________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫
૨૭૯ મેં તો તને વૃક્ષની જેમ વૃદ્ધિ પમાડ્યો છે; તેથી હું તારી પાસેથી ભોગરૂપ ફળ ગ્રહણ કરવા ઈચ્છું છું. મારી પાસેથી તું સર્વત્ર વિજય આપનારી ગૌરી અને પ્રજ્ઞપ્તિ નામની બે વિદ્યાઓ ગ્રહણ કર.” ત્યારે પ્રદ્યુમ્ન હા પાડીને તેની પાસેથી બન્ને વિદ્યા ગ્રહણ કરી. પછી કનકમાળા બોલી કે “હે પ્રાણપ્રિય! હવે મારા દેહમાં વ્યાપ્ત થયેલા કામવરનું નિવારણ કર, અને પોતાની વાણીને સત્ય કર.” તે સાંભળીને પ્રદ્યુમ્ન બોલ્યો કે “હે માતા ! તમે મારા વિદ્યાગુરુ થઈને આવી અયોગ્ય માગણી કેમ કરો છો ?”
એમ કહીને પ્રદ્યુમ્ન નગરની બહાર ગયો. તે વખતે પોતાના નખ વડે પોતાના વક્ષસ્થળાદિકનું ક્રોધથી નિર્દય રીતે વિદારણ કરીને કનકમાળા પોકાર કરવા લાગી અને મોટે સ્વરે બોલી કે “અરે પુત્રો! દોડો, દોડો, આ દુષ્ટ ભોગની ઈચ્છાથી મારી આવી કદર્થના કરીને જતો રહ્યો છે.” તે સાંભળીને તેના પુત્રો પ્રદ્યુમ્નની પાછળ યુદ્ધ કરવા દોડ્યા. પ્રદ્યુમ્ન વિદ્યાબલથી તે સર્વને હણી નાખ્યા. પુત્રોને હણાયેલા સાંભળીને તેનો પિતા જાતે યુદ્ધ કરવા ગયો. તેને પણ પ્રદ્યુમ્ન ક્રીડામાત્રમાં જીતીને બાંધી લીધો. ત્યારે તે બોલ્યો કે “હે પુત્ર ! શા માટે મારી કદર્થના કરે છે? સત્ય બોલ.” ત્યારે કુમાર બોલ્યો કે “હે પિતા! આ તમારી સ્ત્રી સારી નથી. હું તેનું ચેષ્ટિતા કહી શકું તેમ નથી.”
આ પ્રમાણે વાત થતી હતી તેવામાં અકસ્માત્ નારદે ત્યાં આવીને પ્રદ્યુમ્નકુમારને કહ્યું કે “હે કુમાર ! તારા પિતા કૃષ્ણ અને તારી માતા રુક્િમણી તારા વિયોગથી પીડા પામે છે. વળી તારી ઓરમાન માતાનો પુત્ર ભાનુકુમાર જો પ્રથમ પરણશે તો શરત પ્રમાણે તારી માતાને પોતાની વેણી કાપીને તેને આપવી પડશે, અને કેશ આપવાના કષ્ટથી તથા તારા વિયોગના શોકથી દુઃખી થયેલી તારી માતા તારા જેવો પુત્ર છતાં પણ મરણ પામશે.” તે સાંભળીને હર્ષ પામેલો પ્રદ્યુમ્ન વિમાનમાં બેસીને નારદની સાથે દ્વારકાના ઉપવનમાં આવ્યો. પછી વિમાન સહિત નારદને ત્યાં જ મૂકીને પ્રદ્યુમ્ન વેષ પરાવર્તન કરી ભાનુના વિવાહ માટે આણેલી કન્યાનું હરણ કર્યું અને તેને નારદ પાસે મૂકી. પછી શ્રીકૃષ્ણના ઉદ્યાનને વિદ્યાના બળથી પુષ્પ, ફળ અને પત્રરહિત કરી દીધું; તથા વિવાહને માટે એકઠાં કરેલાં જળ, ઘાસ વગેરેને પણ વિદ્યાના બળથી અદશ્ય કર્યા.
પછી એક માયાવી અશ્વ બનાવીને તેને ગામ બહાર ખેલાવવા લાગ્યો. તે અશ્વના વેગને જોવાની ઈચ્છાથી ભાનુકુમાર તેની પાસેથી તે અશ્વ માગીને તેના પર ચડ્યો, અને તેને ખેલાવવા લાગ્યો. એટલે પ્રદ્યુમ્ન વિદ્યા વડે તેને અશ્વ પરથી પાડી નાખ્યો, તે જોઈને લોકો ભાનુને હસવા લાગ્યા, પછી પ્રદ્યુમ્ન બ્રાહ્મણનો વેષ ધારણ કરીને ગામમાં ગયો. ત્યાં કોઈ વેપારીની દુકાને ઉભેલી સત્યભામાની કુબ્બા દાસીને મુષ્ટિ મારીને સરળ અને સ્વરૂપવાળી કરી દીધી; એટલે તે દાસી તેને બહુમાનથી સત્યભામાને ઘેર તેડી ગઈ અને સત્યભામાને પોતાની વાત કહી સંભળાવી