________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫
( ૨૫૯ પછી સાધ્વીઓએ તેને ગુપ્ત સ્થાને રાખી. ગર્ભ સમય પૂર્ણ થતા તેણે શય્યાતરને ઘેર એક પુત્રને જન્મ આપ્યો. પછી તે પુત્રને તેના પિતાના નામવાળી મુદ્રિકા પહેરાવી રત્નકંબલમાં વીંટીને તેણે સ્મશાનમાં મૂકી દીધો અને તેણે કોણ લઈ જાય છે તે જોવા માટે સંતાઈને ઊભી રહી. તેવામાં તે સ્મશાનનો ધણી ત્યાં આવ્યો. તેણે તે પુત્રને જોઈ ઉપાડી લઈને પોતાની સ્ત્રીને આપ્યો. તે ચાંડાળની પાછળ જઈ તેનું ઘર જોઈને રાણી ઉપાશ્રયે પાછી આવી. પછી હમેશાં રાણી તેને ઘેર જઈને મોદક વગેરે આપી મોહથી તેને લાડ લડાવવા લાગી. તે પુત્રના શરીરમાં જન્મથી જ કંડુ એટલે ખરજનો વ્યાધિ થયો. એકદા તે પુત્ર બીજા બાળકો સાથે ક્રીડા કરતાં બોલ્યો કે “હું તમારો રાજા છું, માટે તમે મને કર આપો.” બાળકો બોલ્યા કે “શું આપીએ?” તેણે કહ્યું કે “તમે તમારા કરથી (હાથથી) મને ખૂબ ખજવાળો, તેથી હું પ્રસન્ન થઈશ.” પછી બાળકો તેને ખજવાળતા સતા કરફંડના નામથી બોલાવવા લાગ્યા. અનુક્રમે તે પુત્ર યુવાવસ્થા પામ્યો ત્યારે તે સ્મશાનની રક્ષા કરવા લાગ્યો.
એકદા બે મુનિ વિહાર કરતા કરતા ત્યાં આવ્યા. તેમાં એક મુનિ લક્ષણશાસ્ત્રના જાણ હતા, તેણે વાંસની જાળમાં એક દંડ જોઈને બીજા મુનિને કહ્યું કે “આ દંડ હજુ ચાર આંગળ મોટો થાય ત્યાં સુધી રાહ જોયા પછી તેને જે માણસ ગ્રહણ કરે તે રાજા થાય” તે વાક્ય કરકંડુએ અને એક બ્રાહ્મણે સાંભળ્યું. પછી તે દંડ જ્યારે ચાર આંગળ વધ્યો ત્યારે તે બ્રાહ્મણે તેને ખોદીને કાઢ્યો. તે જોઈને કરકંડુએ તેની સાથે મોટો કજીઓ કરીને તે દંડ લઈ લીધો. લોકોએ હસીને તેને પૂછ્યું કે “તું આ દંડને શું કરીશ?” ત્યારે તે બોલ્યો કે “આના પ્રભાવથી હું રાજા થઈશ.” લોકોએ કહ્યું કે “તું રાજા થાય ત્યારે આ બ્રાહ્મણને એક ગામ આપજે.” તે વચન અંગીકાર કરીને કરકંડુ પોતાને ઘેર ગયો.
પેલા બ્રાહ્મણે વિચાર્યું કે “કરકંડને હણીને પણ દંડ લઉં.” તેનો આવો અભિપ્રાય જાણીને ભય પામેલો કરકંડુ ત્યાંથી નાસીને કાંચનપુરે ગયો. ત્યાં થાકી જવાથી ગામ બહાર ઉદ્યાનમાં તે સૂતો. તે જ દિવસે તે ગામનો રાજા પુત્ર વિના મરી જવાથી પ્રધાનોએ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. તે દિવ્યોથી કરકંડને રાજ્ય મળ્યું; એટલે તે હસ્તી પર આરૂઢ થઈને નગરપ્રવેશ કરતો હતો; તેવામાં પેલા બ્રાહ્મણે આવીને તેને અટકાવ્યો અને બોલ્યો કે “અરે ચાંડાલ ! તને રાજય ઘટે નહીં.” તે સાંભળીને કરકંડુએ પેલો દંડ હાથમાં લઈને જમાડ્યો, એટલે ભય પામીને તે બ્રાહ્મણ નાસી ગયો. પછી પ્રધાનોએ તેનો રાજ્યાભિષેક કર્યો. પછી કરકંડ રાજાએ સર્વ ચાંડાળોને બ્રાહ્મણ કર્યા. કહ્યું છે કે –
दधिवाहनपुत्रेण, राज्ञा च करकंडुना । वाटधानकवास्तव्या-श्चांडाला ब्राह्मणीकृताः ॥१॥