________________
S૦૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ પછી જ્ઞાનાવરણીય કર્મના નાશ માટે પાંચ દ્વાદશમ (પાંચ પાંચ ઉપવાસ) કર્યા અને તેટલા જ દ્વાદશમ અંતરાય કર્મના નાશ માટે કર્યા. દર્શનાવરણીય કર્મના નાશ માટે નવ દશમ (ચાર ચાર ઉપવાસ) કર્યા. મોહનીય કર્મના નાશ માટે અઢાવીશ અટ્ટમ કર્યા. તે જ પ્રમાણે વેદનીય, ગોત્ર અને આયુષ્ય કર્મના નાશ માટે પણ ઘણા અઠ્ઠમ તથા દશમ કર્યા. માત્ર એક નામકર્મ સંબંધી તપ તે આચાર્ય કરી શક્યા નહીં. પ્રાંતે આયુષ્ય પૂર્ણ થતાં અનશન ગ્રહણ કરીને તે આનંદવિમલસૂરિ ચિત્તમાં ચતુઃશરણનું સ્મરણ કરતાં સ્વર્ગસુખને પામ્યા. ત્યાર પછી તે સૂરિના પટ્ટ ઉપર સર્વત્ર વિજયવાન, નયવાન (ન્યાયી) અને સમયવાન (સિદ્ધાંતોના જાણનાર) શ્રી વિજયદાનસૂરિ થયા. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર અખંડ વિજયવાળા શ્રી હીરવિજયસૂરિ થયા. આ વર્તમાન કાળમાં પણ તે સૂરિના મહિમાને દેવસમુદાયે ગાયો હતો. આ સૂરિના ઉપદેશથી પ્રતિબોધ પામેલા અકબર બાદશાહે દયાનું ધ્યાન ધરતાં આખી પૃથ્વીને જૈનધર્મમય કરી દીધી હતી.
ત્યાર પછી તેમના પટ્ટને ઉદયાચળ પર્વતના શિખરને શરદઋતુના પ્રદીપ્ત સૂર્યની જેમ વિજયસેનસૂરિએ શોભાવ્યું. ત્યાર પછી તેમના પટ્ટને અજ્ઞાનરૂપ અન્ધકારનો નાશ કરનાર, લોકોના મનરૂપી પદ્મનો વિકાસ કરનાર, કુતર્કરૂપી હીમનો નાશ કરનાર, મહાદોષરૂપી રાત્રિનું ઉચ્છેદન કરનાર અને જ્ઞાનરૂપ દિવસની લક્ષ્મીનો ઉદય કરનાર, એવા વિજયતિલક નામના સૂરિએ આકાશને સૂર્ય અલંકૃત કરે તેમ અલંકૃત કર્યું. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર ચંદ્રકિરણના સમૂહ જેવા ઉજ્વલ અર્થવાદનો પ્રચાર કરનાર રાજસભાઓમાં વિજયલક્ષ્મીને પ્રાપ્ત કરનાર, જાણે ગૌતમસ્વામીના પ્રતિનિધિ હોય એવા હીરવિજયસૂરિના શિષ્ય વિજયાનંદસૂરિ થયા. તે બોધિના નિધિ સમાન સૂરિ પોતાના ગચ્છમાં મોટી ખ્યાતિને પામ્યા. તેમના પટ્ટ ઉપર શ્રી વિજયરાજસૂરિ થયા. તેમના ચારિત્રરૂપી મહાસાગર વડે જ્ઞાનનો નિધિ વૃદ્ધિ પામ્યો અને તેથી શાસનરૂપી ગૃહનો ઉદ્યોત કરવામાં તેઓ દીપ સમાન થયા. ત્યાર પછી ત્રિભુવનેશ્વર પ્રભુનું ધ્યાન કરવાના લાલચુ શ્રી વિજયમાનસૂરિ થયા. તેમની વાણીની મીઠાશથી પરાભવ પામેલી દ્રાક્ષ જાણે લજ્જાથી સંકોચ પામી હોય એમ લાગતું હતું.
ત્યાર પછી તેમના પટ્ટ ઉપર સિદ્ધાન્તવાણી બોલવામાં ચતુર અને મારી જેવાને પ્રથમ આગમનો ઉપદેશ કરનાર એવા વિજયઋદ્ધિ નામે આચાર્ય થયા, તેમણે અનેક લોકોને ન્યાયમાર્ગે ચલાવ્યા. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર અમારા ગુરુ શ્રી વિજયસૌભાગ્યસૂરિ થયા. તેમના પ્રભાવથી ગુણરત્નના પાત્ર સમાન સ્યાદ્વાદ તત્ત્વ અમારી સમીપે આવ્યું. અર્થાત્ અમને સ્યાદ્વાદતત્ત્વની પ્રાપ્તિ થઈ. તે વિજયસૌભાગ્ય ગુરુના પટ્ટ પર શ્રી વિજયલક્ષ્મીસૂરિ થયા. તેમણે આ સુખને આપનારી ગુરુ પટ્ટાવળી હર્ષથી લખી છે, મારા ગુરુના શિષ્ય ગુણવાન અને પૈર્યવાન એવા જયવંત શ્રી પ્રેમવિજય નામના મારા ગુરુભાઈને માટે આ ઉદ્યમ મેં કરેલો છે.
૧, શ્રી દ્વિવિજયના પ્રશિષ્ય લક્ષમીવિજય.