________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫
૨૩૭ તે સાંભળીને દાસીએ વૃદ્ધ વેશ્યાને તે શ્રીદત્તનું વચન જણાવ્યું. એટલે વૃદ્ધ વેશ્યાએ રાજા પાસે જઈ પોકાર કરીને કહ્યું કે “હે સ્વામી ! હું છેતરાણી છું. શ્રીદત્ત સુવર્ણરેખાને લઈ જઈને ક્યાંક સંતાડી દીધી છે.”
તે સાંભળીને રાજાએ શ્રીદત્તને બોલાવીને પૂછ્યું ત્યારે “હું સત્ય વાત કહીશ તો કોઈ માનશે નહીં.” એમ જાણીને તેણે કાંઈપણ જવાબ આપ્યો નહીં. તેથી રાજાએ તેને કારાગૃહમાં નાંખ્યો અને તેની પુત્રીને દાસી કરવાના હેતુથી પોતાને ઘેર રાખી. પછી કારાગૃહમાં રહેલા શ્રીદત્તે વિચાર્યું કે “સત્ય વાત કહેવાથી જ કોઈપણ રીતે હું છૂટી શકીશ.” એમ ધારીને કારાગૃહના રક્ષક દ્વારા તેણે રાજાને વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામી ! હું સત્ય વાત કહું છું.” ત્યારે રાજાએ તેને સભામાં બોલાવ્યો. એટલે તેને વાનર ઉપાડી ગયા સંબંધી વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળીને સર્વ જન હસવા લાગ્યા-અહો ! કેવું સત્ય બોલ્યો? કહ્યું છે કે :
असंभाव्यं न वक्तव्यं, प्रत्यक्षं यदी दृश्यते ।
यथा वानरगीतानि, तथा तरति सा शिला ॥१॥ ભાવાર્થ - “જો કે પ્રત્યક્ષ જોયેલ હોય તો પણ અસંભવિત વાત બોલવી નહીં. જેવી રીતે વનમાં વાનરાઓ ગીત ગાય છે એ અસંભવિત હતું, તેમ જળમાં શિલા તરે તે પણ અસંભવિત છે.” આ દાંત અન્ય સ્થળેથી જાણી લેવું.
પછી તે સાંભળીને “આ વણિક હજુ પણ સત્ય બોલતો નથી.” એમ ધારીને ક્રોધ પામેલા રાજાએ તેને મારવાનો હુકમ કર્યો એટલે શ્રીદત્તે વિચાર્યું કે “પૂર્વે કરેલા અશુભ કર્મનો ઉદય થયો છે. તો હવે ખેદ કરવાથી શું થાય ?” તે અવસરે ઉદ્યાનપાળે આવીને રાજાએ કહ્યું કે “હે દેવ ! ઉદ્યાનમાં મુનિચંદ્ર કેવળી પધાર્યા છે.” તે સાંભળીને રાજા પરિવાર સહિત ઉદ્યાનમાં ગયો. મુનિને વાંદીને રાજાએ દેશનાની યાચના કરી. ત્યારે કેવળી બોલ્યા કે “હે રાજા ! સત્યવાદી શ્રીદત્તને મારવાનો તે હુકમ આપ્યો છે તે તને ધર્મશ્રવણની અભિલાષાવાળાને યોગ્ય નથી.”
તે સાંભળીને રાજા લજ્જા પામ્યો. પછી શ્રીદત્તને બોલાવી પોતાની પાસે બેસાડીને રાજા તેનું સ્વરૂપ પૂછતો હતો. તેવામાં તે વાનર સુવર્ણરેખાને પૃષ્ઠ પર રાખીને ત્યાં આવ્યો અને પૃષ્ઠ પરથી તેને ઉતારીને તે સભામાં બેઠો. તે જોઈને સર્વ માણસો આશ્ચર્ય પામી શ્રીદત્તની પ્રશંસા કરવા લાગ્યા. પછી શ્રીદત્તે કેવળીને પૂછયું કે “હે સ્વામી! કયા કર્મને લીધે મને માતા તથા પુત્રી સાથે વિષયની અભિલાષા થઈ?” મુનિ બોલ્યા કે “પૂર્વના સંબંધથી થઈ છે, તે હકીકત સાંભળકાંપિલ્યપુરમાં ચૈત્ર નામનો એક બ્રાહ્મણ હતો. તેને ગૌરી અને ગંગા નામની બે સ્ત્રીઓ હતી તે એકદા મૈત્ર નામના મિત્રની સાથે ભિક્ષાવૃત્તિને માટે કોકણ દેશમાં ગયો. ત્યાં બન્ને મિત્રોએ ઘણું ધન મેળવ્યું. એકદા ચૈત્રને સૂતેલો જોઈને મૈત્રે વિચાર્યું કે “આને હણીને હું સર્વ ધન લઈ લઉં.”