________________
૨૭૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
બેસી અમૃત જેવી ઉજ્જવલ દેશના સાંભળીને તે પોતાના ઘર તરફ પાછા વળ્યા. ગામના દરવાજા પાસે આવતાં તે દરવાજે શત્રુને મારવા માટે ચક્ર વગેરે ગોઠવેલાં હતાં તે જોઈ જેબૂકુમારે વિચાર્યું કે “કદાચ આ મારણચક્રાદિક મારા ઉપર પડે, તો હું ધર્મ કર્યા વિના કેવી ગતિ પામું? માટે હું પાછો વળીને ગણધર પાસે જઈ જીવનપર્યત બ્રહ્મચર્યનું પચ્ચકખાણ તો લઈ આવું.” એમ વિચારી ગણધર પાસે બ્રહ્મચર્યનું પચ્ચકખાણ લઈને તે ઘેર આવ્યો.
પછી માતાપિતાને તેણે કહ્યું કે “હું આપની આજ્ઞાથી શ્રી સુધર્માસ્વામી પાસે દીક્ષા લેવા ઈચ્છું છું.” આ પ્રમાણેનું કાલકૂટના જેવું તેનું વચન સાંભળીને માતાપિતાએ પુત્ર પરના સ્નેહથી મોહ પામીને સંયમની દુષ્કરતા વગેરેનું વર્ણન કર્યું. તેના અનેક ઉત્તરો આપીને જંબૂકુમારે માતપિતાને નિરુત્તર કર્યા; એટલે ફરીથી તે બોલ્યા કે “હે વત્સ! તારે માટે પ્રથમથી નક્કી કરી રાખેલી આઠ કન્યાઓને પરણીને અમારા મનોરથ પૂર્ણ કર, પછી તારે ગમે તે કરજે.” આ પ્રમાણે કહેવામાં તેના માતપિતાએ “સ્ત્રીઓના પ્રેમમાં પડવાથી પછી એ જઈ શકશે નહીં.” એવો નિશ્ચય કરીને તેને પરણવાનો આગ્રહ કર્યો, પછી મોટા ઉત્સવથી જેબૂકુમારે આઠ કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. જંબૂકુમારે પરણ્યા પહેલાં તે આઠેને પોતાનો મનોરથ કહેવરાવ્યો હતો. ત્યારે તે આઠેએ કહ્યું હતું કે “આ લોકમાં અથવા તો પરલોકમાં પણ અમારે તો જંબૂકુમાર જ સ્વામી છે, શું કુમુદિની ચંદ્ર વિના બીજા વરને કદાપિ ઈચ્છે છે?” એમ કહીને તે જંબૂકુમારને પરણી હતી.
લગ્ન થયા પછી સ્પૃહા રહિત જંબૂકુમાર વાસગૃહ (શયનગૃહ)માં ગયો. ત્યાં કામદેવથી પીડાતી તે સ્ત્રીઓ સાથે વિકાર રહિત કુમાર વાતો કરવા લાગ્યો. તે વખતે તે સ્ત્રીઓએ સ્નેહ વૃદ્ધિ પામે તેવી આઠ વાર્તાઓ કહી. તેના ઉત્તરમાં કુમારે વૈરાગ્ય ઉત્પન્ન થાય તેવી સામી આઠ વાર્તાઓ કહી. હવે તે ઉપદેશને સમયે જ પાંચસો ચોરો સહિત પ્રભવ નામનો રાજપુત્ર અવસ્થાપિની અને તાલોદ્ઘાટિની (તાળાં ઉઘાડે તેવી) વિદ્યાના પ્રભાવથી જંબૂકમારના ઘરમાં આવીને ચોરી કરવા લાગ્યો હતો. તે વખતે કોઈ દેવતાએ તે સર્વને ચંભિત કર્યા; એટલે પ્રભવે વિચાર્યું કે “આ મહાત્માથી જ હું પરિવાર સહિત સ્થંભિત થયો છું,” એમ વિચારીને સર્વ સ્ત્રીઓને ઉત્તર પ્રત્યુત્તર આપીને સમજાવતા જંબુકમારને તેણે કહ્યું કે “હે મહાત્મા! હું આ દુષ્ટ વ્યાપાર ચૌર્યકર્મથી નિવૃત્ત થયો છું, માટે મારી પાસેથી આ બે વિદ્યા લ્યો અને તમારી સ્થભિની વિદ્યા મને આપો.” તે સાંભળીને જંબૂકુમાર બોલ્યા કે, “હું તો પ્રાતઃકાળમાં જ આ ગૃહાદિકના બંધનનો ત્યાગ કરીને શ્રી સુધર્માસ્વામી પાસે દીક્ષા લેવાનો છું, મારે તારી વિદ્યાની કાંઈ પણ જરૂર નથી. વળી હે ભદ્ર! મેં કાંઈ તને ચંભિત કર્યો નથી, પણ કોઈ દેવતાએ મારા પરની ભક્તિથી તને સ્વૈભિત કર્યો હશે, તેમજ ભવની વૃદ્ધિ કરે તેવી વિદ્યાઓ હું લેતો કે દેતો નથી; પણ સમસ્ત અર્થને સાધી આપનારી શ્રી સર્વજ્ઞભાષિત જ્ઞાનાદિક વિદ્યાને જ ગ્રહણ કરવાને હું ઈચ્છું છું.”
એમ કહીને તેણે ચમત્કાર પામે તેવી ધર્મકથાઓ તેને વિસ્તારથી કહી. તે સાંભળીને પ્રભવ બોલ્યો કે “હે ભદ્ર ! પુણ્યથી પ્રાપ્ત થયેલા ભોગોને તમે શા માટે ભોગવતા નથી?”