________________
૨૨
~
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ વળી શિષ્ય કહે છે કે “જ્યારે પ્રસન્નચંદ્રાદિકે જે કર્મ રસવાળું બાંધ્યું હતું તે કર્મને નીરસપણે ભોગવ્યું ત્યારે તો પૂર્વની જ જેમ કૃતનાશ અને અકૃતાગમ નામના બને દોષો પ્રાપ્ત થયા.”
ગુરુ તેનો ખુલાસો આપે છે કે – “તથા પ્રકારના ઉત્તમ પરિણામથી જો કર્મના રસ ક્ષય પામે તો તેમાં શું અનિષ્ટ થયું? જેમ સૂર્યના ઉગ્ર તાપથી ઈશુના સાંઠામાં રહેલો રસ સૂકાઈ જાય, તો તેમાં કૃતનો નાશ ને અકૃતનો આગમ શું થયો? હે બુદ્ધિમાન્ ! તે તું કહે. વળી જો કદાચ જે કર્મ જેવી રીતે બાંધ્યું તેવી જ રીતે અવશ્ય ભોગવવું પડતું હોય તો પાપનો ક્ષય નહીં થતો હોવાથી સર્વ તપનો વિધિ વ્યર્થ થશે, તેમજ તે જ ભવમાં સિદ્ધિ પામનારા જીવોને પણ કર્મ અવશેષ રહેશે એટલે કોઈની પણ મુક્તિ થશે નહીં, માટે કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળું કર્મ પણ પ્રદેશ કરીને નીરસપણે ભોગવાય છે એમ માનવું.”
વળી હે શિષ્ય ! અસંખ્ય ભવમાં બાંધેલું ભિન્ન ભિન્ન ગતિને આપનારું કર્મ તે ભવે પણ સત્તામાં હોય છે, તેથી જો સર્વ કર્મનો વિપાક વડે અનુભવ લેવો પડતો હોય તો તે એક ભવમાં ભિન્ન ભિન્ન ભાવના અનુભવનો સંભવ થવો જોઈએ. પરંતુ તેમ થતું નથી. વળી ઔષધથી સાધ્ય રોગનો જેમ નાશ થાય છે તેમ જે કર્મ બાંધતી વખતે તેવા પ્રકારના પરિણામ વડે બાંધ્યું હોય તે કર્મ ઉપક્રમથી સાધ્ય થાય છે અને અસાધ્ય રોગ જેમ ઔષધથી જતો નથી તેમ તેવા પ્રકારના તીવ્ર અધ્યવસાય (પરિણામ)થી જે કર્મ બાંધ્યું હોય તે યોગ્ય કાળે વિપાક વડે ભોગવવાથી જ નાશ પામે છે, કેમકે કર્મબંધના અધ્યવસાયસ્થાનકો વિચિત્ર છે અને અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. તે સ્થાનકોમાં કેટલાંએક સોપક્રમ કર્મને ઉત્પન્ન કરનારા છે અને કેટલાંએક નિરુપક્રમ કર્મના બંધને ઉત્પન્ન કરનારાં છે તેથી જેવા અધ્યવસાયથી જે કર્મ બાંધ્યું હોય તે કર્મ તેવી રીતે ભોગવવું પડે છે.
આ પ્રમાણે હોવાથી તેં કહેલા દોષનો અહીં જરા પણ અવકાશ નથી. વળી જેમ ઘણા શિષ્યો એક જ શાસ્ત્ર સાથે જ ભણતા હોય તેમાં બુદ્ધિની તરતમતાથી ભેદ પડે છે, તથા જેમ અમુક યોજન લાંબા માર્ગમાં ઘણા માણસો એક સાથે ચાલ્યા હોય છતાં તેમની ગતિની તરતમતાથી જવાને સ્થાને પહોંચવાના કાળમાં ભેદ દેખાય છે. (કોઈ વહેલા પહોંચે છે, કોઈ વિલંબે પહોંચે છે), તેવી જ રીતે એક સરખી સ્થિતિવાળું કર્મ ઘણા જીવોએ બાંધ્યું હોય, તેમાં પણ પરિણામના ભેદથી તેનો ભોગકાળ ભિન્ન ભિન્ન થાય છે. લોકપ્રકાશમાં કહ્યું છે કે –
पिंडीभूतः पटः क्लिनश्चिरकालेन शुष्यति ।
प्रसारितः स एवाशु, तथा कर्माप्युपक्रमैः ॥१॥ ભાવાર્થ:- “જેમ ભીનું વસ્ત્ર પિંડરૂપ કરીને મૂક્યું હોય તો તે લાંબી મુદતે સૂકાય છે અને