________________
૨૭૧
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫
અન્યદા ગુરુમહારાજ વિહાર કરતાં કરતાં ભવદત્તના ગામ તરફ ગયા; ત્યારે ગુરુની આજ્ઞા લઈને ભવદત્ત પોતાને ઘેર ગયા. તે વખતે ભવદેવ નાગદત્તની નાગિલા નામની કન્યાને તરતમાં જ પરણ્યો હતો. ભવદત્તમુનિએ ભાઈને ઘેર જઈ ધર્મલાભ આપ્યો ત્યારે તેના સ્વજનોએ તેમને પ્રાસુક અન્નથી પ્રતિલાવ્યા. તે સમયે કુળાચારને લીધે ભવદેવ પોતાની સ્ત્રીને શણગારવાના પ્રારંભમાં તેના વક્ષ:સ્થળ પર ચંદનના રસથી અંગરાગ કરતો હતો, ત્યાં તેણે મોટા ભાઈને આવેલા સાંભળ્યા; એટલે તેને અર્ધી શણગારેલી નાગિલાને પડતી મૂકીને તરત જ તે મુનિને વાંદવા આવ્યો.
પછી ભવદત્તમુનિએ ત્યાંથી પાછા વળી ગુરુ પાસે આવતાં નાના ભાઈના હાથમાં ઘીનું પાત્ર આપ્યું. તેમને વળાવવા માટે આવેલા સર્વ સ્વજનો થોડે દૂર જઈને અનુક્રમે પાછા વળ્યા; પણ ભવદવ તો ભવદત્તમુનિએ કરવા માંડેલી બાલ્યક્રીડાની વાતો સાંભળતો-સાંભળતો ભાઈની (મુનિની) સાથે જ ચાલ્યો. અનુક્રમે પોતાના ભાઈ સહિત ભવદત્તમુનિને આવતા જોઈને સર્વ સાધુઓ બહુ વિસ્મય પામ્યા અને તેમની પ્રશંસા કરવા લાગ્યા કે “અહો ! આ ભવદેવ શું બાલ્યવયમાં જ દીક્ષા લેશે?” પછી ભવદત્ત મુનિ ગુરુને નમીને બોલ્યા કે “આ મારો ભાઈ આપની પાસે દીક્ષા લેવા આવ્યો છે.” ત્યારે ગુરુએ ભવદેવને પૂછ્યું કે “તારે દીક્ષા લેવી છે?” તે સાંભળી ભવદેવે વિચાર્યું કે “મારા મોટા ભાઈનું વચન મિથ્યા ન થાઓ.” એમ વિચારીને તે બોલ્યો કે “હે ગુરુ ! હું દીક્ષા માટે જ આવ્યો છું.” તે સાંભળીને ગુરુએ તેને દીક્ષા આપી. અનુક્રમે તે વૃત્તાંત તેના સ્વજનોએ જાણ્યો, એટલે તેઓ ત્યાં આવ્યા, પણ તેણે દીક્ષા લીધેલી દેખીને પાછા ગયા.
હવે ભવદેવમુનિ મોટા ભાઈના ઉપરોધથી વ્રતનું પાલન કરતો હતો, પણ યોગીના હૃદયમાં પરમાત્માની જેમ તેના હૃદયમાં નાગિલાનું ચિંતન થયા કરતું હતું, કેટલાક વર્ષ પછી ભવદત્તમુનિ અનશન ગ્રહણ કરીને સૌધર્મ દેવલોકમાં દેવતા થયા. ત્યારે ભવદેવે વિચાર્યું કે “અહો ભવદત્ત તો સ્વર્ગે ગયા; હવે મારે વ્રતનો પરિશ્રમ શા માટે કરવો? મારા જીવિતને ધિક્કાર છે? કેમકે હું અર્થી શણગારેલી પ્રાણપ્રિયાનો ત્યાગ કરીને અહીં આવ્યો છું, માટે હવે તો ઘેર પાછો જાઉં.” એમ વિચારીને સંયમથી ભ્રષ્ટ મનવાળો થઈ તે પોતાના નગર તરફ ચાલ્યો.
ત્યાં નગરની બહારના ઉપવનમાં એક વૃદ્ધ સ્ત્રીને બીજી કંઈક જરા આવેલી સ્ત્રી સાથે જોઈને તેણે પૂછ્યું કે “હે ડોશી ! આ ગામમાં ભવદેવની સ્ત્રી નાગિલા રહે છે તે કુશળ છે?” તે સાંભળીને કાંઈક જરા આવેલી સ્ત્રી નાગિલા જ હતી તેથી તેણે ભવદેવને ઓળખીને પૂછ્યું કે “હે મુનિ ! શું તમે જ નાગિલાના પતિ છો ?” ભવદેવ બોલ્યો કે “હા, તે જ હું છું. મારા મોટા ભાઈ કાળ કરી સ્વર્ગે જવાથી ભોગમાં ઉત્સુક એવો હું અહીં આવ્યો છું, માટે તું મને નાગિલાના ખબર આપ.” તે સાંભળી નાગિલા બોલી કે “હે મહાત્મા ! હું જ તે નાગિલા છું. મારા દેહમાં તમે શું લાવણ્ય જુઓ છો ?”