________________
૨૫૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
યશોભદ્રસૂરિની કથા
પલ્લીપુરીમાં જ્યારે શ્રી યશોભદ્રમુનિને આચાર્યપદવી મળી, તે વખતે તેણે જીવિત પર્યંત હમેશાં આઠ કવળ વડે જ આયંબિલ કરવાનો અભિગ્રહ લીધો. એવો નિયમ ધારણ કરીને ઈર્યાસમિતિપૂર્વક માર્ગમાં વિચરતા તે સૂરિને એક મહિમાવાળી સૂર્યની પ્રતિમાએ જોઈને મનમાં વિચાર્યું કે “અહો ! આ સૂરિ જો મારા ભવનમાં પધારે તો મારો જન્મ સફળ થાય.” એમ વિચારીને સૂર્ય આકાશમાં વાદળાં વિકુર્તીને જળની વૃષ્ટિ કરવા માંડી. તે વખતે ‘મારાથી અપ્લાયની વિરાધના ન થાઓ.' એમ ધારીને સૂરિએ સમીપ હોવાથી તે સૂર્યના જ ચૈત્યમાં પ્રવેશ કર્યો. તે સૂરિના તપના પ્રભાવથી સૂર્યે પ્રત્યક્ષ થઈને વરદાન માગવાનું કહ્યું, કેમકે દેવનું દર્શન નિષ્ફળ હોતું નથી; તો પણ ઈચ્છારહિત સૂરિ કાંઈપણ માગ્યા વિના જ પોતાના ઉપાશ્રયે ગયા. ત્યારે સૂર્યે બ્રાહ્મણનું રૂપ લઈને સ્વર્ગ-નરકાદિકમાં રહેલા સર્વ જીવોને જોઈ શકાય તેવી એક અંજનની શીશી તથા એક દિવ્ય પુસ્તક સૂરિને આપ્યું. તે પુસ્તક માત્ર વાંચવાથી સૂરિને સર્વ વિદ્યાઓ પાઠસિદ્ધ થઈ ગઈ.
પછી ‘આ વિદ્યાઓ પાશ્ચાત્ય મુનિઓને અયોગ્ય છે' એમ વિચારીને સૂરિએ પોતાના શિષ્ય બલભદ્રમુનિને બોલાવીને કહ્યું કે ‘આ પુસ્તકને ઉઘાડ્યા વિના જ એમ ને એમ સૂર્યના ચૈત્યમાં જઈને તેને આપી આવ. કહેજે કે મારા ગુરુને તમે જે થાપણ આપી હતી તે પાછી લ્યો.’
એ પ્રમાણે કહીને ગુરુએ બલભદ્રમુનિને મોકલ્યા. ગુરુએ તે પુસ્તક ઉઘાડવાની સખત મના કરી હતી, તો પણ તેણે ત્યાં જઈને ચૈત્યની બહાર તે પોથી છોડીને તેમાંથી મંત્રોની આમ્નાયના ત્રણ પાના ચોરીને ગુપ્ત રાખ્યાં. પછી ચૈત્યમાં જઈને સૂર્યની પ્રતિમાને ગુરુનું વચન કહી તે પુસ્તક આપ્યું. એટલે તે પ્રતિમાએ પણ હાથ લાંબો કરીને તે લઈ લીધું. પછી બળભદ્રમુનિ ચૈત્યની બહાર આવીને જુએ છે તો સંતાડેલાં પાના જોયાં નહીં; તેથી તે પોતાના આત્માને ઉપાલંભ દેવા લાગ્યાં કે “મને ધિક્કાર છે, કેમકે મેં ગુરુની આજ્ઞા ઉલ્લંઘી અને સંતાડેલા પત્ર પણ કોણ જાણે ક્યાં ગયાં?” એમ ખેદ કરતાં તેના નેત્રોમાં અશ્રુ ભરાઈ ગયા. તે જોઈને સૂર્યે તેને કહ્યું કે “હે મુનિ! શા માટે ખેદ કરો છો ? લ્યો આ ત્રણ પત્રો, તે વડે શાસનની ઉન્નતિ વધારજો.' તે લઈને તેણે તે ત્રણ પત્રોમાં રહેલી વિદ્યાને પાઠમાત્રથી જ સિદ્ધ કરી લીધી.
એકદા ગુરુ બહિર્ભૂમિ (સ્થંડિલ) ગયા હતા અને પ્રાસુક જળને તેને માટે રહેલા કાળથી કાંઈક અધિક કાળ સુધી પ્રાસુક રાખવા માટે બકરાની લીંડીઓ આણી રાખેલી પાસે પડી હતી. તે વખતે બલભદ્રમુનિએ ભૂલી ન જવાય તેટલા માટે સંજીવની વિદ્યાની આવૃત્તિ કરી. તે વિદ્યાના પ્રભાવથી જેટલી લીંડીઓ હતી તેટલા બકરા-બકરીઓ થઈ ગયાં; તેવામાં ગુરુ બહિર્ભૂમિથી આવ્યા. ઉપાશ્રયમાં બકરાંઓનો ધૂત્કાર શબ્દ સાંભળીને ગુરુએ બળભદ્ર મુનિને ઉપાલંભ આપ્યો. ત્યારે તે મુનિએ કહ્યું કે “હે ગુરુ ! થયું ન થયું થવાનું નથી. હવે હું શું કરું ? આપ આજ્ઞા આપો.”