________________
૨૬૬)
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ તેને મૂકી દીધી, એટલે તરત જ તે અશ્વ ત્યાં ઉભો રહ્યો. પછી રાજાએ નીચે ઉતરીને અશ્વને વૃક્ષ સાથે બાંધી ફળાદિકથી પ્રાણવૃત્તિ કરી. પછી રાત્રિયાસો કરવા માટે તે પાસેના પર્વત પર ચડ્યો. ત્યાં એક સાતમાળનું મંદિર જોઈને રાજા તેમાં પેઠો. તે મહેલમાં એક મૃગ સરખા નેત્રવાળી કન્યા તેના જોવામાં આવી. તે કન્યાએ રાજાને જોઈને તરત ઊભા થઈ તેને આસન આપ્યું. પછી તેને પૂછ્યું કે “હે સુભગા ! તું કોણ છે? અને અહીં એકલી કેમ રહે છે?” તે બોલી કે “પ્રથમ તમે મને ગાન્ધર્વવિવાહથી પરણો, પછી હું મારું સર્વ વૃત્તાંત તમને કહીશ.”
તે સાંભળીને રાજાએ તેની સાથે ગાન્ધર્વવિવાહ કર્યો. પછી તે સ્ત્રી પોતાનું વૃત્તાંત કહેવા લાગી કે “હે સ્વામી ! આ ભરતક્ષેત્રમાં ક્ષિતિપુર નામે નગરમાં જિતશત્રુ નામે રાજા હતો. તેણે એકદા ચિત્રશાળા કરવા માટે ચિત્રકારોને બોલાવીને આજ્ઞા કરી કે “આ શહેરમાં તમારા જેટલા ઘર હોય તેટલા વિભાગ કરીને તમે આ સભા ચિતરો.” ચિતારાઓ તે પ્રમાણે ભાગ પાડીને સભા ચિતરવા લાગ્યા. તે ચિત્રકારોમાં એક વૃદ્ધ ચિત્રકાર હતો. તેને સહાયભૂત કોઈ નહોતું. માત્ર એક કનકમંજરી નામે તેને પુત્રી હતી. તે હંમેશાં પિતાને માટે ત્યાં ખાવાનું લઈને આવતી. તે વૃદ્ધ ચિત્રકાર જયારે ખાવાનું આવતું ત્યારે શૌચ માટે બહાર જતો. એકદા કનકમંજરી ભોજન લઈને રાજમાર્ગે આવતી હતી તે વખતે રાજા ઘોડેસ્વાર થઈને ઘોડો દોડાવતો ત્યાંથી નીકળ્યો. તેને જોઈને ભય પામેલી કનકમંજરી દોડીને સભામંડપમાં આવતી રહી.
તે સમયે રાજા પણ સભા જોવા માટે ત્યાં આવ્યો. તેણે ચિત્ર જોતાં-જોતાં ભીંત પર ચિત્રેલું એક મોરનું પીછું લેવા માટે એકદમ પોતાનો હાથ તેના ઉપર નાંખ્યો; એટલે તે પીછું તો હાથમાં આવ્યું નહીં, પણ ઉલટો આંગળીનો નખ ભાંગી ગયો; તેથી લજ્જિત થયેલા રાજાને જોઈને કનકમંજરી વિલાસપૂર્વક હાસ્ય કરીને બોલી કે “હવે માંચો (ખાટલો) ચારે પાયાથી પૂર્ણ થયો.” તે સાંભળીને રાજાએ આગ્રહથી તેને પૂછ્યું કે “શી રીતે પૂર્ણ થયો?” ત્યારે તે બોલી કે “આજે ખાવાનું લઈને હું અહીં આવતી હતી, ત્યારે રાજમાર્ગે મેં કોઈ માણસને અશ્વ દોડાવતો જતો જોયો, તે પહેલો મૂર્ખ. તેને મૂર્ખાઈરૂપ માંચાનો પહેલો પાયો સમજવો; કેમકે રાજમાર્ગ બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધો વગેરેના જવા આવવાથી સાંકડો થયેલો હોય છે; તેથી ડાહ્યા પુરુષો ત્યાં ત્વરાથી અશ્વ દોડાવતા નથી. બીજો મૂર્ખ અહીંનો રાજા છે; કેમકે તેણે પરનું દુઃખ જાણ્યા વિના જ બીજા યુવાન ચિત્રકારોની જેટલો જ ભાગ ચિતરવા માટે મારા વૃદ્ધ અને પુત્ર વિનાના પિતાને આપ્યો છે. ત્રીજો મૂર્ખ મારો પિતા છે, કેમકે જ્યારે હું ભોજન લઈને આવું છું ત્યારે જ તે દેહચિંતા માટે બહાર જાય છે, પણ આગળ કે પાછળ જતા નથી; અને ચોથા મૂર્ખ તમે; કેમકે ભીંત ઉપર મયૂર ક્યાંથી હોય કે જેનું પીછું લેવા તમે હાથ લંબાવ્યો? એટલી પણ ખબર ન પડી, માટે તે ચોથો પાયો.” આ પ્રમાણે તે કન્યાના વાક્યો સાંભળીને તેને સત્ય માની રાજાએ વિચાર્યું કે “આની સાથે લગ્ન કરીને મારો જન્મ સફળ કરું.” પછી રાજાના કહેવાથી મંત્રીએ તેના પિતા પાસે કનકમંજરીની માગણી કરી, તેથી હર્ષ પામીને તેણે પોતાની પુત્રી રાજાને પરણાવી.