________________
૨૬૩
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ નિઃશ્વાસ મૂકીને લજ્જાનો ત્યાગ કરી બોલ્યો કે “જો મારું કુશળ ઈચ્છતા હો તો તમારી પુત્રી મને આપો, નહિ તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ.” તે સાંભળીને પુત્રીને યોગ્ય વરની પ્રાપ્તિ થયેલી માની મોટા ઉત્સવથી દ્વિમુખે પોતાની પુત્રી તેને પરણાવી. પછી પ્રદ્યોતરાજા પોતાના જન્મની સફળતા માની દ્વિમુખની રજા લઈને હર્ષથી પોતાની પુરીએ ગયો.
એકદા ઈન્દ્રોત્સવનો દિવસ આવવાથી દ્વિમુખરાજાએ પૌરજનોને ઈન્દ્રધ્વજ સ્થાપન કરવાની આજ્ઞા કરી; તેથી પૌરજનોએ ઈન્દ્રધ્વજના સ્થંભને ઊભો કરીને તેને શ્વેત ધ્વજાઓ, પુષ્પમાળાઓ અને પુષ્કળ ઘુઘરીઓથી શણગાર્યો, પછી વાજિંત્રના નાદપૂર્વક તેની પુષ્પફળાદિક વડે પૂજા કરી. પછી કેટલાકએક તેની પાસે નૃત્ય કરવા લાગ્યા અને કેટલાએક ગીત ગાવા લાગ્યા. એ પ્રમાણે સાત દિવસ સુધી મહોત્સવ પ્રવર્યો. આઠમે દિવસે પૂર્ણિમાને રોજ રાજાએ પણ મોટી સમૃદ્ધિથી ત્યાં આવીને તેની પૂજા કરી. ઉત્સવ પૂર્ણ થયા પછી પૌરજનો તે ઈન્દ્રધ્વજને શોભાવવા માટે ધરાવેલા પોતપોતાના વસ્ત્રાદિક લઈ ગયા, અને કાષ્ટ માત્ર બાકી રહેલા તે સ્થંભને પાડીને પૃથ્વી પર નાખી દીધો.
બીજે દિવસે વિષ્ટા અને મૂત્રથી લીંપાયેલો, અપવિત્ર સ્થાને પડેલો અને બાળકો જેના પર ચડીને ક્રીડા કરતા હતા એવો તે સ્થંભ બહાર નીકળેલા રાજાએ જોયો. તે જોઈને વૈરાગ્ય પામેલા રાજાએ વિચાર કર્યો કે “જે મહાધ્વજ ગઈ કાલે સર્વ લોકોથી પૂજાતો હતો તે જ મહાધ્વજ આજે મોટી વિડંબનાને પામે છે, માટે લક્ષ્મીની શોભા સર્વ ક્ષણભંગૂર છે. કહ્યું છે કે -
आयाति याति च क्षिप्रं, या संपत् सिन्धुपूरवत् ।
पांसुलायामिव प्राज्ञा-स्तस्यां को नाम रज्यते ॥१॥ ભાવાર્થ - જે સંપત્તિ નદીના પૂરની જેમ અથવા સમુદ્રની ભરતીની જેમ જલદી આવે છે અને જલદી જાય છે તે પાંસુલી સ્ત્રીના જેવી સંપત્તિ ઉપર છે ડાહ્યા પુરુષો ! કોણ આસક્તિ કરે ?”
માટે હું પ્રાયઃ વિડંબનાભૂત એવી આ રાજ્યસંપદાને તજીને મુક્તિ આપનારી સમતારૂપ સામ્રાજયસંપદાનો આશ્રય કરું.” એમ વિચારી જેનો મમતારૂપી અગ્નિ શાંત થયો છે એવા તે દ્વિમુખરાજાએ તે જ વખતે પોતે જ કેશનો લોચ કરીને દેવદત્ત મુનિવેષને ધારણ કરી પૃથ્વી પર વિહાર કર્યો. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનમાં શ્રી વીરસ્વામીએ કહ્યું છે કે -
करकंडु कलिंगेसु, पांचालेसु य दुमुहो । नमिराया विदेहेसु, गंधारेसु च नग्गइ ॥१॥
ઉ.ભા.-૫-૧૮