________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૨૫૭
થાઓ છો, તે તમારા જેવાને ઉચિત નથી. વળી તમારી આવી ઉત્કટ ઈચ્છા પૂર્ણ થવા માટે સમગ્ર જગતનું ધન તમારે આધીન હોય તો પણ તે પૂર્ણ થાય તેમ નથી, તેમજ તે જરા મરણના દુઃખને અટકાવવા સમર્થ નથી; કેમકે આ જગતમાં જન્મ ધારણ કરનારને અવશ્ય મરણ પ્રાપ્ત થાય છે.” કહ્યું છે કે .
कश्चित्सखे त्वया दृष्टः, श्रुतः संभावितोऽथवा । क्षितौ वा यदि वा स्वर्गे, यो जातो न मरिष्यति ॥ १ ॥
ભાવાર્થ :- “હે મિત્ર ! આ પૃથ્વી ઉપર અથવા સ્વર્ગમાં તેં એવો કોઈ પ્રાણી જોયો છે, સાંભળ્યો છે, અથવા સંભાવના પણ કરી છે કે જે જન્મેલો મૃત્યુ ન પામે ? અર્થાત્ એવો કોઈ જ નથી.’’
માટે હે સ્વામી ! ધર્મ વિના બીજું કોઈ રક્ષણ કરનાર નથી. આ ચારેએ આ સર્વ અનિત્ય જાણીને જ તેને તજ્યું છે, અને હું પણ તે જાણીને પરિગ્રહ આરંભથી નિવૃત્તિ પામી છું, માટે હે નાથ ! હું વ્રત ગ્રહણ કરીશ.' આ પ્રમાણેની રાણીની વાણીથી તે જ વખતે પ્રતિબોધ પામેલો રાજા રાણી સહિત દુસ્યજ કામભોગને તથા મોટા રાજ્યને તજીને નિગ્રંથ થયો.
આ પ્રમાણે ઉપર કહેલા છએ જીવો કહેલા ક્રમ પ્રમાણે પ્રતિબોધ પામ્યા, અને સર્વ મોહનો ત્યાગ કર્યો. તેઓના ચિત્ત પૂર્વ જન્મમાં કરેલા ધર્મના અભ્યાસની ભાવનાથી ભાવિત થયેલા હતા; તેથી અલ્પકાળમાં જ તેઓએ કેવળજ્ઞાન પામીને અજરામર પદને પ્રાપ્ત કર્યું.
“પૂર્વ ભવે અરિહંતના શાસનમાં તે છ જીવોના ચિત્ત ધર્મથી વાસિત થયા હતા; તેથી તેઓને જલદીથી આત્મતત્ત્વની પ્રાપ્તિ થઈ, આવા પ્રાણીઓ સુલભબોધિ કહેવાય છે.”
૩૪૮ પ્રત્યેકબુદ્ધ
જે ચાર પ્રત્યેકબુદ્ધ એક સાથે જ સ્વર્ગમાંથી ચ્યવ્યા, સાથે જ દીક્ષા ગ્રહણ કરી, સાથે જ કેવળજ્ઞાન પામ્યા અને સાથે જ મોક્ષે ગયા, તેમનું સ્વરૂપ અહીં કહીએ છીએ -
=
तत्रादौ वृषभं वीक्ष्य, प्रतिबुद्धस्य धीनिधेः । करकंडुमहीजानेश्चरितं वच्मी तद्यथा ॥ १ ॥
--
ભાવાર્થ :- “તે ચાર પ્રત્યેક બુદ્ધોમાં પ્રથમ વૃષભને જોઈને પ્રતિબોધ પામેલા બુદ્ધિના ભંડારરૂપ કરકંડુરાજાનું ચરિત્ર કહીએ છીએ.” તે આ પ્રમાણે -