________________
૨૫૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
કરકંડુ રાજાની કથા
ચંપાપુરીમાં દધિવાહન નામે રાજા હતો, તેને પદ્માવતી નામે રાણી હતી. તે એકદા ગર્ભિણી થઈ, ત્યારે ગર્ભના પ્રભાવથી તેને એવો દોહદ થયો કે હું રાજાનો વેષ ધારણ કરીને, રાજાએ જેને માટે છત્ર ધારણ કર્યું છે એવા પટ્ટહસ્તી પર બેસીને ઉદ્યાનમાં વિચરું. તે દોહદ પૂર્ણ નહિ થવાથી કૃષ્ણપક્ષના ચંદ્રની જેમ તે પ્રતિદિન કૃશ થવા લાગી. રાજાએ તેનું કારણ પૂછ્યું, ત્યારે રાણીએ દોહદની વાત કહી. તેથી રાજાએ તેનો દોહદ પૂર્ણ કરવા માટે તેની સાથે જ હાથી પર બેસી રાણીને માથે છત્ર ધારણ કર્યું અને તેવી રીતે રાજા વનમાં ગયો. તે વખતે અકસ્માત્ જળવૃષ્ટિ થઈ. તે વૃષ્ટિ પ્રથમ હોવાથી પૃથ્વીમાંથી ગન્ધ પ્રગટ થયો, તે ગન્ધ સુંધવાથી મદોન્મત્ત થયેલો હાથી વન તરફ દોડ્યો. રાજાએ તેને અંકુશ વગેરેથી ઘણો નિવાર્યો, પણ તે અટકયો નહીં; તેથી કાયર થઈને રાજાએ રાણીને કહ્યું કે “હે પ્રિયા ! દૂર પેલો વટવૃક્ષ દેખાય છે, તેની નીચે થઈને આ હાથી નીકળશે, તે વખતે તું તે વટની શાખા મજબૂત રીતે પકડી લેજે, હું પણ પકડી લઈશ. પછી હાથીને જવા દઈને આપણે નગર તરફ જઈશું.”
પછી જ્યારે તે હાથી વટની નીચે થઈને નીકળ્યો, ત્યારે રાજાએ તો તત્કાળ તેની સાંખા પકડી લીધી; પણ રાણી તે શાખા પકડી શકી નહીં, તેથી પ્રિયાનો વિયોગ થવાથી રાજા વિલાપ કરતો પાછો વળીને તે હાથીના જ પગલાને અનુસારે ચંપાનગરીમાં ગયો. અહીં હાથી ચાલતાં ચાલતાં અતિ તૃષાતુર થયો; તેથી તે મોટા અરણ્યમાં એક તળાવ આવ્યું તેમાં પેઠો. તે અવસર જાણીને રાણી તેના પરથી ઉતરી તળાવના પાણીને તરીને કાંઠે આવી. પછી તેણે વિચાર્યું કે ‘પૂર્વના અશુભ કર્મને લીધે મારે અકસ્માત્ આપત્તિ આવી પડી છે; પરંતુ હવે રુદન કરવાથી તો ઉલટો સાત કર્મનો દૃઢ બંધ થશે, માટે હમણાં તો આ અરણ્યનું ઉલ્લંઘન કરું ત્યાં સુધીને માટે સાગારી અનશન જ અંગીકાર કરું.'
પછી એ પ્રમાણે અભિગ્રહ લઈને તે કોઈક દિશામાં ચાલી. માર્ગમાં એક તાપસે તેને દીઠી; એટલે પૂછ્યું કે “અરે તું વનદેવી છે કે કિન્નરી છે ?’’ ત્યારે તે બોલી કે “હું જૈનધર્મી ચેટકરાજાની પુત્રી મનુષ્યાણી છું.” એમ કહીને પોતાનું સર્વ વૃત્તાંત તેણે તે તાપસને કહી સંભળાવ્યું. તે સાંભળીને તાપસ બોલ્યો કે “હું તારા પિતાનો ભાઈ છું, માટે તું ભય પામીશ નહીં.” એમ કહીને તે તાપસે તેને આશ્વાસન આપી વન-ફળાદિક વડે તેનો સત્કાર કર્યો. પછી તેને નજીકના કોઇ નગરમાં તે તાપસે પહોંચાડી. તે રાણી કામભોગથી નિર્વેદ પામીને સાધ્વીઓની પાસે જઈ તેમને વાંદીને બેઠી. ત્યારે સાધ્વીએ તેને પૂછ્યું કે “હે શ્રાવિકા ! તું ક્યાંથી આવી છે ?” ત્યારે રાણીએ દીક્ષા લેવાની ઈચ્છાથી એક ગર્ભ વિના બીજી સર્વ વાત કહી સંભળાવી. તે સાંભળીને સાધ્વી બોલ્યા કે “હે ઉત્તમ આશયવાળી ! વિદ્યુત્ જેવા ચપળ સાંસારિક સુખની આશા છોડીને ચારિત્ર ગ્રહણ કર.” તે સાંભળીને વિરક્ત થયેલી રાણીએ દીક્ષા ગ્રહણ કરી. પછી અનુક્રમે તેના ગર્ભની વૃદ્ધિ થઈ. તે જોઈને સાધ્વીઓએ પૂછ્યું, ત્યારે તેણે સત્ય વાત કહી.