________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫.
૨૬૭ એકદા કનકમંજરી પોતાનો વારો હોવાથી દાસીની સાથે રાજાના શયનગૃહમાં આવી. રાજા સૂતો, ત્યારે પ્રથમથી સંકેત કરી રાખેલી દાસીએ કનકમંજરીને કહ્યું કે “હે દેવી! તમને અદૂભૂત કથાઓ ઘણી આવડે છે, માટે તેમાંથી એક આજે કહો.” ત્યારે તે બોલી કે “રાજા ઉંધી જશે ત્યારે કહીશ.” તે સાંભળીને તેની વાર્તા સાંભળવાની ઈચ્છાથી રાજાએ ખોટી નિદ્રાનો દેખાવ કર્યો, એટલે કનકમંજરીએ વાર્તા કહેવા માંડી કે “એક શ્રેષ્ઠિએ એક હાથનું ચૈત્ય કરાવ્યું અને તેમાં ચાર હાથની દેવપ્રતિમા સ્થાપન કરી.” તે સાંભળી દાસીએ પૂછ્યું કે “એક હાથના ચૈત્યમાં ચાર હાથની પ્રતિમા કેમ રહી શકે ?” એ મારા સંશયને દૂર કરો; ત્યારે રાણી બોલી કે “અત્યારે તો નિદ્રા આવે છે, કાલે કહીશ.” એમ કહીને રાણી સૂઈ ગઈ.
બીજે દિવસે તેનું સમાધાન સાંભળવાની ઈચ્છાથી રાજાએ તેને જ વારો આપ્યો. પછી પહેલી રાત્રિની જેમ રાજા ખોટી નિદ્રા લેવા લાગ્યો, ત્યારે દાસીએ પૂછ્યું કે “હે સ્વામિની ! કાલની શંકાનો જવાબ આપો.” ત્યારે રાણી બોલી કે ચાર હાથની પ્રતિમા એટલે તે પ્રતિમાને ચાર બાહુ હતા પણ તે “ચાર હાથ ઊંચી નહોતી, અર્થાત્ ઊંચાઈમાં તો એક હાથથી નાની હતી, તેથી એક હાથ ઊંચા ચૈત્યમાં તે રહી શકી.” પછી દાસીએ બીજી વાર્તા કહેવાનું કહ્યું, ત્યારે રાણી બોલી કે “કોઈ વનમાં રાતો અશોક વૃક્ષ હતો. તેને સેંકડો શાખાઓ હતી, પણ તેની છાયા પૃથ્વી પર બીલકુલ પડતી નહોતી.” ત્યારે દાસીએ પૂછ્યું કે “એવડા મોટા વૃક્ષને છાયા કેમ ન હોય? હોવી જ જોઈએ.” રાણી બોલી કે “અત્યારે તો નિદ્રા આવે છે; કાલે જવાબ આપીશ.” એમ કહી સૂઈ ગઈ. ત્રીજે દિવસે પણ રાજાએ તેને વારો આપ્યો. એટલે રાત્રે પૂર્વની જેમ દાસીએ પૂછ્યું, ત્યારે રાણીએ તેનો ખુલાસો આપ્યો કે “તે વૃક્ષ કૂવા ઉપર હતું; તેથી તેની છાયા કૂવામાં પડતી હતી, એટલે તે પૃથ્વી પર પડતી નહોતી.” આ પ્રમાણે કનકમંજરીએ છ માસ સુધી વાર્તાઓ કહીને રાજાને વશ કર્યો; તેથી બીજી રાણીઓ કનકમંજરી ઉપર કોપાયમાન થઈને તેના છિદ્રો શોધવા લાગી.
- હવે કનકમંજરીને એવો નિયમ હતો કે તે હંમેશાં એકવાર ઓરડો બંધ કરીને પોતાના પિતાના ઘરના લુગડાં પહેરી રાજાએ આપેલાં ઉત્તમ વસ્ત્રો તથા આભૂષણો કાઢી નાંખીને પૂર્વાવસ્થાનું સ્મરણ કરી પોતાના આત્માની નિંદા કરતી કે “અરે જીવ! તું મદ કરીશ નહીં, ઋદ્ધિગૌરવ કરીશ નહીં, કેમકે કદાચિત રાજા કોહેલી કૂતરીની જેમ તને ઘરમાંથી કાઢી પણ મૂકે; માટે અહંકાર ન કરીશ.” આ પ્રમાણેની તેની ચેષ્ટા માત્ર જોઈને બીજી રાણીઓએ રાજાને કહ્યું કે “હે સ્વામી ! ચિતારાની દીકરી જે તમારી માનીતી છે તે હમેશાં કાંઈક કામણ કરે છે, માટે તે તમે જાતે પ્રમાદ મૂકીને જુઓ અને તમારી ખાત્રી કરો; નહિ તો તેની ઉપરના મોહથી તમે કંઈ પણ કામ કરવા જેવા રહેશો નહીં (નકામા થઈ જશો).” તે સાંભળીને રાજા પોતે પ્રચ્છન્ન રીતે જોવા માટે ગયો. તે વખતે કનકમંજરીને હંમેશની જેમ પોતાના આત્માને શિખામણ આપતી જોઈ. તેનાં તેવાં વચનો સાંભળીને સંતુષ્ટ થયેલા રાજાએ વિચાર કર્યો કે -