________________
૨૭૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
સાંબકુમારની કથા
દ્વારકાનગરીમાં ત્રણ ખંડના સ્વામી શ્રીકૃષ્ણવાસુદેવ રાજ્ય કરતા હતા. તેને રુક્િમણી વગેરે ઘણી સ્ત્રીઓ હતી. એકદા રુક્મિણીએ સ્વપ્નમાં વૃષભોથી શોભતા વિમાનમાં પોતાને બેઠેલી જોઈ. પછી તે સ્વપ્ન તેણે શ્રીકૃષ્ણને કહ્યું, ત્યારે કૃષ્ણે ‘તને પુત્ર થશે’ એમ કહ્યું. તે વાક્ય રુક્િમણીએ સત્યભામાને કહ્યું. તે સાંભળીને ક્રોધથી અરુણ થયેલી સત્યભામા કૃષ્ણ પાસે જઈને બોલી કે “મેં પણ આજે સ્વપ્નમાં મોટો હસ્તી જોયો છે.” આ વાક્ય તેની ચેષ્ટા પરથી અસત્ય જાણીને કૃષ્ણે કહ્યું કે “હે પ્રિયા ! પરની ઈર્ષ્યાથી શા માટે ખેદ કરે છે ?” ત્યારે બીજાની સંપત્તિને નહિ સહન કરનારી સત્યભામા બોલી કે “મારું વાક્ય સત્ય જ છે.” પછી તે બન્ને સપત્નીને પરસ્પર વિવાદ થયો, તેમાં છેવટ તેમણે એવી શરત કરી કે “જેનો પુત્ર પહેલો પરણે તેને બીજીએ પોતાના મસ્તકના સર્વ કેશો ઉતારીને આપવા.” આ વાતમાં કૃષ્ણ તથા બળરામને સાક્ષી રાખ્યા.
દૈવયોગે તે બન્ને સપત્નીઓએ ગર્ભ ધારણ કર્યો. સમય આવતાં રુક્િમણીએ પ્રથમ પુત્રને જન્મ આપ્યો. તે પુત્ર અત્યંત કાંતિમાન હોવાથી કૃષ્ણે તેનું પ્રદ્યુમ્ન એવું નામ પાડ્યું. બીજે દિવસે સત્યભામાએ પણ પુત્રને જન્મ આપ્યો. તેનું નામ ભાનુ રાખવામાં આવ્યું. અન્યદા ધૂમકેતુ નામનો અસુર પૂર્વના વૈરથી રુક્મિણીને ઘેર આવીને તેના પુત્રને વૈતાઢ્ય પર્વત પર લઈ ગયો. ત્યાં એક શિલા પર તે બાળકને મૂકીને તે અસુર જતો રહ્યો. તેવામાં કાળસંવર નામે કોઈક વિદ્યાધરનો રાજા ત્યાંથી નીકળ્યો. તેણે તે બાળક જોઈને તેને લઈ પોતાની સ્ત્રીને આપ્યો, અને પુત્ર તરીકે તેનું પાલન કરવા માંડ્યું.
અહીં શ્રીકૃષ્ણને પુત્રહરણની ખબર થતાં તેના વિયોગથી તેને પીડા થઈ. તે જોઈને નારદમુનિ શ્રી સીમંધરસ્વામી પાસે ગયા. ત્યાં નારદના પૂછવાથી સ્વામીએ ધૂમકેતુના હરણથી આરંભીને પ્રદ્યુમ્નનું સર્વ વૃત્તાન્ત કહી બતાવ્યું. તે સાંભળીને નારદે, કૃષ્ણ અને રુક્િમણી પાસે આવી પ્રદ્યુમ્નનું સર્વ વૃત્તાન્ત કહીને કહ્યું કે “પૂર્વ ભવે રુક્મિણીએ મયૂરીનાં ઈંડાંનો સોળ પ્રહર સુધી વિયોગ કરાવ્યો હતો, તે કર્મથી તેનો પુત્ર તેને સોળ વર્ષે પાછો મળશે.” તે સાંભળીને રુક્િમણી હર્ષિત થઈ.
અહીં પ્રદ્યુમ્ન યુવાવસ્થા પામ્યો. અન્યદા તેના સ્વરૂપથી મોહ પામેલી તે કાળસંવર વિદ્યાધરની સ્રી કનકમાળાએ કામજ્વરથી પીડા પામીને પ્રદ્યુમ્નને કહ્યું કે “હે ભાગ્યવાન્ ! મારી સાથે ભોગ ભોગવ.” તે સાંભળીને ખેદ પામેલો પ્રદ્યુમ્ન બોલ્યો કે “હે માતા ! આવું બોલવું તમને ઘટતું નથી.” તે બોલી કે “હું તારી માતા નથી. મારા પતિને તું કોઈ સ્થાનેથી હાથ આવ્યો છે,