________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૨૩૮
ફરીથી પાછો તેને વિચાર થયો કે “મને વિશ્વાસઘાતીને ધિક્કાર છે !”
એમ વિચારીને તે પાછો સ્વસ્થ થયો. પછી બન્ને મિત્રો લોભથી ભમતા ભમતા એક વનમાં પેઠા, તે વનમાં વૈતરણી નદી હતી. તેની ખબર નહીં હોવાથી તે બન્ને તેને ઉતરવા લાગ્યા, એટલે તેમાં બૂડીને મરણ પામ્યા. ત્યાંથી અનેક ભવમાં ભ્રમણ કરીને ચૈત્રનો જીવ તું થયો, અને મૈત્રનો જીવ શંખદત્ત થયો. તે શંખદત્તે પૂર્વભવે તને મારવાનું ધાર્યું હતું. તે કર્મથી તેં તેને આ જન્મમાં સમુદ્રમાં નાખ્યો. ચૈત્રની સ્ત્રીઓ જે ગૌરી અને ગંગા હતી તે પતિના વિયોગથી વૈરાગ્ય પામીને તાપસણી થઈ. એકદા ગૌરીએ અતિ તૃષા લાગવાથી સેવા કરનારી પાસે પાણી માગ્યું. તે વખતે તે દાસીને નિદ્રા આવતી હતી. તેથી આળસને લીધે તેણે ઉત્તર આપ્યો નહીં. ત્યારે ગૌરી ક્રોધથી બોલી કે ‘અરે ! શું તને સાપ કરડ્યો છે કે મરેલા જેવી થઈને ઉત્તર પણ આપતી નથી ?' તે વચન વડે ગૌરીએ દૃઢ પાપકર્મ બાંધ્યું. ગંગાએ પણ એકદા પોતાની કામ કરનારીને કાંઈ કાર્ય માટે મોકલી હતી, તે બહુવારે પાછી આવી ત્યારે ગંગાએ તેને કહ્યું કે “અરે ! આટલી વાર તને કોઈએ બંદીખાને નાંખી હતી ?”
એમ બોલતાં તે ગંગાએ પણ દુષ્ટ કર્મ બાંધ્યું. ત્યારપછી એક દિવસ કોઈ વેશ્યાને ઘણા પુરુષો સાથે વિલાસ કરતી જોઈને ગંગાએ વિચાર્યું કે “આ વેશ્યાને ધન્ય છે કે જે ભ્રમરોથી પુષ્પલત્તાની જેમ અનેક કામી પુરુષોથી વીંટાયેલી છે, હું તો મંદભાગી છું કે જેનો પતિ પણ તજીને દૂર દેશ ગયો છે.” આવા વિચારથી તેણે દુષ્ટ કર્મ ઉપાર્જન કર્યું. ત્યાંથી મરણ પામીને તે બન્ને જ્યોતિષી થઈ. ત્યાંથી ચ્યવીને ગૌરીનો જીવ તારી પુત્રી થયો અને ગંગાનો જીવ તારી માતાપણે ઉત્પન્ન થયો. તેમની સાથે પૂર્વભવે પત્નીનો સંબંધ હોવાથી તને તેના પર કામરાગ ઉત્પન્ન થયો.”
આ પ્રમાણેનું સંસારનું સ્વરૂપ સાંભળીને વૈરાગ્ય પામેલો શ્રીદત્ત બોલ્યો કે “હે સ્વામી! મને પાપીને મારા મિત્રનો મેળાપ થશે કે નહીં ?” ગુરુએ કહ્યું કે “ખેદ ન કર, એક ક્ષણવારમાં જ તે અહીં આવશે.” એમ વાતો કરે છે તેવામાં ત્યાં શંખદત્ત આવ્યો. શ્રીદત્તને ત્યાં બેઠેલો જોઈને શંખદત્તની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. તે જોઈને ગુરુએ શંખદત્તને કહ્યું કે ‘હે ભદ્ર ! કોપ ન કર, કેમકે ક્રોધરૂપી અગ્નિથી ગુણરૂપી રત્નો બળી જાય છે. તે અગ્નિને જે ઉપશમરૂપી જળ વડે બૂઝાવતો નથી તે સેંકડો દુ:ખ સહન કરે છે, દેહરૂપી ઘરમાં ક્રોધરૂપી અગ્નિ પ્રવેશ કરે છે, ત્યારે ત્રણ દોષ (ત્રિદોષ) ઉત્પન્ન કરે છે. પોતાને તપાવે, પરને તપાવે અને પરસાથેના સ્નેહનો નાશ કરે.”
તે સાંભળીને શંખદત્ત કાંઈક શાંતચિત્ત થયો. પછી શ્રીદત્તે ઉઠીને તેને પોતાની પાસે બેસાડી કેવળી પ્રત્યે પૂછ્યું કે “આ મારો મિત્ર સમુદ્રમાંથી શી રીતે નીકળીને અહીં આવ્યો ?” ગુરુ બોલ્યા કે “સમુદ્રમાં તેને એક કાષ્ઠનું પાટીયું હાથમાં આવ્યું તેને આધારે તરીને તે સાત દિવસે સારસ્વતનગર પાસે નીકળ્યો. ત્યાં તેને તેનો મામો મળ્યો. તેણે તેને સ્વસ્થ કર્યો. પછી તેણે તેના