________________
૨૪૮,
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ ત્યાગ કર્યો છે. તમારો વિરહ એક ક્ષણ પણ હું સહન કરી શકું તેમ નથી.” તે સાંભળીને કામ પાળે મોહને લીધે તેનું વચન સત્ય માન્યું અને જવાનો વિચાર બંધ રાખ્યો; કેમકે “લીલાવાળી સ્ત્રીઓના સ્વાભાવિક વિલાસો પણ મૂઢ પુરુષના હૃદયમાં સ્ફરસાયમાન થયા કરે છે. કમળ ઉપર સ્વાભાવિક રાગ હોવાથી ત્યાં ભમરાઓ વૃથા ભ્રમણ કર્યા કરે છે.”
અન્યદા હોલિકાએ કહ્યું કે “હે પ્રિય ! મેં સર્વ વિચાર કર્યો, પણ મારા પિતાના ઘર સિવાય બીજો કોઈ સ્થાને ધનનો લાભ જણાતો નથી.” ત્યારે કામપાળ બોલ્યો કે “આપણે મોટું અકાર્ય કરીને નીકળી ગયા, તેથી હવે પાછું ત્યાં શી રીતે જવાય ?” તે બોલી કે “હું એવી દંભરચના કરીશ કે જેથી પિતા વગેરે સર્વજનો અનુકૂળ થશે. આપણે નીકળ્યા પછી તે ગામમાં મહાપૂજ્ય અને માન્ય એવું હોલીનું પર્વ લોકોમાં પ્રસર્યું છે, માટે ત્યાં જ જવું યોગ્ય છે.” એમ વિચારીને તે બન્ને જયપુર ગામની નજીક આવ્યા. પછી હોલિકાએ કામપાળને કહ્યું કે “તમે મારા બાપની દુકાને જઈને એમ કહો કે “હે શેઠ! મારી સ્ત્રીને માટે એક સાડી મૂલ્ય લઈને આપો.” તે સાંભળીને કામપાળ મનોરથ શેઠની દુકાને જઈને તેની પાસેથી મૂલ્ય આપીને એક સાડી લઈ હોલિકા પાસે આવ્યો.
તે સાડી જોઈને હોલિકાએ કહ્યું કે “આવી સાડી શું કામની? બીજી સારી લઈ આવો.” એટલે કામપાળે ફરીથી જઈને બીજી સાડી લાવી બતાવી, તે સાડી પણ હોલિકાએ પાછી મોકલી. ત્યારે મનોરથ શેઠે કહ્યું કે “તમે વારંવાર જાવ-આવ કરો છો તે કરતાં તમારી સ્ત્રીને જ અહીં લાવો, એટલે તેને ગમે તેવી સાડી લઈ લે.” તે સાંભળીને કામપાળે હોલિકાને જઈને તે શેઠને વાક્ય કહ્યું, એટલે તરત જ હોલિકા શેઠને હાટે ગઈ. ત્યાં તે બીજી બીજી સાડીઓ જોવા લાગી. તે વખતે શેઠ અનિમેષ દૃષ્ટિએ તે હોલિકાની સામું વારંવાર જોવા લાગ્યો. એટલે પ્રથમથી શિખવી રાખ્યા પ્રમાણે કામપાળ બોલ્યો કે “હે શેઠ! તમે સુપાત્ર થઈને પરસ્ત્રીના સામું કેમ જોયા કરો છો ?” શેઠે કહ્યું કે “હું કામના વિકારથી જોતો નથી, પણ મારી પુત્રીના જેવું આનું રૂપ લાવણ્ય જોઈને મને વિચાર થયો કે શું તે જ મારી પુત્રી ફરીથી મનુષ્યરૂપે અહીં આવી છે? કેમકે તે તો અગ્નિમાં પ્રવેશ કરીને સતી થઈ છે.”
કામપાળ બોલ્યો કે “આ સ્ત્રીનું નામ પણ હોલિકા જ છે પણ આ તો મારી પત્ની છે.” આ પ્રમાણેના ભ્રમથી જ પૂર્વે મેં પણ સૂર્યચૈત્યમાં મારી પત્ની ધારીને તમારી પુત્રીને આલિંગન કર્યું હતું. આજે તમને પણ મારી પત્ની ઉપર પોતાની પુત્રીનો ભ્રમ થયો, પણ સરખાં રૂપ-લાવણ્યવાળાં ઘણા સ્ત્રી-પુરુષો આ દુનિયામાં હોય છે, તેમાં તમારો કાંઈ દોષ નથી,” તે સાંભળીને શેઠે સ્નેહથી તે બન્નેને પુત્રી તથા જમાઈ કરીને ઘેર રાખ્યા. અહો ! સ્ત્રીઓની ગૂઢમતિ હોય છે ! કહ્યું છે કે
लब्भइ वारिहि पारं, लब्भइ पारं च सव्वसत्थाणं । महिलाचरियाणं पुणो, पारं न लहेइ बंभा वि ॥१॥