ્રી જિનેશ્વરે પવિત્ર કરેલો હતો; તેથી તે વસહિ જાણે ક્ષીરસમુદ્રની સખી હોય તેવી જણાતી હતી; કેમકે ક્ષીરસાગર દૂધનો હોવાથી શ્વેત છે, શ્વેત ઐરાવત હાથી, શ્વેત ઉચ્ચ શ્રવા અશ્વ અને સુધા (અમૃત) તેમાંથી નીકળ્યાં છે એમ કહેવાય છે, તથા જિન એટલે વિષ્ણુએ તેનો મધ્ય ભાગ પવિત્ર કરેલો કહેવાય છે.
ત્યાર પછી તે યતીન્દ્ર વસ્તુપાળે કરાવેલી વસહિના ચૈત્યને જોયું. ત્યાં ગિરનાર પર્વતની જેમ આબુપર્વતને પણ પવિત્ર કરવાની ઈચ્છાથી જ જાણે આવ્યા હોઈ એવા નયનને આનંદ કરનારા શિવારાણીના પુત્ર શ્રી નેમિનાથને વંદના કરી. ત્યાંથી ચાલતાં માર્ગમાં જાણે ધર્મનું પ્રપાસ્થાન (પરબ) હોય તેવા અને જેણે અમૃત (મોક્ષ)ની લક્ષ્મી ધારણ કરી છે એવા કુમારપાળ રાજાએ કરાવેલા ચૈત્યને નમીને તે મુનીંદ્ર અચળગઢમાં આવી ચતુર્મુખ શ્રી ઋષભસ્વામીને વંદના કરી. ત્યાંથી રાણકપુર આવીને નલિની ગુલ્મ વિમાનના આકારવાળા ધનાશાહે કરાવેલા ચૈત્યને વંદના કરી. તે ચૈત્યમાં જાણે પ્રાણીઓને ચારગતિની પીડારૂપ મોટા અંધકૂપમાંથી ઉદ્ધાર કરવાની ઈચ્છાથી જ હોય નહીં એમ ચાર મૂર્તિને ધારણ કરતા શ્રી યુગાદિદેવના દર્શન કર્યા, ત્યાંથી મેડતાનગર સમીપે આવીને શ્રી ફળવર્ધિ પાર્શ્વનાથને વંદના કરી.
આ પ્રતિમા વિષે એવું સંભળાય છે કે આ બિંબની પાસે બીજી કોઈ જિનપ્રતિમા રહી શકતી નથી, તેથી તે પ્રતિમા એકલી જ છે. તે પ્રભુ જાણે એમ ધારતા હોય કે હું એકલો જ - બીજાની અપેક્ષા રાખ્યા વિના ત્રણ જગતના જીવોના મનોરથ પરિપૂર્ણ કરું એવો છું, તેથી બીજાની