________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫
૨૩૧
“અહો ! આ વિશ્વ શરણ વિનાનું, રાજા વિનાનું અને નાયક વિનાનું છે. કેમકે જેનો કાંઈ ઉપાય જ નથી, એવી રીતે આ વિશ્વને યમરૂપી રાક્ષસ ગળી જાય છે.”
योऽपि धर्मप्रतीकारो, न सोऽपि मरणं प्रति ।
शुभां गतिं ददानस्तु, प्रतिकर्तेति कीर्त्यते ॥२॥
જે ધર્મરૂપ ઉપાય છે તે પણ મરણનો ઉપાય નથી; પરંતુ તે શુભ ગતિને આપનાર છે માટે તેની પ્રશંસા થાય છે.”
તે સાંભળીને બ્રાહ્મણ બોલ્યો કે “હે સ્વામી ! બીજાને દુઃખી જોઈને ઘણા લોકો વૈરાગ્યનું વર્ણન કરે છે, પણ જ્યારે તેવું દુઃખ પોતાને જ પ્રાપ્ત થાય ત્યારે જેનું ચિત્ત સ્થિરતા ન મૂકે તે જ પ્રશસ્ય કહેવાય.” ચક્રીએ કહ્યું કે “જેઓ પોતાનું વચન પાળે નહીં તેઓને માયાવી જ જાણવા.” બ્રાહ્મણ બોલ્યો કે “ત્યારે તે રાજા ! તમારા સાઠ હજાર પુત્રો એક જ સમયે મૃત્યુ પામ્યા છે, માટે તમે પણ શોક કરશો નહીં.” તે સાંભળીને એકદમ બ્રાંતિમાં પડેલો રાજા કાંઈક વિચાર કરે છે, તેટલામાં તો પ્રથમથી સંકેત કરી રાખેલા તે સામન્તાદિકે આવીને સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને ચક્રી જાણે વજથી હણાયો હોય તેમ તત્કાળ મૂછ પામીને પૃથ્વી પર પડ્યો. પછી સેવકોના કરેલા અનેક ઉપચારોથી સાવધ થયો છતાં અનેક પ્રકારે વિલાપ કરવા લાગ્યો. ત્યારે તે બ્રાહ્મણ બોલ્યો કે “હે સ્વામી ! મને શોક' કરવાનો નિષેધ કરીને અત્યારે આપ જ કેમ શોક કરો છો? વિયોગ કોને દુસહ ન હોય? પરંતુ જેમ વડવાગ્નિને સમુદ્ર સહન કરે છે તેમ ધીર પુરુષ તેવા વિરહના દુઃખને સહન કરે છે. બીજાને શિખામણ આપવી ત્યારે જ શોભે છે કે જ્યારે સમય આવે ત્યારે પોતાના આત્માને પણ શિખામણ આપે.” આ પ્રમાણેના તે બ્રાહ્મણના વાક્યોથી બહુવારે ચક્રીએ પૈર્ય લાવીને તે પુત્રોની ઉર્ધ્વદેહી ક્રિયા કરી.
એવા અવસરે અષ્ટાપદ પાસેના પ્રદેશોમાં રહેનારા મનુષ્યોએ આવીને ચક્રીને વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામી ! આપના પુત્રોએ જે ગંગાનદીનો પ્રવાહ અષ્ટાપદની ખાઈમાં લાવીને નાખ્યો છે તે ખાઈને પૂર્ણ કરીને હવે ગામોને ડૂબાડવા લાગ્યો છે. માટે તેનું નિવારણ કરી અમારું રક્ષણ કરો.” તે સાંભળીને રાજાએ જહૂનુના પુત્ર ભગીરથને તે કાર્ય માટે આજ્ઞા કરી; તેથી ભગીરથે ત્યાં જઈને અઠ્ઠમ તપ કરવા વડે સર્પરાજને પ્રસન્ન કરી તેની આજ્ઞાથી દંડ વડે ખેંચીને તે પ્રવાહને ગંગાનદીમાં પાછો લઈ જઈ પૂર્વ તરફના સમુદ્રમાં ઉતાર્યો. ત્યારથી ગંગા અને સાગરના સંગમનું તે સ્થળ તીર્થરૂપ થયું અને ગંગા નદી પણ જહુનુના લઈ જઈ જવાથી જાહ્નવી અને ભગીરથે તેને સમુદ્રમાં ઉતારી, તેથી ભાગીરથી એવા નામથી પ્રસિદ્ધ થઈ. પછી ભગીરથે પાછા આવીને મોટા ઉત્સવથી અયોધ્યામાં પ્રવેશ કર્યો.
ત્યાર પછી ચક્રીએ શત્રુંજયગિરિનો સાતમો ઉદ્ધાર કરી અજિતનાથ સ્વામી પાસે દીક્ષા લઈ ઉગ્ર તપ કર્યું. અનુક્રમે કેવળજ્ઞાન પામીને બોતેર લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષપદને પામ્યા.
ઉ.ભા.૫-૧૬