________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૨૧૯
પછી ફરીથી રાજાએ નટગામમાં હુકમ મોકલ્યો કે “તમારા ગામના કૂવાનું પાણી ઘણું સારું છે, માટે તે કૂવો અહીં જલદીથી મોકલો.” ત્યારે લોકોએ રોહકની બુદ્ધિથી રાજાને વિજ્ઞપ્તિ કરી કે “હે દેવ ! ગામડીઓ કૂવો સ્વભાવથી જ બીકણ હોય છે, માટે નગરનો માર્ગ બતાવનાર એક અહીંનો (નગરનો) કૂવો ત્યાં મોકલો, કે જેથી તે કૂવાની સાથે અમારો ગામડીયો કૂવો આવી શકે.” તે સાંભળીને રાજા મૌન રહ્યો.
અન્યદા રાજાએ આદેશ કર્યો કે “અગ્નિના સંબંધ વિના ખીર રાંધીને મોકલો.” ત્યારે લોકોના પૂછવાથી રોહકે તેમને કહ્યું કે “ચોખાને ઘણા જળમાં પલાળીને સૂર્યના કિરણથી તપાવી કરીષ અને પલાલ વગેરે ઘાસની બાફમાં તે ચોખા ને દૂધથી ભરેલી તપેલી મૂકો; જેથી ખીર થઈ જશે.' લોકોએ તે પ્રમાણે કરીને ખીર રાજાને મોકલાવી. તે જોઈને રાજા અતિ વિસ્મય પામ્યો.
પછી રોહકની બુદ્ધિનું અતિશયપણું જાણીને તેને પોતાની પાસે આવવાની આજ્ઞા કરવા સાથે કહેવરાવ્યું કે “શુક્લપક્ષમાં કે કૃષ્ણપક્ષમાં આવવું નહીં, રાત્રે અથવા દિવસે આવવું નહીં, છાયામાં અથવા તડકે આવવું નહીં, અદ્ધર રહીને અથવા પગે ચાલીને આવવું નહીં, માર્ગે કે ઉન્માર્ગે આવવું નહીં અને સ્નાન કરીને કે સ્નાન કર્યા વિના આવવું નહીં.” આ પ્રમાણેનો હુકમ સાંભળીને રોહકે કંઠ સુધી સ્નાન કર્યું અને ગાડાના પૈડાંના બે ચીલાના મધ્ય ભાગને રસ્તે, નાના ઘેટા ઉપર બેસીને માથે ચાલણીનું છત્ર ધારણ કરીને, સંધ્યા સમયે અમાવાસ્યા ઉપરાંત પડવાને દિવસે તે રાજાની પાસે ગયો. ત્યાં “ખાલી હાથે રાજાનું દેવનું અને ગુરુનું દર્શન કરવું નહીં” એવી લોકશ્રુતિ જાણીને માટીનો એક પિંડ હાથમાં રાખીને રાજાને પ્રણામ કરી તે પિંડ રાજાની પાસે ભેટ તરીકે ધર્યો. રાજાએ પૂછ્યું કે “હે રોહક ! આ તું શું લાવ્યો ?” તેણે જવાબ આપ્યો કે “હે દેવ તમે પૃથ્વીના પતિ છો, તેથી હું પૃથ્વી લાવ્યો છું.” તે સાંભળીને રાજા પ્રસન્ન થયો.
-
તે રાત્રે રાજાએ રોહકને પોતાની પાસે સુવાડ્યો. રાત્રીનો પહેલો પ્રહર ગયો ત્યારે રાજાએ તેને બોલાવ્યો કે “અરે રોહક ! તું જાગે છે કે ઊંઘે છે ?” તે બોલ્યો કે “દેવ જાગું છું.” રાજાએ પૂછ્યું કે “શું વિચાર કરે છે ?” રોહક બોલ્યો કે “હે દેવ ! હું એવો વિચાર કરતો હતો કે પીપળાના પાંદડાનું ડીંટ મોટું કે તેની શિખા મોટી ?’ તે સાંભળીને રાજાને પણ સંશય થયો. તેથી તેણે કહ્યું કે “તેં ઠીક વિચાર કર્યો. પણ તેનો નિર્ણય શો કર્યો ?' તે બોલ્યો કે “જ્યાં સુધી શિખાનો અગ્ર ભાગ સૂકાઈ ન જાય ત્યાં સુધી બન્ને સરખાં હોય છે.”
પછી બીજો પ્રહર પૂર્ણ થતાં રાજાએ પૂછ્યું કે “અરે જાગે છે કે ઊંધે છે ?’’ રોહક બોલ્યો કે “દેવ ! જાગું છું.” રાજાએ પૂછ્યું કે “શું વિચાર કરે છે ?” ત્યારે તે બોલ્યો કે હે દેવ ! બકરીના પેટમાંથી જાણે સરાણે ઉતારેલી હોય તેવી તેની લીંડીઓ બરાબર ગોળ થઈને બહાર નીકળે છે, તેનું શું કારણ ?” રાજાએ રોહકને જ તેનું કારણ પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે “બકરીના ઉદરમાં સંવર્તક નામનો વાયુ રહે છે, તેના પ્રભાવથી લીંડીઓ એવી ગોળ થાય છે.”