________________
૨૩૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ પછી તે સર્વે સામન્તાદિક સૈન્ય સહિત અયોધ્યા તરફ આવતાં તેમણે વિચાર્યું કે “સ્વામીના સર્વે પુત્રો ભસ્મ થયા અને આપણે અક્ષત શરીરવાળા આવ્યા તે ઘણું જ લજજાસ્પદ છે, તેથી ચક્રીની પાસે આપણાથી આ વાત શી રીતે કહેવાશે ?' એમ વિચારીને તેઓ નિરંતર શોકાતુર રહેતા હતા. તે વૃત્તાંત જાણીને કોઈ એક બ્રાહ્મણે તેમને તે હકીકત પૂછી, એટલે તેઓએ સર્વ વાત કહી બતાવી. તે સાંભળીને પેલા બ્રાહ્મણે તેમને કહ્યું કે તમારે કાંઈ ફિકર કરવી નહીં, હું રાજાને એ વાત નિવેદન કરીશ.”
પછી તે બ્રાહ્મણ કોઈ અનાથ મડદું ઉપાડીને રાજમંદિર પાસે લઈ ગયો. ત્યાં તે શબને મૂકીને મોટે સ્વરે વિલાપ કરવા લાગ્યો. તે સાંભળીને ચક્રીએ તેને રોવાનું કારણ પૂછ્યું, ત્યારે તે બ્રાહ્મણ બોલ્યો કે “મારે આ એક જ પુત્ર છે. તેને મોટો સર્પ ડસ્યો છે. તેથી તે નિશ્રેષ્ટ થઈ ગયો છે. માટે હે દેવ! તમે તેને જીવાડો.” તે સાંભળીને રાજાએ વિષવૈદ્યોને બોલાવી તેનો ઉપાય કરવા ફરમાવ્યું. તેવામાં કોઈ માણસે ત્યાં આવીને કહ્યું કે “જેના ઘરમાં આજ સુધી કોઈ માણસ મરણ પામ્યું ન હોય તેના ઘરમાંથી ભસ્મ લાવો, તો હું આને જીવતો કરું.”
તે સાંભળીને રાજાએ આખા નગરમાં સર્વે ઘેર તેની ભસ્મ લાવવાને માટે માણસો મોકલ્યા. તેઓ પાછા આવીને બોલ્યા કે “હે સ્વામી! અમે આખી નગરી જોઈ, પણ જ્યાં કોઈ માણસ મરણ પામ્યું ન હોય એવું એક પણ ઘર મળ્યું નહીંતે સાંભળી ચક્રી પણ બોલ્યા કે “અમારા ઘરમાં પણ ઘણા પૂર્વજો મરણ પામેલા છે, તો સર્વને વિષે સામાન્ય રીતે પ્રવર્તનારું જે મૃત્યુ તેની પ્રાપ્તિથી હે બ્રાહ્મણ ! તું શા માટે ખેદ કરે છે? મરેલા પુત્રનો તું શા માટે શોક કરે છે? શોક તજી દઈને કાંઈક આત્મસાધન કર, કેમકે તું પણ અજરામર નથી.”
તે સાંભળી પેલો બ્રાહ્મણ બોલ્યો કે “હે દેવ ! તે સર્વે હું જાણું છું, પણ આ પુત્ર વિના આજે જ મારા કુળનો ક્ષય થશે, માટે તે સ્વામી! કોઈપણ પ્રકારે આને જીવાડીને મને પુત્રભિક્ષા આપો.” રાજા બોલ્યો કે “હે બ્રાહ્મણ ! મંત્ર, તંત્ર તથા શાસ્ત્રોને અગોચર અને અદશ્ય શત્રુરૂપ વિધિના ઉપર કયો પંડિત પુરુષ પણ પરાક્રમ કરી શકે? કોઈ ન કરી શકે, માટે તું શોકને તજી દે.” બ્રાહ્મણ બોલ્યો કે “સ્વામી ! સર્વ વસ્તુનો વિરહ સહન થઈ શકે છે, પણ કુળનો ઉદ્યોત કરનાર પુત્રનો વિરહ કોઈ સહન કરી શકતું નથી.” ચક્રીએ કહ્યું કે “અનન્તા ભવોમાં અનંતા પુત્રો થયા છે. પોતે પણ અનંતીવાર અનંત કુળોમાં પુત્રપણે ઉત્પન્ન થયો છે. તેમાં કોનું કુળ દીપાવ્યું અને કોનું નહીં ? માટે હે બ્રાહ્મણ ! ફોગટ શા માટે શોક કરે છે? કહ્યું છે કે –
अशरण्यमहो विश्वमराजकमनायकम् ।
यदेतदप्रतीकारं ग्रस्यते यमरक्षसा ॥१॥ ૧. આ બ્રાહ્મણનું રૂપ લઈને આવેલ સૌધર્મેન્દ્ર હતા એમ અન્યત્ર કહેલું છે.