________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫
૨૮૩ ગામમાં લાવું ત્યારે તારે આવવું.” તે બોલ્યો કે “બહુ સારું. આપની આજ્ઞા મારે પ્રમાણ છે.”
એમ કહી પ્રદ્યુમ્ન સાંબની પાસે ગયો. પછી સત્યભામા અત્યંત હર્ષ પામી અને પોતાના પુત્રને યોગ્ય એવી નવાણું કન્યાઓ તેણે એકઠી કરી (મેળવી); સો કન્યાઓ પૂરી કરવાના વિચારથી તે એકને માટે શોધ કરવા લાગી. પણ ક્યાંય મળી નહીં, આ વાત પ્રદ્યુમ્નના જાણવામાં આવી. તેથી તે માયા વડે જિતશત્રુ નામનો રાજા બન્યો, સાંબને પોતાની કન્યા બનાવી અને માયાવી સૈન્ય બનાવ્યું. એવી રીતે તે દ્વારકાની બહાર આવી પડાવ નાંખીને રહ્યો. તે વાત સત્યભામાએ સાંભળી, એટલે તેણે તે કન્યાની માગણી કરી. ત્યારે જિતશત્રુ રાજાએ કહ્યું કે “જો મારી પુત્રીને સત્યભામા પોતે હાથે પકડીને ગામમાં લઈ જાય, અને વિવાહ વખતે મારી કન્યાનો હાથ ભીકના હાથ ઉપર રખાવે તો હું મારી કન્યા આપું.” તે વાત સત્યભામાએ કબૂલ કરી. પછી તે કન્યાને હાથે પકડીને સત્યભામા ગામમાં લઈ જવા લાગી; તે વખતે સર્વ પૌરજનો સાંબ અને પ્રદ્યુમ્નને જોઈને કહેવા લાગ્યા કે “અહો ! પોતાના પુત્રનો વિવાહોત્સવ હોવાથી સત્યભામા સાંબ પ્રદ્યુમ્નને મનાવીને ઘેર લઈ જાય છે.” પછી સત્યભામાને ઘેર જઈને ચતુર બુદ્ધિવાળા સાંબે ભીરુકનો જમણો હાથ પોતાના ડાબા હાથ ઉપર રાખીને પકડ્યો અને નવાણું કન્યાઓના જમણા હાથને પોતાના જમણા હાથથી પકડ્યા, એવી રીતે યુક્તિથી નવાણું કન્યા સાથે ફેરા ફરીને સર્વ કન્યાઓને સાંબ પરણ્યો.
પછી તે કન્યાઓ સાથે સાંબ વાસગૃહમાં ગયો; તેની પાછળ ભીક આવ્યો. એટલે સાંબે તેની પાસે પણ પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કરી ભૂકુટી ચડાવીને જોયું, તેથી ભય પામીને ભીક ભાગ્યો અને માતા પાસે જઈને તે વાત કરી. એટલે ગાભરી બનેલી સત્યભામા વાસગૃહમાં ગઈ. તેને પણ સાંબે મૂળ રૂપ બતાવ્યું; એટલે તે ક્રોધથી બોલી કે, “અરે દુખ ! તને અહીં કોણે આણ્યો?” ત્યારે સાંબ બોલ્યો કે, “હે માતા ! તમે જ મને ગામમાં લાવ્યા છો અને આ નવાણું કન્યાઓ સાથે પણ તમે જ મને પરણાવ્યો છે. તે બાબતમાં આ સર્વ પૌરજનો સાક્ષી છે.” તે સાંભળીને ભામાએ પૌરજનોને પૂછ્યું, ત્યારે તેઓએ સાંબનું વચન સત્ય કહ્યું. આવી સાંબની અકલિત માયા જોઈને અત્યંત રોષાતુર થયેલી સત્યભામા લાચાર થઈને નિઃશ્વાસ મૂકી પોતાના ગૃહમાં ગઈ. આવી રીતે છળના બળથી સાંબ નવાણું સ્ત્રીઓનો પતિ થયો. સર્વે યાદવો સાંબ તથા પ્રદ્યુમ્નને સર્વોત્કૃષ્ટ માનવા લાગ્યા.
એકદા કોઈ રાજાએ શ્રીકૃષ્ણને એક જાતિમાન અશ્વ ભેટ તરીકે મોકલ્યો. તે વખતે સાબ અને પાલક એ બે પુત્રોએ આવીને પિતા પાસે તે અશ્વની માગણી કરી; એટલે કૃષ્ણ કહ્યું કે ૧. સત્યભામા પ્રદ્યુમ્નને જિતશત્રુરાજાના રૂપમાં તથા સાંબને કન્યારૂપે દેખતી હતી અને નગરજનો તેને સાંબ, પ્રદ્યુમ્નને રૂપે દેખતા હતા તે તેની વિદ્યાનો ચમત્કાર હતો.