________________
૨૫૬
૨૫૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ ભાવાર્થ:- સીના કામભોગનું સુખ એ ક્ષણ માત્રનું છે અને તેમાં ઘણા કાળનું દુઃખ રહેલું છે, વળી તેમાં દુઃખ ઘણું છે અને સુખ સ્વલ્પ છે. સંસારથી મુક્ત થવાની ઈચ્છાવાળાને તે શત્રુભૂત છે તથા અનર્થની ખાણરૂપ છે.”
વળી હે પિતા! નિરંતર સંસારના કાર્યો કર્યા કરીએ, તો પણ જિંદગી પર્યત તેની સમાપ્તિ થતી નથી; માટે ધર્મમાં પ્રમાદ કરવો એ કેમ યોગ્ય કહેવાય? જે દિવસ ગયા તે ફરીને આવતા નથી. તેથી ધર્મ નહિ કરનારના દિવસો નિષ્ફલ જાય છે. વળી અધર્મનું મૂળ કારણ ગૃહસ્થાશ્રમ છે, માટે તેનો ત્યાગ કરવો તે જ કલ્યાણકારી છે.”
આ પ્રમાણેના પુત્રોના વચનથી પ્રતિબોધ પામીને ભૃગુ પુરોહિત બોલ્યો કે “હે પુત્રો! તમે કહ્યું તે સત્ય છે, પરંતુ હાલમાં આપણે ગૃહસ્થાશ્રમમાં રહીને તમે અને અમે સર્વે સાથે દેશવિરતિ ગ્રહણ કરીએ; પછી યૌવનાવસ્થા વ્યતિક્રમશે ત્યારે વૃદ્ધાવસ્થામાં આપણે સર્વે ચારિત્ર ગ્રહણ કરશું.” પુત્રો બોલ્યા કે “હે પિતા! જેને મૃત્યુની સાથે મિત્રાઈ હોય, અથવા જે મૃત્યુના પંજામાંથી નાસી શકે તેમ હોય અથવા જે એમ જાણે કે હું મરવાનો નથી તેને તેમ કરવું યોગ્ય છે; પણ તેવું તો કાંઈ પણ નથી. તેથી તેવું ધારનારને મૂર્ખ જાણવો; કેમકે મૃત્યુને નહિ આવવાનો કોઈપણ વખત નથી. તે તો તેને ગમે ત્યારે આવે છે, માટે આપણે આજે જ ધર્મને અંગીકાર કરીએ. વિષયાદિકના સુખ તો આપણે અનન્તીવાર પામ્યા છીએ.” ઈત્યાદિ પુત્રોના વચન સાંભળીને વ્રતની ઈચ્છાવાળો થયેલો ભૂગુ પોતાની સ્ત્રીને ધર્મમાં વિઘ્ન કરનાર જાણીને તેના પ્રત્યે બોલ્યો કે “હે વસિષ્ઠગોત્રમાં ઉત્પન્ન થયેલી સ્ત્રી ! આ પુત્રો વિના મારે ગૃહસ્થાશ્રમમાં રહેવું યોગ્ય નથી. જેમ શાખા વિનાના વૃક્ષ અને ભૂત્ય વિનાનો રાજા શોભતો નથી, તેમ હું પણ પુત્રરહિત શોભતો નથી; માટે હું તેમની સાથે દીક્ષા લેવા ઈચ્છું છું.” તે સાંભળીને યશા બોલી કે “હે સ્વામી ! આ પ્રત્યક્ષ મળેલા કામભોગો તજવા યોગ્ય નથી. દીક્ષા ગ્રહણ કરવી તે બીજા ભવમાં ભોગ મેળવવાની ઈચ્છાથી છે, તે ભોગ તો આ જન્મમાં જ પ્રાપ્ત થયા છે; તો પછી દીક્ષા શા માટે ગ્રહણ કરવી?” ત્યારે ભૃગુ બોલ્યો કે “હે પ્રિયા ! હું અસંયમરૂપ જીવિતને માટે એટલે કે પરલોકના સુખને માટે દીક્ષા ગ્રહણ કરતો નથી, પણ સંયમ વિનાનું જીવિત નિષ્ફળ છે, માટે જ હું ભોગોને તજું છું. વળી જીવિત, મરણ, લાભ, અલાભ, સુખ અને દુઃખ વગેરેમાં સમપણાની ભાવના કરીને મુક્તિ મેળવવા માટે જ દીક્ષા લેવી યોગ્ય છે.” આ પ્રમાણેના વાક્યથી પ્રતિબોધ પામેલી તે બોલી કે “આપણા પુત્રોને ધન્ય છે કે જેઓ આપણી પહેલા જ વ્રત લેવાની ઈચ્છાવાળા થયા. તેઓની સ્થિરતા જ આપણને પણ ધર્મ આપનાર થઈ છે.” આ પ્રમાણે સર્વ પ્રતિબોધ પામવાથી ચાર જણાએ સાથે દીક્ષા ગ્રહણ કરી.
આ વૃત્તાંત સાંભળીને ઈષકાર રાજા ભૃગુએ ત્યાગ કરેલા તેના ગૃહાદિકનું ગ્રહણ કરવા માટે તેને ઘેર આવ્યો. તે વખતે તેની કમળા નામની રાણી રાજાને વારંવાર કહેવા લાગી કે “બ્રાહ્મણે વમન કરેલા ગૃહના સારને તમે ખાવા ઈચ્છો છો; તેથી તમે વમનનું ભક્ષણ કરનારા