________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ પુત્રી, જિતશત્રુ રાજાની રાણી અને પરમ શ્રાવિકા હતી. તેણે પોતાના પિતાના મૃત્યુ સમયે પંચ નમસ્કારાદિ વડે તેની નિર્ધામણા કરી હતી, તેથી તે ચિત્રકાર મરીને વ્યંતરદેવ થયો તે હું છું, મેં અવધિજ્ઞાનથી આ મારી પૂર્વ ભવની પુત્રીને શોકાતુર જોઈને પૂર્વ ભવના પ્રેમથી તેની આશ્વાસના કરી. તે વખતે તમને આવતા જોઈને મેં વિચાર્યું કે “હવે આ પુત્રી તેના પિતા સાથે જતી રહેશે; તેથી મને તેનો વિરહ થશે.” એમ જાણીને ચેષ્ટારહિત કરી હતી. પછી તમને નિઃસ્પૃહી (મુનિ) થયેલા જોઈને મેં મારી માયા દૂર કરી. “હે મુનિરાજ ! મારા તે અપરાધને ક્ષમા કરો.” મુનિ બોલ્યા કે “તમે મને ધર્મપ્રાપ્તિમાં હેતુભૂત થવાથી મારા ઉપકારી થયા છો.” એમ કહીને મુનિએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો.
પછી તે કન્યાને જાતિસ્મરણ થવાથી પોતાના પૂર્વભવના પિતા તે દેવને ઓળખીને તેણે પૂછ્યું કે “હે પિતા ! મારો પતિ કોણ થશે?” દેવે અવધિજ્ઞાનથી જાણીને કહ્યું કે “હે પુત્રી ! તારો પૂર્વભવનો પતિ સ્વર્ગથી ઍવીને સિંહરથ નામે રાજા થયો છે. તે અશ્વ વડે હરણ કરાઈને અહીં આવશે અને તે તારો પતિ થશે, માટે ધીરજ રાખીને તું અહીં જ રહે.” આ પ્રમાણે પ્રિયાએ કહેલું વૃત્તાંત સાંભળીને સિંહરથરાજાને જાતિસ્મરણ થવાથી તે સંદેહરહિત થયો. પછી તે સ્ત્રીની સાથે રાજા એક માસ સુધી ત્યાં આનંદથી રહ્યો.
એકદા તે સ્ત્રીએ રાજાને કહ્યું કે “હે પ્રિય! તમારું નગર અહીંથી ઘણે દૂર છે, માટે મારી પાસેથી તમે પ્રજ્ઞપ્તિ વિદ્યા ગ્રહણ કરો.” રાજાએ તે વિદ્યા ગ્રહણ કરીને વિધિપૂર્વક તેનું સાધન કર્યું. પછી વિદ્યા સિદ્ધ કરીને રાજા આકાશમાર્ગે પોતાના નગરમાં ગયો, ત્યાંથી પાછો તે પર્વત પર આવ્યો. એવી રીતે તે રાજા વારંવાર પર્વત ઉપર જતો અને પાછો પોતાના નગરમાં આવતો; તેથી લોકોએ નગ એટલે પર્વત પર આની ગતિ છે એમ જાણીને તેનું નગ્નતિ એવું સાર્થક નામ પાડ્યું. તે વિદ્યાધરની પુત્રી કનકમંજરી તો તે વ્યંતરદેવના કહેવાથી તે પર્વત પર જ રહી; તેથી નગ્નતિરાજાએ ત્યાં નવું નગર વસાવ્યું.
એકદા કાર્તિકી પૂર્ણિમાને દિવસે રાજા સૈન્ય સહિત નગર બહાર નીકળીને રમવાડીએ જવા ચાલ્યો. ત્યાં નવીન પલ્લવોથી રક્ત અને માંજરોથી પીત દેખાતો એક સદા ફળવાળો છત્રાકાર આમ્રવૃક્ષ જોયો; એટલે તે મનોહર વૃક્ષની એક માંજર રાજાએ માંગલિકને માટે ગ્રહણ કરી અને ત્યાંથી આગળ ચાલ્યો. પાછળથી આખા સૈન્ય તેના પત્ર, પલ્લવ અને માંજર લઈને તે વૃક્ષને ઠુઠારૂપ કરી નાંખ્યું. થોડી વારે રાજા પાછો વળી તે જ જગ્યાએ આવ્યો. ત્યારે તેણે “પેલો આંબો ક્યાં છે?” એમ મંત્રીને પૂછ્યું. ત્યારે મંત્રીએ તે ઠુંઠું બતાવ્યું, તે જોઈને ફરીથી રાજાએ પૂછ્યું કે “તે આવો કેમ થઈ ગયો?” મંત્રીએ કહ્યું કે “હે સ્વામી ! આ વૃક્ષની એક મંજરી પ્રથમ આપે ગ્રહણ કરી ત્યારપછી સૈન્યના સર્વ લોકોએ તેના પત્ર, પુષ્પ તથા ફળ વગેરે લઈને જેમ ચોર લોકો ધનિકને લક્ષ્મી વિનાનો કરી નાખે તેમ તેને શોભારહિત કરી નાખ્યો.” તે સાંભળીને રાજાએ વિચાર કર્યો કે “અહો ! લક્ષ્મી (શોભા) કેવી ચંચળ છે? જુઓ ! આ