________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૨૯૭
""
સૂરિએ કહ્યું કે “પૂર્વે ક્ષિતિપ્રતિષ્ઠપુરમાં સોમચંદ્ર નામે એક કુળપુત્ર રહેતો હતો. તેને શ્રીદેવી નામની પત્ની હતી, અને જિનદેવ નામનો એક શ્રાવક મિત્ર હતો. એકદા ધનકાંક્ષી જિનદેવ ધન ઉપાર્જન કરવાના હેતુથી દેશાંતર જવા તૈયાર થયો; તે વખતે તેણે પોતાના મિત્ર સોમચંદ્રને પોતાનું ધન સાત ક્ષેત્રમાં વાપરવા માટે આપ્યું. તેના ગયા પછી સોમચંદ્રે મિત્રના કહેવા પ્રમાણે તેનું દ્રવ્ય સાત ક્ષેત્રમાં ખર્યું. તે જ પુરમાં શ્રીદેવીની એક બહેનપણી ભદ્રા નામની હતી. તેનો પતિ કોઈક કર્મથી કુષ્ટી થયો. તે વાત ભદ્રાએ એક વખત પોતાની સખી શ્રીદેવીને કહી. ત્યારે શ્રીદેવીએ હાસ્ય કરીને કહ્યું કે “હે સખી ! તારા સંગથી તારો પતિ કુષ્ટી થયો. સાંભળીને ભદ્રા પોતાના મનમાં અતિ દુઃખી થઈ. તે જાણીને થોડી વારે શ્રીદેવી બોલી કે “હે સખી ! ખેદ ન કરીશ, મેં તો તને મશ્કરીમાં કહ્યું છે.” એમ કહીને તેણે ભદ્રાને આનંદિત કરી. પછી સાધુના સંગથી તમે દંપતી શ્રાદ્ધધર્મ પામી તેનું પાલન કરી સમાધિ વડે કાળ કરીને સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં ચ્યવીને સોમચંદ્રનો જીવ તું રાજા થયો અને શ્રીદેવીનો જીવ ત્રૈલોક્યસુંદરી થયો, તેં પૂર્વભવે પરદ્રવ્યથી પુણ્ય ઉપાર્જન કર્યું હતું તેથી આ ભવમાં ભાડા વડે તું રાજપુત્રીને પરણ્યો, અને આ ત્રૈલોક્યસુંદરીએ હાસ્યથી પણ સખીને કલંક આપ્યું હતું, તેથી આ ભવે કલંક પ્રાપ્ત થયું.
',
આ પ્રમાણે ગુરુના મુખથી પોતાનો પૂર્વભવ સાંભળીને વિરક્ત થયેલા તે દંપતીએ પોતાના પુત્રને રાજ્ય સોંપીને ગુરુ પાસે દીક્ષા લીધી. પછી અતિચાર રહિત ચારિત્રનું પાલન કરીને અંતે તે બન્ને કાળ કરીને બ્રહ્મ દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી ચ્યવીને અનુક્રમે અવ્યય, અજર, અભય અને સમગ્ર આત્મસંપત્તિના આવિર્ભાવરૂપ મોક્ષપદને પામશે.
૩૫૦
ગુરુ પટ્ટાવળી
षट्त्रिंशद्गुणरत्नाढ्यः, सौधर्मादिपरंपरः । गुरुपट्टक्रमो ध्येयः सुरासुरनरैः स्तुतः ॥१॥
ભાવાર્થ :- “સુર, અસુર અને મનુષ્યોએ સ્તુતિ કરેલો તથા છત્રીશ ગુણરૂપી રત્નોથી આત્મ્ય એવો શ્રી સુધર્માદિક ગણધરોની પરંપરાવાળો ગુરુપટ્ટનો ક્રમ ધ્યાન કરવા યોગ્ય છે.”
ગુરુ (આચાર્ય) પરંપરાનો ક્રમ હીરસૌભાગ્ય કાવ્યમાં કહેલો છે. તે પ્રમાણે અહીં લખીએ
છીએ.