________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૩૦૩
ત્યાર પછી તે સોમપ્રભસૂરિએ પોતાના પટ્ટ ઉપર મુનિઓની લક્ષ્મીના દેદીપ્યમાન તિલક સમાન સોમતિલક નામના સૂરિને સ્થાપન કર્યા. તે સૂરિએ વાદમાં અન્ય વાદીઓના સમૂહના મુખમાં પ્રતિપદા તિથિની જેમ અનધ્યાયતા મૂકી દીધી હતી, અર્થાત્ તેમને બોલતા બંધ કર્યા હતા. ત્યાર પછી તે સોમતિલક ગુરુએ પોતાના સ્થાન ઉપર દેવ સમાન સુંદર શોભાવાળા શ્રી દેવસુંદરસૂરિને સ્થાપન કર્યા. તે આચાર્યે પ્રાતઃકાળ જેમ અંધકાર સહિત રાત્રિનો નાશ કરે તેમ આઠ મદ સહિત માયાનો નાશ કર્યો હતો. ત્યાર પછી તેમના પટ્ટને શ્રીમાન્ સોમસુંદર ગુરુએ સેવન કર્યું. કોઈ એક પુરુષ કે જેને આચાર્યને મારવા માટે મોકલ્યો હતો. તે પુરુષ આચાર્યને મારવા માટે તેના ઉપાશ્રયે ગયો, ત્યાં ચંદ્રની કાંતિ વડે છિદ્રમાંથી તેણે જોયું તો સૂરિ સૂતા સૂતા પણ જીવઘાતાદિક પ્રમાદથી રહિત છે એમ દીઠું, એટલે કે પોતાના સંથારાને તથા તેની આસપાસ રજોહરણ વડે પૂંજતા જોયા; તે જોઈને તે પુરુષે પશ્ચાત્તાપ કરતા સતા ગુરુ પાસે પ્રગટ થઈ તેમને ખમાવીને પોતાનું વૃત્તાંત કહ્યું; અને પછી ગુરુના ઉપદેશથી પ્રતિબોધ પામી દીક્ષા લીધી.
ત્યાર પછી જેમ ઉત્પલ કમળનો વિકાસ કરવામાં ચતુર એવા શરઋતુના ચંદ્રબિંબમાં પ્રાપ્ત થયેલી સૂર્યની કાંતિ વડે લોકોના નેત્રોને અત્યંત પ્રીતિ ઉત્પન્ન થાય છે, તેમ પૃથ્વીવલયને પ્રતિબોધ કરવામાં ચતુર એવા મુનિસુંદર નામના સૂરીન્દ્રને વિષે પ્રાપ્ત થયેલી સોમસુંદરસૂરિની પટ્ટલક્ષ્મીએ ભવ્યજનોના નેત્રોને અત્યંત પ્રીતિ ઉત્પન્ન કરી. આ સૂરિએ ‘સંતિકરં’ વગેરે સ્તોત્રો બનાવીને વ્યંતરોનો ઉપદ્રવ શાંત કર્યો હતો. ત્યાર પછી ઋષભદેવ થકી જેમ શ્રી પુંડરીક ગણધર થયા, તેમ તે મુનિસુંદરસૂરિ થકી રત્નશેખરસૂરિ થયા. તે સૂરિને ખંભાતમાં કોઈ બાબી નામના શ્રેષ્ઠ બ્રાહ્મણે બાલસરસ્વતી કહીને બોલાવ્યા, ત્યારથી તેમને બાલસરસ્વતીનું બિરુદ મળ્યું હતું. શ્રાદ્ધવિધિસૂત્રવૃત્તિ વગેરે અનેક ગ્રંથોના રચનાર એ રત્નશેખરસૂરિના પટ્ટને લક્ષ્મીસાગરસૂરિએ અલંકૃત કર્યું. તેમના પટ્ટ ઉપર મોટા ગુણવાન સુમતિસાધુસૂરિ થયા. તેમના પટ્ટ ઉપર શ્રી હેમવિમલસૂરિ થયા. આ સૂરિના વખતમાં દુઃષમા કાળના દોષથી ઘણા મુનિઓ પ્રાયે પ્રમાદી, મમતાવાળા અને ચારિત્રનું પાલન કરવામાં શિથિલ થવા લાગ્યા. તે જોઈને સમગ્ર પાપને દૂર કરનાર તે હેમવિમલસૂરિએ સૂરિના ગુણોથી વિરાજમાન, સૌભાગ્ય ને ભાગ્યથી પૂર્ણ અને સંવેગરૂપ તરંગના સમુદ્ર સમાન એવા આનંદવિમલસૂરિને યોગ્ય જાણીને તરત જ ધર્મના અભ્યુદયની સિદ્ધિને માટે પોતાના પટ્ટ પર સ્થાપન કર્યા. તે સૂરિએ વિક્રમ સંવત ૧૫૮૨ મા સંવેગના વેગવાળા મુનિઓને શરણભૂત એવો ચારિત્રક્રિયાનો ઉદ્ધાર કર્યો. શરીર ઉપર પણ મમત્વ વિનાના એવા તેમણે પોતાના પાપની આલોચના કરીને જે દુષ્કર તપ કર્યું તે આ પ્રમાણે-અરિહંતાદિક વીશ સ્થાનકોનું ધ્યાન કરતાં તે નિર્વિકારસૂરિએ ચારસો ઉપવાસ વડે વીશસ્થાનક તપ કર્યો, પછી વરિષ્ઠ (શ્રેષ્ઠ) એવા ચારસો છઠ્ઠ વડે તેનું આરાધન કર્યું. વિહરમાન જિનનો આશ્રય કરીને વીશ છઠ્ઠ પછી બસો ને ઓગણત્રીશ છદ્મ શ્રી વીરપ્રભુને આશ્રીને કર્યા, તથા પાખી વગેરે પર્વમાં પણ બીજા ઘણા છઢ કર્યા.