________________
૨૭૫
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ જંબૂકુમારે જવાબ આપ્યો કે “કિપાક વૃક્ષના ફળની જેમ અંતે દારુણ કષ્ટને આપનારા અને દેખીતા જ માત્ર મનોહર એવા વિષયોને કયો ડાહ્યો માણસ ભોગવે? કોઈ ન ભોગવે.” એમ કહી તેણે પ્રથમ મધુબિંદુનું દૃષ્ટાંત કહ્યું. ફરીથી પ્રભવે કહ્યું કે “તમારે પુત્ર થાય ત્યારપછી દીક્ષા લેવી યોગ્ય છે. કેમકે પિંડ આપનાર પુત્રરહિતને સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી.” તે સાંભળીને જંબૂકુમારે હાસ્ય કરીને કહ્યું કે, “જો એમ હોય તો સૂકર, સર્પ, શ્વાન, ગોધા વગેરેને ઘણા પુત્રો હોય છે. તેથી તેઓ જ સ્વર્ગે જશે અને બાલ્યાવસ્થાથી જ બ્રહ્મચર્ય પાળનારા સ્વર્ગે નહિ જાય.”
આ પ્રસંગ ઉપર મહેશ્વર વણિકનું દૃષ્ટાંત કહી બતાવ્યું. પછી બૂકુમારની આઠે સ્ત્રીઓ અનુક્રમે બોલી. તેમાં પ્રથમ મોટી સમુદ્રશ્રી બોલી કે “હે સ્વામી! પુણ્યથી પ્રાપ્ત થયેલી આ લક્ષ્મીનો ત્યાગ કરીને તમે ચારિત્ર લેવા ઈચ્છો છો?” જંબૂકુમારે જવાબ આપ્યો કે “વિજળીની જેવી ચપળ લક્ષ્મીનો શો વિશ્વાસ? માટે હે પ્રિયે ! તે લક્ષ્મીને મૂકીને હું દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છું છું.” પછી બીજી પદ્મશ્રી બોલી કે “છએ દર્શનનો મત એવો છે કે દાનાદિક ધર્મથી ઉપકારી હોવાને લીધે ગૃહસ્થાશ્રમીનો ધર્મ શ્રેષ્ઠ છે. કહ્યું છે કે -
हितं भवद्वयस्यापि, धर्ममेतमगारिणाम् ।
पालयन्ति नरा धीरास्त्यजन्ति तु ततः परे ॥१॥ ભાવાર્થ:- “આ દાનાદિક ગૃહસ્થીઓનો ધર્મ બન્ને ભવમાં હિતકારી હોવાથી તેનું ધીર પુરુષો પાલન કરે છે અને કાયર મનુષ્યો તેને તજી દે છે.” જંબૂએ કહ્યું કે “સાવદ્યનું પાપયુક્ત ક્રિયાઓનું સેવન કરવાથી ગૃહધર્મ શી રીતે શ્રેષ્ઠ કહેવાય? કેમકે ગૃહી અને મુનિના ધર્મમાં મેરુ. અને સરસવ તથા સૂર્ય અને ખદ્યોતના જેટલું અંતર છે.”
પછી ત્રીજી પઘસેના બોલી કે “કદલીના ગર્ભ જેવું કોમળ તમારું શરીર સંયમનાં કષ્ટો સહન કરવાને યોગ્ય નથી.” જંબૂએ કહ્યું કે “અરે ! કૃતઘ્ની અને ક્ષણભંગૂર એવા આ દેહ ઉપર બુદ્ધિમાન પુરુષ શી રીતે પ્રીતિ કરે ?”
પછી ચોથી કનકસેના બોલી કે “પૂર્વે જિનેશ્વરોએ પણ પ્રથમ રાજ્યનું પાલન કરી સંસારના ભોગ ભોગવીને પછી વ્રત અંગીકાર કર્યું હતું, તો તમે શું કોઈ નવા મોક્ષની ઈચ્છાવાળા થયા છો?” જંબૂએ કહ્યું કે “જિનેશ્વરો અવધિજ્ઞાનવાળા હોવાથી તેઓ પોતાના વ્રતયોગ્ય સમયને જાણી શકે છે; માટે હાથી સાથે ગધેડાની જેમ તેમની સાથે આપણી જેવા સામાન્ય મનુષ્યોની શી સ્પર્ધા? પ્રાણીઓના જીવિતરૂપી મહાઅમૂલ્ય રત્નને કાળરૂપ તસ્કર અચિંત્યો આવીને મૂળમાંથી ચોરી લે છે, તેથી ડાહ્યા પુરુષો સંયમરૂપી પાથેય લઈને તેના વડે મોક્ષપુરને પામે છે કે જ્યાં આ કાળરૂપ ચોરનો જરા પણ ભય હોતો નથી.”
પછી પાંચમી નભસેના બોલી કે “હે પ્રાણનાથ ! આ પ્રત્યક્ષ અને સ્વાધીન એવું કુટુંબનું સુખ પ્રાપ્ત થયું છે, તેને છોડીને દેહ વિનાના સુખની (મોક્ષસુખની) શા માટે ઈચ્છા કરો છો?”